Columns

જ્યાં પાણી છે, પણ પીવાનું નથી ને યોજનાઓ છે, પણ પહોંચતી નથી

અમને ચોમાસામાંય પીવાના પાણીની તકલીફ પડે ને શિયાળો ઉતરતા અમારૂ તળાવ સુકાય ત્યારેય પીવાના પાણીની જબ્બર તકલીફ પડે.” આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પાણીની તકલીફ વિષે સાંભળ્યું હતું પણ ભરચોમાસે પાણીની તકલીફ! ભારે નવાઈ લાગે એવી વાત હતી.


આખા પંથકનો વરસાદી આનંદ સાબરકાંઠાના ખેડબ્રહ્માના ધ્રોઈ ગામના નીચા ફળિયામાં રહેતા લોકો માટે આશીર્વાદની જગ્યાએ પડકાર કેવી રીતે બનતો હશે? અમે વિચારી રહ્યા હતા ત્યાં ગામના ગજરીબેન તરાર અને એમની સાથે ઊભેલા સૌએ પાણીનું સુખ થાય એવું કાંઈક કરી આપોનું કહ્યું. સરકારની સુજલામ સુફલામ યોજના તેમજ ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફની મદદથી અમે આ ગામનું છીછરુ થઈ ગયેલું તળાવ ઊંડુ કરેલું. એ તળાવ ચોમાસે સરસ ભરાયાના સમાચાર મળ્યા હતા એટલે એ જોવા ખાસ ગયા ને ગામના સૌએ તળાવ સરસ ભરાયાનો હરખ વ્યક્ત કરીને પછી પાણીનું કાયમી ધોરણે હખ કરી આપોનું કહ્યું.
“તળાવ સરસ ભરાયું છે તો હવે પાણીની મુશ્કેલી નહીં પડે. તમારા કૂવા પાણીથી ભરાયેલા રહેશે એટલે ચિંતા ન કરોનું” અમે કહ્યું. જવાબમાં એમણે કહ્યું,
“અમારે કૂવો નથી?”
“તમારા ઘરે નળ કે હેન્ડપંપ તો હશે ને? એમાં સરખુ પાણી આવશે” “ના રે ના એ હોત તો જોતું’તુ શું? આ તળાવ ભરાયેલું રે ત્યાં સુધી અમને પાણી મળે. તળાવની વચ્ચોવચ કૂવો છે એમાં પાઈપ મુકીને અમે ઉપર પાણી લઈ જઈએ. ત્યાં એક હોજ બનાવ્યો છે. એમાં પાણી આવે ને અમે સૌ ભરીયે, પણ તળાવ સુકાય એટલે પાણી મળવાનું બંધ થાય. ઉનાળો શરૂ થતા અમારે હાથમાં મોટા ડબલા કે માથે બેડાં લઈને પાણી માટે રઝડપાટ કરવો પડે. આ તમે તળાવ જોવા ડુંગરા ચડીને આવ્યા, તમારા હાથમાં કશું નથી તોય તમે હાંફી ગયા. અમે માથે બેડા કે ડબ્બા લઈને ડુંગર કેવી રીતે ચડતા હોઈશું? અમારી એ દશાનો વિચાર કરો?” આ બધુ બોલી રહેલા ગજરીબેનનાં મોંઢા પર એમની આંખોમાં તેઓ વરસોથી જે તકલીફ વેઠી રહ્યા હતા તેનું ભારણ સ્પષ્ટ દેખાતું હતું
ગજરીબેનના શબ્દો સાંભળી, પાણી પ્રાથમિક જરૂરિયાત તો ખરુ પણ એનાથીયે વિશેષ એ માનવીને સ્વમાનપૂર્ણ જીવવાનો જાણે અધિકાર આપતાનું લાગ્યું. ધ્રાઈના નીચા ફળિયામાં રહેતા લોકોએ સરકાર પાસે અશક્ય ચીજ નથી માંગી. એમણે પાણીનું સુખ માંગ્યું છે ને એ સુખ પ્રાપ્ત કરવાનો આઝાદ દેશમાં દરેક નાગરિક ને અધિકાર છે.
ગજરીબેનના શબ્દોને ટેકો આપતા ગામના રમેશભાઈ બોલ્યા, “ચોમાસામાં આખા ડુંગરનું પાણી વહીને તળાવમાં આવે એટલે તળાવનું પાણી ડોહળુ થઈ જાય એટલે એ પાણી પણ ઉપયોગમાં ન લેવાય. એ વખતે અમારે માટલા લઈને પાણી ભરવા જવું પડે.” વિચરતી જાતિઓના કલ્યાણના કાર્યો અમે વર્ષોથી કરીએ. આ સમુદાયો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બને, બજેટ ફળવાય તે માટે અમે ઘણું મથીયે, પણ આદિવાસી પરિવારો માટે તો વર્ષોથી સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છતાં… અમારી વાતો ચાલતી હતી ત્યાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં નળ દ્વારા પીવાનું પાણી ઉપલ્બધ કરાવવા કેટલું બજેટ ફળવાયું એ આંકડો શોધવા પ્રયત્ન કર્યો ને ગુજરાતના જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે 4616 ગામોમાં નળથી પાણી પહોંચાડવા રૂ. 