સુરત: સુરતના છેવાડે બની રહેલા બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મોદી માટે હેલિકોપ્ટર તેમજ બાય રોડ જવાના, બંને આયોજનો કરવામાં આવ્યા છે.
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત તેમજ કામગીરીની સમીક્ષા માટે વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે
- સુરત એરપોર્ટથી અંત્રોલી સુધીનું અંતર 24 કિ.મી. છે ત્યારે હેલિકોપ્ટરથી મોદી જશે
- જો હવામાન બગડશે તો મોદી બાય રોડ અંત્રોલી જશે, અંત્રોલીમાં હેલિપેડ બનાવાઈ રહ્યું છે
સામાન્ય રીતે વડાપ્રધાન મોદી એરપોર્ટથી હેલિકોપ્ટરમાં જ અંત્રોલી જશે અને ત્યાંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે હેલિકોપ્ટરમાં જ ડેડિયાપાડા જવાના છે. પરંતુ જો હવામાન બગડે તો બાયરોડ પણ જઈ શકાય તે માટે બેવડા આયોજનોને અંજામ આપવામાં આવી રહ્યો છે.
ભારત દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેનનો પ્રારંભ પ્રાથમિક ધોરણે સુરતથી બીલીમોરા સુધીનો કરવામાં આવશે. આ માટે તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરતમાં અંત્રોલી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાની હાલમાં કામગીરી ચાલી રહી છે. જ્યારે સમગ્ર પ્રોજેક્ટમાં હાલમાં ટ્રેક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી થાય તે માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેવામાં આવશે. જેમાં સુરત ખાતે તેઓ અંત્રોલીના બુલેટ ટ્રેન સ્ટેશન સાથે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરીનું તા.15મી નવેમ્બરના રોજ નિરીક્ષણ કરશે. નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે, જ્યારે અંત્રોલીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન એરપોર્ટથી 24 કિ.મી. દૂર છે.
એરપોર્ટથી અંત્રોલી સુધીના અંતરને જોતાં તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અંત્રોલી પાસે હેલિપેડ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે. જોકે, સાથે સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહી છે. બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો હવામાન ખરાબ હશે તો વડાપ્રધાન મોદી અંત્રોલીથી ડેડિયાપાડા પણ બાયરોડ જઈ શકે છે.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકો શરૂ, વિવિધ ઉપસમિતી બનાવાઈ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે આગામી તા. 15 નવેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે.
વડાપ્રધાનની આ અતિમહત્વપૂર્ણ મુલાકાતને સુચારૂ અને નિર્વિઘ્ન બનાવવા માટે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં સુરત કલેકટોરેટ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર ડૉ. પારધીએ વડાપ્રધાનની મુલાકાત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અને અધિકારીઓને સંબંધિત જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની તાકીદ કરી હતી.
કલેકટરે જણાવ્યું કે, “વડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી, પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ‘ડ્રીમ પ્રોજેક્ટ’ મુંબઈ-અહમદાબાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) ના કાર્યની સમીક્ષા માટેનો મહત્વનો તબક્કો છે. તંત્રની તૈયારીઓ સુગમ બનાવવા માટે અધિક નિવાસી કલેકટર વિજય રબારીએ વિવિધ ઉપસમિતિઓનું ગઠન કર્યું હતું. દરેક સમિતિને સંબંધિત ક્ષેત્ર સુરક્ષા, વાહનવ્યવસ્થા, આવાગમન, મીડિયા મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, તેમજ સ્થળ વ્યવસ્થાપન વગેરે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.