ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 2576 BLO ઘેરઘેર જઈ રહ્યા છે મતદારયાદી ખરાઇ માટે, નવા મતદારો માટે નોંધણીનો મોકો



વડોદરા લોકશાહીના પાયા તરીકે ઓળખાતી મતદારયાદી ખરાઇની પ્રક્રિયાને વધારે પારદર્શક બનાવતા વડોદરા જિલ્લામાં રવિવારની રજાનાં દિવસે પણ કલેક્ટર કચેરીમાં ઉત્સાહી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂરેપૂરી તાકાત સાથે અમલમાં મુકાઇ રહી છે.
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તા. 4 નવેમ્બરથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલી 10 વિધાનસભાઓ વિસ્તારની 2576 બુથ લેવલ ઓફિસર (BLO) મતદારયાદીમાં ખરાઇનું કામ કરી રહ્યાં છે. BLO દ્વારા મતદારના ઘેર જઈ એન્યુમરેશન ફોર્મ (EF – ગણતરી ફોર્મ)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કોઇ મતદાર ઘેર ઉપસ્થિત ન મળે તો BLO ફરજિયાતપણે ત્રણ વખત ત્યાં મુલાકાત લેશે. ભરાયેલાં ફોર્મ બાદમાં સંબંધિત ERO/AERO સમક્ષ રજૂ કરાશે.
આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા માન્ય રાજકીય પક્ષોના નિયુક્ત બુથ લેવલ એજન્ટ (BLA) પણ BLOને સહાયરૂપ બની રહ્યા છે. કલેક્ટર કચેરી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે BLO, સુપરવાઇઝર અથવા બુથ લેવલ એજન્ટ તમારા ઘેર આવે ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે પૂરતો સહકાર આપો, જેથી તમારું નામ મતદારયાદીમાં યોગ્ય રીતે સમાવાઈ શકે.
જિલ્લામાં ખાસ કરીને શહેરના આસપાસના નવા વસવાટ વિસ્તારોમાં આ સુધારણા ઝુંબેશ લોકોને મતદારયાદીમાં નામ ઉમેરાવવા માટે અનોખો અવસર આપી રહી છે. કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવાની અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવવાની પણ અપીલ કરવામાં આવી છે.

કલેક્ટરએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. 04/11/2025 થી તા. 04/12/2025 સુધી બુથ લેવલ ઓફિસર ઘેરઘેર જઈ ખરાઇ કરવાનું કામ કરશે. આ પ્રક્રિયામાં મતદાર પોતાનો 13 પ્રકારના માન્ય દસ્તાવેજોમાંથી કોઇ એક આધાર પુરાવો રજૂ કરીને પોતાની નોંધણી કરી શકશે. તા. 27/10/2025ની મતદારયાદી આધારે આ સુધારણા હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન દરમ્યાન મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતરિત અથવા બેવડા નામ ધરાવતા મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવશે, જયારે નવા લાયક મતદારોના નામ ઉમેરાશે. વૃદ્ધ, દિવ્યાંગ, બિમાર અને નબળા વર્ગના મતદારોને સહાયરૂપ થવા માટે સ્વયંસેવકોની સેવાઓ પણ લેવામાં આવી રહી છે, જેથી કોઇ મતદારને મુશ્કેલી ન પડે.
કલેક્ટરએ જણાવ્યું હતું કે લોકશાહી તંત્રની સચોટ કામગીરી માટે મતદારયાદીની શુદ્ધતા અત્યંત જરૂરી છે. દરેક મતદાર પોતાનું લોકશાહી હક સાચવી રાખવા માટે આ ઝુંબેશમાં સક્રિય સહકાર આપે, તેવા અપીલ સાથે તેમણે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે જિલ્લા મશીનરી તત્પર હોવાનું જણાવ્યું હતું.