Columns

મહામૂર્ખ કોણ?

જ્ઞાનચંદ એક નાનકડો વેપારી હતો, તે વેપારી ઓછો અને ભક્ત વધારે હતો. સવારે વહેલો ઉઠીને સેવા પૂજા પાઠ ધ્યાન ભજન કરે, પછી મંદિરે જાય અને પછી દુકાન ખોલે. અને બપોર સુધી દુકાનમાં કામ કરે પછી દુકાન બંધ કરી ભોજન કરવા ઘરે જાય. પોતે જમવા પહેલા મંદિર પાસે સાધુ સંતોને જમાડે, ગરીબોને દાન આપે પછી ઘરે જઈ પોતે જમે પછી વાળી પાછો દુકાને જવાને સ્થાને ગરીબ બીમાર, લાચાર લોકોની સેવા કરવા જાય. થોડો સમય દુકાન ખોલે ત્યારે જે વેપાર થાય તેમાં સંતોષ રાખી તે પ્રભુભક્તિ અને જનસેવામાં જીવન વિતાવતો હતો અને બહુ ખુશ હતો. 

ગામના લોકોને તેના આવા વર્તાવથી આશ્ચર્ય થતું અમે બધા તેને પાગલ સમજતા તેના માટે કહેતા, ‘આ તો મહામૂર્ખ છે. દુકાન થોડો સમય ખોલે છે, સવારનો સમય પણ પૂજાપાઠમાં વેડફે છે, બધા પૈસા દાનમાં લુંટાવી દે છે. વધુ પૈસા કમાઈ શકે છે પણ કમાતો નથી સાવ પાગલ છે.  એક દિવસ ગામના નગરશેઠને મજાક સુઝી તેમણે જ્ઞાનચંદ માટે સન્માન સભારાખી આખા ગામને નોતર્યું અને તેના પહેલા ઘણા વખાણ કર્યા કે તે સેવાના અનેક કર્યો કરે છે ભક્તિ કરે છે પછી ઉમેર્યું કે નામ ભલે તેનું જ્ઞાનચંદ હોય પણ તે મહામૂર્ખ છે, કમાવાની તક હોવા છતાં ગુમાવે છે અને પોતાને માટે કઈ બચાવતો પણ નથી એટલે આજે તેને ગામના સૌથી મહામૂર્ખ તરીકે સન્માનિત કરવામાં આવે છે.’

પછી તેને શાલ ઓઢાડવામાં આવી. બધાએ બહુ મજાક કરી પણ જ્ઞાનચંદ તો શાંતિથી ચુપચાપ ઘરે જતો રહ્યો અને ભગવાનનું નામ લેવા લાગ્યો. ગામના નગરશેઠ બીમાર પડ્યા ત્યારે જ્ઞાનચંદ તેમની ખબર પૂછવા ગયો અને હાલચાલ પૂછ્યા, શેઠ બોલ્યા, ‘ભાઈ હવે તો ઉપર જવાની તૈયારી કરી રહ્યો છું.’ જ્ઞાનચંદે પૂછ્યું,  ‘શેઠજી તમારી પહેલા ત્યાં બધો બંદોબસ્ત જોવા કોઈ માણસ મોકલ્યો છે કે નહીં? તમારી પત્ની, પરિવાર, ગાડી, બંગલા, હવેલી, દુકાન બધું સાથે લઈ જશો ને?’ શેઠજી બોલ્યા, ‘ભાઈ ત્યાં કોણ સાથે આવે છે? ઉપર ભગવાન પાસે તો બધાએ એકલા જ જવાનું હોય છે કુટુંબ, સ્વજનો, ધન દોલત, હવેલી, ગાડી, બંગલા બધું અહીં જ છોડીને જવાનું હોય છે.

આત્મા સિવાય બીજું કઈ ઉપર જઈ શકતું નથી.’ જ્ઞાનચંડે થેલીમાંથી શાલ કાઢી શેઠને ઓઢાડતા કહ્યું,  ‘મને મહામૂર્ખ તરીકે તમે સન્માનમાં શાલ ઓઢાઢી હતી, તે તમને ઓઢાડી સન્માન કરું છું. તમે સૌથી મોટા મહામૂર્ખ છો. જો તમને ખબર જ હતી કે દુકાન, ગાડી બંગલા, સ્વજનો બધું અહીં જ છોડી જવાનું હોય છે તો પછી આખું જીવન લાલચને કારણે તે બધું મેળવવામાં જ લાગેલા રહ્યા, કમાણી કરવામાં અને સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરવામાં જ જીવન વિતાવ્યું. ન સત્કર્મ કર્યા, ન સેવા કરી, ન ભક્તિ કરી, ન ભજન કર્યું, દાન પણ આપ્યું હશે નામના મેળવવા, કોઈને મદદ કરવા નહીં. ઈશ્વર પાસે જવા પહેલા તમે કોઈ તૈયારી એવી કરી નહીં જે પુણ્ય બની તમારી સાથે આવે તો હવે સમજી લો મહામૂર્ખ કોણ છે?’

Most Popular

To Top