ભારતીય સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બે ખતરનાક ગેંગસ્ટર જ્યોર્જિયાથી વેંકટેશ ગર્ગ અને અમેરિકા પરથી ભાનુ રાણાની ધરપકડ કરી છે. બંનેને ટૂંક સમયમાં ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
માહિતી મુજબ વેંકટેશ ગર્ગને જ્યોર્જિયાથી અને ભાનુ રાણાને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ધરપકડ કરવામાં આવી છે. બંને સામે ભારતના અલગ-અલગ રાજ્યોમાં અનેક ગંભીર ગુનાઓના કેસો નોંધાયેલા છે. ભારતીય એજન્સીઓ હવે આ બંનેને ભારત લાવવા માટે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કરી રહી છે.
તપાસ એજન્સીઓના અહેવાલ મુજબ હાલ ભારતના 20થી વધુ મુખ્ય ગેંગસ્ટરો વિદેશમાં સ્થાયી છે અને ત્યાંથી પોતાના ગુનાહિત નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગસ્ટરોમાં ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઈ, કપિલ સાંગવાન, હેરી બોક્સર અને હિમાંશુ ભાઉ જેવા ખતરનાક નામોનો સમાવેશ થાય છે. તેઓ પોર્ટુગલ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લેન્ડ અને યુએઈ જેવા દેશોમાં સક્રિય રહીને ભારતમાં ખંડણી અને હત્યાના કિસ્સાઓનું સંચાલન કરે છે.
વેંકટેશ ગર્ગ
જ્યોર્જિયાથી શૂટર્સની ભરતી કરતો હતોવેંકટેશ ગર્ગ હરિયાણાના નારાયણગઢનો રહેવાસી છે. તેની સામે હત્યા, લૂંટ અને ખંડણીના 10થી વધુ કેસ નોંધાયેલા છે. તે ગુરુગ્રામમાં એક બસપા નેતાની હત્યામાં પણ મુખ્ય આરોપી રહ્યો છે. નકલી પાસપોર્ટ બનાવીને તે ભારતમાંથી ભાગી ગયો અને જ્યોર્જિયામાં પોતાનો નવો અડ્ડો બનાવી લીધો.
તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો કે ગર્ગ સોશિયલ મીડિયા મારફતે યુવાનોને પૈસાની લાલચ આપીને પોતાના ગેંગમાં જોડતો હતો. તે કપિલ સાંગવાન સાથે મળીને ખંડણી નેટવર્ક ચલાવતો હતો. દિલ્હીમાં તાજેતરમાં થયેલા ગોળીબાર કિસ્સામાં ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન ગર્ગની સંડોવણી બહાર આવી હતી.
ભાનુ રાણા: લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મુખ્ય સહયોગી
ભાનુ રાણા હરિયાણાના કરનાલનો રહેવાસી છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય માનવામાં આવે છે. તે હથિયાર સપ્લાય નેટવર્ક સંચાલિત કરતો હતો. જે હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ફેલાયેલું છે. કરનાલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેની દેખરેખ હેઠળ હથિયાર વ્યવહાર કરતી બે વ્યક્તિઓને પણ પકડી હતી.
ભાનુ રાણાની ધરપકડ બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બંને આરોપીઓના પ્રત્યાર્પણ બાદ ગુનાહિત નેટવર્ક અંગે મોટા ખુલાસાની સંભાવના છે.