દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટને હવે 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તપાસ એજન્સીઓ હજુ કેટલાંસ પ્રશ્નોના જવાબ શોધી રહી છે. અત્યાર સુધી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 10 પૈકી 8 મૃતદેહોની ઓળખ થઈ શકી છે. જ્યારે બાકીના બે મૃતદેહો એવી સ્થિતિમાં છે કે તેમની ઓળખ પરંપરાગત રીતે કરવી મુશ્કેલ બની છે. આ કારણે હવે DNA ટેસ્ટ દ્વારા જ તેમની ઓળખ શક્ય બને એવી સંભાવના છે.
માહિતી અનુસાર આ 2માંથી એક મૃતદેહનું માથું જ ગુમ છે. જ્યારે બીજા મૃતદેહમાં માત્ર શરીરના ટુકડાઓ જેમ કે પેટનો ભાગ અને કપાયેલી આંગળીઓના સ્વરૂપમાં મળ્યો છે. આ સ્થિતિને કારણે તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર મનાતો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ જીવિત છે કે માર્યો ગયો તે હજી સ્પષ્ટ નથી.
આ રહસ્ય ઉકેલવા માટે તપાસ એજન્સીઓએ ડૉ. ઉમરની માતાનું DNA સેમ્પલ લીધું છે. જેની તુલના ઘટનાસ્થળેથી મળેલા શરીરના અજાણ્યા ટુકડાઓ સાથે કરવામાં આવશે. જો DNA મેચ થશે તો એ નિશ્ચિત થશે કે ઉમર પણ આ વિસ્ફોટમાં માર્યો ગયો છે.
પ્રારંભિક તપાસ મુજબ અધિકારીઓનું માનવું છે કે આ બ્લાસ્ટ કદાચ “ભૂલથી” થયો હોઈ શકે છે. ફરીદાબાદમાં આંતરરાજ્ય આતંકી મોડ્યુલ પકડાતા ડૉ. ઉમર ગભરાઈ ગયો હતો અને ઉતાવળમાં બનાવેલા એક્સપ્લોઝિવ ઉપકરણને એક સ્થાનેથી બીજે ખસેડી રહ્યો હતો. એ દરમિયાન અકસ્માતે વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે.
CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થયું છે કે બ્લાસ્ટ સમયે i20 કારમાં ડૉ. ઉમર એકલો જ હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કાર જમીનથી ઘણા ફૂટ ઉપર ઉછળી ગઈ હતી.
બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 8 લોકોની ઓળખ થઈ ચૂકી છે
મોહસિન (મેરઠ), અશોક કુમાર (અમરોહા, બસ કંડક્ટર), લોકેશ (અમરોહા), દિનેશ મિશ્રા (શ્રાવસ્તી), પંકજ (ઓલા-ઉબર ડ્રાઇવર), અમર કટારિયા (શ્રીનિવાસપુરી), નૌમાન અંસારી અને મોહમ્મદ જુમ્માન (રિક્ષાચાલકો).