Columns

AI માત્ર સાધારણ કામ નહીં, કંપનીઓનું સંચાલન પણ કરશે

તમે ક્યારેય વિચાર્યું છે કે AI માણસની કેટલી નોકરીઓ ખાઈ જશે?
તમે આંકડો જાણીને ચોંકી જશો. AIના કારણે આગામી સમયમાં 30 કરોડ નોકરીઓ ઘટી જશે. તમે કલ્પના કરો એ જગતની કે જેમાં 30 કરોડ લોકો AIના ઉપયોગની સાઈડ ઈફેક્ટરૂપે બેરોજગાર થઈ જશે. વર્લ્ડ ઈકોનોમી ફોરમ તો એમ કહે છે કે આ વર્ષના અંતે જ 1.1 કરોડ લોકોએ AIના કારણે નોકરી ગુમાવી દીધી હશે.
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે 2030 સુધીમાં દુનિયાના 15% કર્મચારીઓએ AIની સાઈડ ઈફેક્ટથી પોતાનો જે કામ-ધંધો હશે એ છોડીને બીજા ધંધામાં જવું પડશે કારણ કે તેમની નોકરી AIએ લઈ લીધી હશે. દરેક ટેકનોલોજીનાં સારાં-નરસાં પાસાં હોય છે. AIના પણ છે. AI અત્યારે નોકરીઓ ખાઈ જશે પણ તેની સામે ભવિષ્યમાં નોકરીઓનું સર્જન પણ થશે. આપણા સૌનું જીવન AI એજન્ટ્સ સરળ બનાવશે.
AI માનવજાત માટે ફાયદાકારક છે એમ કહીને તેની તરફેણ કરનારાઓ પણ છે. AIના વિધ્વંશક પરિણામો આવશે એમ કહીને તેનાં પર નિયંત્રણો મૂકવાની તરફેણ પણ થાય છે. ટેકનોલોજીના દિગ્ગજો વચ્ચે જ આ બાબતે મતભેદો છે. AI લાંબાગાળે નોકરીઓ આપશે પણ ટૂંકાગાળે લોકો એનાથી નોકરીઓ ગુમાવશે એમ કહીને તેને સ્થાન આપવાની હિમાયત થાય છે. એ બધા વચ્ચે જેના કારણે AIની ક્રાંતિ થઈ છે એ ChatGPTના સર્જક ઓપનAI કંપનીના CEO સેમ ઓલ્ટમેનના નવા દાવાથી ફરીથી AIના અસ્તિત્વની ચર્ચા જામી પડી છે.
ઓપનAIના CEO સેમ ઓલ્ટમેને એક ચોંકાવનારો દાવો કર્યો કે ભવિષ્યમાં એ પોતે ઓપનAI કંપનીનું સંચાલન AIને આપી દેશે. AI એજન્ટ્સ એટલા કુશળ થઈ જશે કે તે સંસ્થા કે કંપનીઓનું સંચાલન કરી શકશે. માણસની જેમ વિચારી શકશે. તેમણે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં AIથી ચાલતી હોય એવી ઓપનAI દુનિયાની પ્રથમ કંપની બનશે.
તમે કલ્પના કરો કે AIના કારણે દુનિયામાં લાખો-કરોડો નોકરીઓનો ભોગ લેવાશે એવી દહેશત વ્યક્ત થાય છે. એવી ભીતિ વચ્ચે ChatGPT બનાવનારી કંપની ઓપનAIના સંસ્થાપક અને CEO સેમ ઓલ્ટમેન એમ કહે છે કે AI માણસની જેમ વિચારીને આખી સંસ્થા જ ચલાવી શકશે.
સેમ ઓલ્ટમેને જે કહ્યું તે સમજવા જેવું છે – કે હું ખુદ મારી CEOની ખુરશી કોઈ AI એજન્ટને સોંપી દઈશ અને હું ખેતી કરવાનું પસંદ કરીશ. AI એટલા કુશળ થઈ જશે કે ઓપનAIનું સંચાલન કરી શકશે. AIથી ચાલતી હોય એવી ઓપનAI દુનિયાની પ્રથમ કંપની ન બને તો એ મારા માટે શરમજનક કહેવાય. આગામી 10 વર્ષમાં એવી AI સિસ્ટમ વિકસી જશે કે જે કંપની-સંસ્થા-સંગઠનનો આખો વિભાગ સ્વતંત્ર રીતે ચલાવી શકશે.
જો કે સેમ ઓલ્ટમેને એ વાત સ્વીકારી હતી કે AI ટેકનોલોજીને નૈતિક માપદંડો પ્રમાણે આગળ વધારવી જોઈએ. સુરક્ષા પણ એટલી જ જરૂરી બાબત છે. ઓપનAIના સંસ્થાપકનું આ નિવેદન ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઓપનAIએ જ ChatGPT લોંચ કરીને દુનિયામાં AI ચેટબોટના યુગનો આરંભ કર્યો હતો. શક્ય છે કે કંપની આવા ખાસ પ્રકારના AI એજન્ટ બનાવવાની દિશામાં કામ કરતી હોય અને સેમ ઓલ્ટમેને એવો સંકેત આપ્યો હોય. સેમ ઓલ્ટમેનના દાવા પ્રમાણે થશે તો કોર્પોરેટ ઈતિહાસમાં મોટાં અને અણધાર્યાx પરિવર્તનો આવશે.
અત્યારે AI એજન્ટ્સ માણસના સહાયકની ભૂમિકામાં છે. આપણને સહાય કરે છે એ જ એજન્ટ સહાયકમાંથી બોસની ભૂમિકામાં આવી જશે. શક્ય છે કે AI એજન્ટ જ ભવિષ્યમાં કંપનીના CEO-મેનેજિંગ ડિરેક્ટર તરીકે માણસને નોકરી આપશે. જો એમ થાય તો એવી દુનિયાની કલ્પના જ કરવી રહી. AI માણસને નોકરી આપશે કે પછી માણસને બદલે એક AI બોસ AI એજન્ટને નોકરી આપવાનું પસંદ કરશે? ધારો કે માણસને નોકરી આપે તો પણ એ માણસની આવડત અને અણઆવડત બંને સ્વીકારી શકશે? આવા કેટલાય સવાલો ખડા થવાના છે. ChatGPTની જેમ જો ઓપનAI કંપની ખરેખર એવા AI એજન્ટ પર કામ કરતી હશે તો એવા વિશ્વનું ચિત્ર આપણી કલ્પના કરતાં તદ્ન જુદું હશે.

Most Popular

To Top