બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર થઈ ગયું. અત્યાર સુધી શાંતિથી ઊંઘતા સૌ કોઈ સફાળા જાગશે અને ઊંચા પરિણામ માટે દોડશે. આ દોડ એવી હશે કે જેમાં શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પાંચ કે છ વિષયોનો ટોટલ પણ 27 ન થતો હોય એણે પણ જોતરાવું પડશે. વધુને વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવે, શાળાનું પરિણામ ઊંચું આવે તે માટે મોટીવેશનલ સ્પીકર્સ તેડાવાશે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય! આગોતરું આયોજન જરૂરી છે. નિયમિત, રોજેરોજ બાળકોને પ્રેરિત કરતાં રેહવું જરૂરી છે. ‘યાદ રહે, રમતવીરો સ્પર્ધા ના હોય તો પણ નિયમિત પ્રેકટીસ કરતાં જ રહે છે.’ એક બાળકના બોર્ડ પરીક્ષામાં 95% આવે છે છતાં પેરેન્ટ્સ ખુશ નથી!
કારણ અપેક્ષા 98%ની હતી! કેવી વિચિત્રતા? અહીં બાળકની સ્થિતિ શું હશે? બાળકની કોઈને ચિંતા નથી. કદાચિત વાલીની અપેક્ષા 90%ની હોત તો! અપેક્ષા જ ન રાખીએ તો! તો..તો ખુશીઓ વધુ હોત. બાળકેન્દ્રી બનવું જરૂરી નથી લાગતું? ક્યારે અટકશે આ ઊંચી ટકાવારીની ઘેલછા? શિક્ષણમાં ટકાવાળીની દોડ બંધ થશે તો બાળક અને શિક્ષણ સાથે જોડાયેલા સૌ રાહત અનુભવશે. જેટલી મોટી અપેક્ષા એટલો મોટો અસંતોષ. રજનીશ કહે છે, અસંતોષની એક કેમિસ્ટ્રી છે. જેટલો મોટો અસંતોષ જોઈતો હોય એટલી મોટી અપેક્ષા રાખવી પડે. બાળકોને બચાવવા કંઈક અલગ વિચારવું પડશે. બાકી આ આંધળી દોટનો કોઈ અંત નથી!
સુરત – અરૂણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.