Gujarat

સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જેનો સરવે નથી થયો તે ખેડૂતો પણ અરજી કરી શકશે

ગાંધીનગર: તાજેતરમાં થયેલા માવઠાના કારણે રાજયવ્યાપી 16,500 ગામોમાં 42 લાખ હેટકરમાં ખેતીને નુકસાન થયું છે, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂા. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત પેકેજ મુજબ પ્રતિ હેકટર દિઠ ખેડૂતોને 22 હજાર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

  • રાજ્યમાં 42 લાખ હેકટરમાં નુકસાન, હેકટર દિઠ 22 હજારની સહાય ચૂકવાશે
  • ખેડૂતો પાસેથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે 15,000 કરોડની ખરીદી

શુક્રવારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂા.10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.

રાજ્યના ખેડૂતોને આ રાહત પેકેડ અન્વયે રૂા. 22,000 પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવ્યા હતા. વાઘાણીએ કહ્યું હતું કે 10,000 કરોડના રાહત પેકેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે15000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીથી પણ અન્નદાતાને સીધી આર્થિક રાહત મળશે. કોઈ પણ કુદરતી આફતમાં ખેડૂત એકલા નથી, સરકાર તેમની પડખે ઊભી છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ્ટ કરીને રાહત પેકેજની માહિતી જાહેર કરી
મુખ્યમંત્રીએ ટવીટ્ટ કરીને લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

16,500 ગામના ખેડૂતોને લાભ મળશે
આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે. 16500 ગામના ખેડૂતોને લાભ મળશે.

સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. 10 હજાર કરોડના આ પેકેજમાં 6429 કરોડ SDRF અને 3386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે. આમ, કુલ 9815 કરોડ થાય છે. જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે, જેથી આ સહાય વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

Most Popular

To Top