5,845 કરોડની જોગવાઈ કર્યાનું વાંચ્યું. આ બજેટ 25-26નું આવું જ બજેટ 24-25 નું ને એ પહેલાનું પણ હશે. છતાં ધ્રોઈ ગામના નીચા ફળિયામાં રહેતા પંદર પરિવારો પાસે આ આંકડાનું નાનકડુ ફદિયુંય પહોંચ્યું નથી.
આ પંદર પરિવારો પાસે નાનકડી એકાદ બે વિઘા જમીન હતી. આ જમીનમાં સિંચાઈ પણ તળાવના પાણીથી કરે. ઉનાળામાં તળાવ સુકાય એટલે ખેતરો સૂકાય, એક રીતે તો જીવન સૂકાય એમ કહી શકાય. ગરીબીના ઘેરા રંગે રંગાયેલા આ પરિવારોમાં કોઈ પાસે પાક્કા ઘર નહોતા. અમે એમને પૂછ્યું કે, “સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદ મળે છે તો એ યોજનાની મદદ તમારા સુધી નથી પહોંચી?”
પ્રશ્નનો જવાબ આપતા ગામના બાબુભાઈ બોલ્યા, “યોજના તો ગામ સુધી આવી છે, ગામમાં કેટલાક ઘરો બન્યા પણ અમારા સુધી યોજના નથી પહોંચી. અમે પંચાયતમાં ઘણી રજૂઆત કરી, પણ કશું થતું નથી.” એમની વાતમાં માત્ર નિરાશા નહોતી એક અદૃશ્ય અસહાયતા હતી. એ લોકો જાણે છે કે સરકારની યોજનાઓનો એમની સુધી પહોંચવાનો જાણે રસ્તો નથી.
“કમોસમી વરસાદ થયો તે તમારા ખેતરમાં નુકશાન થયું છે?” એવું ઉપસ્થિત સૌને પૂછ્યું તો એમણે કહ્યું, “બેન તમે અહીંયા સુધી આવ્યા તે ખેતરમાં જોયુ નહીં? ચોમાસુ ખેતી જ અમારા આખા વર્ષની આશા. ચોમાસુ સરખુ પાકે તો શિયાળામાં મકાઈ અને ઘઉં વાવવા બિયારણ અને ખાતર મળે. ઘરમાં પણ થોડુ રાશન મળી જાય, પણ આ કમોસમી વરસાદે બધું ઉથલપાથલ કરી દીધું. ખેતરમાં પાણી ભરાયું, પાક સડી ગયો. ચોમાસુ ખેતી બગડી. શિયાળુ કરવા બિયારણ ખરીદવાના પૈસા નથી. હાલ તો બધા બહારગામ જે મળે તે મજૂરીએ જાય, જેથી ખાવા ભેગા થવાય ને થોડી બચત કરીએ તો મકાઈને ઘઉં વવાય. ઘઉં, મકાઈ થાય તો અમે આખુ વર્ષ રોટલા ભેગા થઈએ.”
જે ખેડૂતોના પાકનું ધોવાણ થયું હોય એ ખેડૂતોને સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે પણ ધ્રોઈના આ પરિવારોને એ મદદ મળશે કે કેમ એ શંકા છે?
નીચા ફળિયાથી ગામની શાળા દૂર છે. બાળકોના નામ શાળામાં દાખલ છે, પરંતુ હાજરીની યાદીમાં ઘણાં દિવસ ખાલી જગ્યા રહે છે. ઘરથી શાળાનો રસ્તો વરસાદી ઋતુમાં કાદવમાં ગરકાવ થઈ જાય, વળી નાનકડાં પગ માટે એ શાળા અને ઘરનું અંતર બહુ લાંબું બને એટલે બાળકો નિયમિત શાળાએ જતા નથી. ફરજિયાત શિક્ષણ કાયદો આપણે ત્યાં અમલી છે એમાં શાળાનું અંતર ઘરથી બે કિલોમીટરથી વધુ હોય તો વાહનની સુવિધા આપવાની જોગવાઈ છે. પણ અહીં તો રસ્તો જ નથી, તો વાહન કેવી રીતે આવે?
વિકાસના સપના આ પરિવારો જુવે છે પણ એ વિકાસ એમના સુધી પહોંચ્યો નથી. સરકાર દ્વારા તટસ્થ સંસ્થાઓ દ્વારા આ પ્રકારે સરકારની યોજનાઓથી વંચિત રહી ગયેલાઓનો સર્વે થાય ને પ્રગતિના નકશામાં જેટલા પણ રહી ગયા છે તેમને સ્થાન મળે તેમ ઈચ્છીએ. –મિત્તલ પટેલ

Most Popular

To Top