Comments

૯૨ વર્ષના પૉલ બિયા સતત આઠમી વખત કેમરૂનના પ્રમુખ ચૂંટાઈ આવ્યા પણ એમને માટે આ વખતનો પંથ સરળ નહીં હોય

દુનિયા આખીમાં કુતૂહલ જગાવનાર કેમરૂન દેશના પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છતાંય એની સાથે જોડાયેલો વિવાદ શમી જવાનું નામ લેતો નથી. આ આખોય વિવાદ ૯૨ વર્ષની ઉંમરે આગામી સાત વર્ષ માટે કેમરૂનના પ્રમુખપદની ચૂંટણી આઠમી વાર લડી રહેલા પૉલ બિયા સાથે જોડાયેલો છે. કેમરૂનની બંધારણીય સભાએ પૉલ બિયાને સતત આઠમી વાર કેમેરૂનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે. પૉલ બિયા ૧૯૮૨થી સતત કેમરૂનનું પ્રમુખપદ સંભાળી રહ્યા છે.

જો કે કેટલાક નાગરિક સમૂહો તેમજ વિરોધપક્ષોએ આ ચૂંટણીમાં ગંભીર અનિયમિતતાઓ અને મતપેટી સાથે ચેડાં થવાથી લઈને સરકારી મશીનરીનો દુરુપયોગ સુધીની બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષના ઉમેદવાર ઇસા બકારીએ પૉલ બિયાને મળેલા ૫૩.૬૬ ટકા મત સામે પોતાને ૫૪.૮ ટકા મત મળ્યા હોવાનો દાવો કરી પોતાને વિજયી જાહેર કરી દીધા છે. બંધારણીય કાઉન્સિલના સભ્યો પૉલ બિયા દ્વારા નીમવામાં આવ્યા હતા અને એટલે એમની વર્તણૂક તેમજ નિર્ણયની પ્રક્રિયા સામે બકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે.

આમ પૉલ બિયાનો પ્રમુખપદ તરીકેનો કાર્યકાળ હવે તેઓ ૯૯ વર્ષના થશે ત્યાં સુધી ચાલશે. પ્રમુખ તરીકે ચૂંટાઈ તો આવ્યા પણ બિયાની આ જીત કાગળ જેટલી પાતળી બહુમતી ઉપર આધારિત છે. અગાઉની જેમ જોરદાર બહુમતીથી તેમનો વિજય થયો નથી. આમ સંસદમાં અત્યંત પાતળી બહુમતી હોવાને કારણે પૉલ બિયાને રાજ કરવામાં મુશ્કેલી તો પડવાની જ છે એટલે જીતનો આ આનંદ કેટલો લાંબો ટકશે અને કેમરૂનને કેટલું મજબૂત અને સ્થિર શાસન પ્રાપ્ત થશે એ સામે એક મોટો પ્રશ્નાર્થચિન્હ ઊભો થાય છે. ૨૦૧૧માં એમને ૭૭ ટકા મત મળ્યા હતા, જ્યારે ૨૦૧૮માં ૭૧ ટકા અને ૨૦૨૫માં માત્ર ૫૩.૬૬ ટકા મત મળ્યા છે. જો કે જુદા જુદા રાજકીય પક્ષો વચ્ચે સમતુલન જાળવવામાં અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન તેઓ સફળ રહ્યા છે અને બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આને કારણે બિયાનું ગાડું ગબડતું આવ્યું છે.

કોઈ પણ રાજ્યકર્તા આટલો લાંબો સમય રાજ કરે એટલે સ્વાભાવિક રીતે જ એની વધુ ને વધુ ત્રુટિઓ સપાટી પર આવતી જાય છે, એ કા૨ણ બિયાને પણ નડે તે સ્વાભાવિક છે. બિયાના ટેકેદારોમાં પણ વિભાજન થયું છે. બિયાએ ઝડપથી પોતાની લોકપ્રિયતા ગુમાવી છે, તેની સાથોસાથ લાંબા વખતથી ચાલ્યા આવતા સંઘર્ષોને ખાળવામાં પણ તે નિષ્ફળ ગયા છે તેને કારણે ભાગલાવાદી પરિબળોએ માથું ઊંચક્યું છે.

આવા સંજોગોમાં એનો પ્રતિસ્પર્ધી બકારી પોતે હાર સ્વીકારે જ નહીં તો એક સંઘર્ષપૂર્ણ સ્થિતિનું નિર્માણ થાય અને આવનાર સમયમાં કેમરૂનમાં વિઘાતક પરિબળો વધુ સક્રિય બને. ચૂંટણીનાં પરિણામો બાદ ઠેર ઠેર અસંતોષ ફાટી નીકળ્યો છે અને આ વિસ્તારોમાં બકારીનો કાબૂ તેમજ લોકપ્રિયતા બળતામાં ઘી હોમવા માટે કાફી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની વ્યૂહરચનાનો વિચાર કરીએ તો આજે ૯૨ વર્ષની ઉંમરે પહોંચેલા પૉલ બિયાની વધતી ઉંમર, ઘટતી લોકપ્રિયતા અને ઓસરતો જતો જનપ્રભાવ કેમરૂનમાં ઊભી થઈ રહેલ વિસ્ફોટક પરિસ્થિતિને ખાળવી મુશ્કેલ બનશે તેવું દર્શાવી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં પૉલ બિયા એમની સાત વર્ષની ટર્મ પૂરી કરશે કે કેમ અને એ દરમિયાન દેશમાં વિઘટનકારી પરિબળો માથું ઊંચકે અને કેમરૂનમાં વિભાજનનાં મૂળ ઊંડાં નાંખે એ બાબત મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ.

છેલ્લા ચાર દાયકામાં પૉલ બિયાના નેતૃત્વ હેઠળ એકચક્રી શાસન વિકસ્યું છે. લોકશાહી હોય કે અન્ય કોઈ વ્યવસ્થા, ખૂબ લાંબો સમય કોઈનું એકચક્રી શાસન રહે ત્યાર બાદ એની વિદાયને કારણે જે શૂન્યાવકાશ ઊભો થાય એ પૂરવાનું કામ સરળ નથી હોતું. એટલું જ નહીં પણ મોટા ભાગે પોતાની જાતને વારસદાર તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક કરતાં વધુ પરિબળો લોહિયાળ સંઘર્ષમાં પ્રવૃત્ત થતાં હોય છે. આવનાર સમયમાં કેમરૂન કઈ દિશામાં જાય છે, તે તો સમય જ કહેશે પણ એના ભવિષ્ય માટેનાં એંધાણ તેમજ બિયાના વારસદારને સત્તાની સોંપણી કોઈ ઝંઝટ વગર થાય તેવું દેખાતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top