
દીવાળીની બોણી હજી ઉઘરાવી રહેલો હર્ષવર્ધન રાણે ‘એક દીવાને કી દીવાનિયત’ની દીવાનગીમાંથી બહાર આવ્યો નથી. તે ફિલ્મે જેટલી સારી કમાણી કરી તે જોતા બીજા સ્ટાર પણ આવી દીવાનગીમાંથી બહાર ન આવે તે ખરું. પણ અત્યારે હર્ષ તે દીવાનિયતનાં નામે પ્રોડ્યુસરને દિવાળીયા કરવાનું વિચારી રહ્યો છે. ફિલ્મ હિટ થતા નવી ફિલ્મો લઈ પહોંચેલા પ્રોડ્યુસરો પાછા ફરી રહ્યા છે. કારણ કે તેવી ચર્ચા છે કે એક ફિલ્મ માટે બે-ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરતા હર્ષવર્ધને પોતાની ફીમાં પાંચ ગણો વધારો કરી દીધો છે. એટલે એક ફિલ્મ માટે તે હવે 10 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલવાનો છે. ખેર આ ફી સાંભળી ભલે લોકો હર્ષને જજ કરી રહ્યા છે પણ બીજી તરફ તેની પાસે બે નવી ફિલ્મો આવી પણ ગઈ છે. એક ફિલ્મ તે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ સાથે કરી રહ્યો છે- જેમાં તે ગેંગસ્ટર લવસ્ટોરી હશે તો બીજી ફિલ્મ જ્હોન અબ્રાહ્મની ફોર્સ સિરીઝમાં હશે. •