પહેલાના જમાનામાં અસ્સલ સુરતવાસીઓના પ્રત્યેક ઘરમાં પાનનો ડબ્બો અવશ્ય જોવા મળતો. અમારા ઘરમાં પણ દાદીમા પાનનો ડબ્બો રાખતા જમ્યા પછી એ ડબ્બાનો ઉપયોગ કરતા. સાંઠના દાયકામાં અમારા દાદીમા યાત્રા પર ગયા હતા ત્યારે બનારસથી એક સરસ મજાનો ચારખાનાનો પીત્તળનો ડબ્બો લાવ્યા હતા. એ પાનનો ડબ્બો એમના જીવનના અંતિમ સમય સુધી સંગસંગ રહ્યો હતો. પાન ખાવાના શોખીન દાદીમા માટે પાન, કાથો, ચુનો, સોપારી, વરિયાળી વગેરે બધું ઘર બેઠા આસાનીથી મળી જતું.
એનુ કારણ અમારા બાપદાદાનો ધંધો પાનનો હતો. ધંધાના કારણે અમે સમાજમાં પાનવાળાથી ઓળખાયા એ ઓળખ હજુ આજે પણ અકબંધ રહી છે. રોજ નિયમિત બે ટાઇમ જમ્યા પછી દાદીમા જાતે સાદુ પાન બનાવીને ખાતા ઘરના નાના ભુલકાઓને વરિયાળી આપીને ખુશ કરી દેતા. તેઓ જીંદગીભર તમાકુના સેવનથી બચીને રહ્યાં એમનું નામ તાપીબા કયારેક સગા સંબંધી કે ગલીમાં રહેતીહમ ઉમ્ર મહિલાઓ ખબર અંતરનાં કારણસર તાપીબાની મુલાકાતે આવતી એ બધી મહિલાઓનું પ્રેમથી તાપીબા ચા-પાનથી સ્વાગત કરતાં.
મન ભાવન ચા-પાન અને મીઠા મધૂરા સ્વભાવના કારણે તેઓ બધાનું દીલ જીતી લેતા તેઓ કયારેય ડોકટરનાં દવાખાને કે હોસ્પિટલ દાખલ થયા ન હોતા. તેઓ હાલતા ચાલતા 85 વર્ષની ઉંમરે સામાન્ય માંદગીમાં ગુજરી ગયા. એમના અવસાન બાદ પેલો પાનનો ડબ્બો સુનો પડી ગયો છે. એ બનારસી પાનના ડબ્બાને કારણે કયારેક દાદીમાની યાદ તાજી થાય છે.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.