બિહારનું નામ આવે તો એમ પણ લોકો ધ્રુજી ઉઠે છે ત્યારે હાલમાં બિહારમાં ચાલી રહેલી ચૂંટણીમાં બાહુબલીઓ અને દિગ્ગજોની લડાઇના મેદાનમાં એક 25 વર્ષની યુવતીએ પણ ઝંપલાવ્યું છે. આ યુવતીનું નામ મૈથિલી ઠાકુર છે અને તે અલીગઢ વિધાનસભાની બેઠક પરથી ભાજપની ઉમેદવાર છે. આમ બિહારામાં ચાલી રહેલા ચૂંટણી જંગમાં તે મીઠી વીરડી સમાન છે. મૂળ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉરેન ગામની રહેવાસી, મૈથિલીને બાળપણથી જ સંગીતમાં રસ હતો. મૈથિલી ઠાકુર નાનપણથી જ તેના કોકિલ સ્વરના કારણે સમગ્ર દુનિયામાં જાણીતી છે.
૨૦૧૧ માં, ઠાકુર ઝી ટીવી પર પ્રસારિત થતી ગાયન સ્પર્ધા ટેલિવિઝન શ્રેણી, લિટલ ચેમ્પ્સમાં દેખાઇ હતી. તેના ચાર વર્ષ પછી તેણે સોની ટીવી પર પ્રસારિત થતી ઇન્ડિયન આઇડોલ જુનિયરમાં ભાગ લીધો હતો. ૨૦૧૬ માં ‘આઈ જીનિયસ યંગ સિંગિંગ સ્ટાર’ સ્પર્ધા જીતી હતી, ત્યારબાદ તેણે યા રબ્બા ( યુનિવર્સલ મ્યુઝિક ) લોન્ચ કર્યું હતું. ૨૦૧૭ માં, ઠાકુર એક ટેલિવિઝન ગાયન સ્પર્ધા, રાઇઝિંગ સ્ટારની સીઝન ૧ માં સ્પર્ધક હતી . મૈથિલી શોની પહેલી ફાઇનલિસ્ટ હતી, જેમાં તેણે ઓમ નમઃ શિવાય ગાયું હતું , જેનાથી તેણીને ફાઇનલમાં સીધો પ્રવેશ મળ્યો હતો. જો કે તે રનર અપ રહી હતી.
ફેસબુક અને યુટ્યુબ પર તેમના વીડિયોને ભારે સફળતા મળ્યા પછી, ઠાકુર અને તેના ભાઈઓએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ભારત સરકાર દ્વારા મૈથિલીને અટલ મિથિલા સન્માનથી નવાજવામાં આવ્યા છે. 2019માં ચૂંટણી પંચ દ્વારા મૈથિલી અને તેના ભાઈઓને મધુબનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. તેના પિતા, રમેશ ઠાકુર એક સંગીત શિક્ષક છે અને તેમણે મૈથિલીને તેણીને પ્રારંભિક સંગીત શિક્ષણ આપ્યું હતું. તેની માતા, પૂજા ઠાકુર, ગૃહિણી છે, જ્યારે તેના બે ભાઈઓ, ઋષભ ઠાકુર અને આયાચી ઠાકુર, પણ સંગીતમાં સક્રિય છે. દિલ્હીમાં પરિવારે આર્થિક સંઘર્ષ સહન કર્યો, જેના કારણે મૈથિલી સ્ટેજ સુધી પહોંચી છે.
મૈથિલી ઠાકુરે પોતાના સુમધુર અવાજ અને લોકગીતોથી માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશભરમાં ઓળખ મેળવી છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે અને તેમને મિથિલા સંસ્કૃતિનો અવાજ માનવામાં આવે છે. હવે, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, એક નવો પ્રયાસ કર્યો છે. ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેમને દરભંગાના અલીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપી છે. ઉમેદવારી નોંધાવ્યા પછી, મૈથિલી ઠાકુરે કહ્યું, અલીનગરને એક આદર્શ શહેર બનાવવાનો મારો સંકલ્પ છે. લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે. મૈથિલી ઠાકુરના ભાજપમાં સમાવેશ અને ચૂંટણી લડવાની ખબર ફેલાતા જ બહુ લોકો ખુશ હતા પરંતુ બીજી તરફ કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી હતી.
જેમાં ભાજપના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવ પણ સામેલ હતાં. તેમણે પાર્ટી છોડતી વખતે આરોપી લગાવ્યો હતો કે ભાજપ દલિત અને પછાતવર્ગની ઉપેક્ષા કરે છે. મૈથીલી ઠાકુર બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે અને તેમના હરીફ ઉમેદવાર આરજેડીના વિનોદ મિશ્રા પણ બ્રાહ્મણ છે. દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા વર્ષ 2008ના સીમાંકન પછી નવી બેઠક બની હતી. અહીં 2010 અને 2015ની બંને ચૂંટણીમાં આરજેડીના અબ્દુલ બારી સિદ્દીકીએ વિજય નોંધાવ્યો હતો. જ્યારે 2020ની ચૂંટણીમાં ભાજપના મિશ્રીલાલ યાદવે મુકશે સહાનીની વીઆઇપી પાર્ટીના વિનોદ મિશ્રાને હરાવ્યા હતાં.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલાં તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વોચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રિપોર્ટમાં 1314માંથી 1303 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 423 એટલે કે, કુલ 32 ટકા ઉમેદવારોએ પોતાના ઉપર ગુનાઇત કેસોની જાહેરાત કરી છે. વળી, 354 ઉમેદવારો એટલે કે, 27% પર ગંભીર ગુનાઇત કેસ દાખલ છે.
ગંભીર કેસોમાં 33 ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, 86 હત્યાના પ્રયાસ અને 42 મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, 2 ઉમેદવાર એવા છે, જે દુષ્કર્મ સહિતના કેસમાં જોડાયેલા છે. આ રિપોર્ટ જણાવે છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ છે. જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાઇત કેસો છે. BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાઇત કેસો દાખલ છે.
વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઇ(એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઇ અને સીપીઆઇ(એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાઇત કેસો દાખલ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 1303 ઉમેદવારોમાંથી 519 ઉમેદવારો, એટલે કે 40%, કરોડપતિ છે. તેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે. 519 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5થી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 651 ઉમેદવારો, એટલે કે 50%એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે. આવા દિગ્ગજોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મિથિલાંચલ પણ પહેલા તબક્કામાં જ આવતું હતું. આવા હિસ્ટ્રીશીટર અને ખંધારાજકારણી વચ્ચે ચૂંટણીમાં ઝંપલાવનાર મિથીલા ઠાકુર રણમાં મીઠીવીરડી જેવી જ છે તેમ કહીએ તો ખોટું કંઇ નથી.