Sports

પ્રતિકા રાવલને પણ મળ્યો છે વર્લ્ડ કપનો મેડલ, પિતાનો મોટો ખુલાસો

ગઈ તા. 2 નવેમ્બરના રોજ જ્યારે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો ત્યારે પ્રતિકા રાવલ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં વ્હીલચેરમાં દેખાઈ હતી. તેણીએ ટીમને ઉત્સાહિત કરી અને વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી. જોકે, મેડલ સમારોહ દરમિયાન પ્રતિકાને મેડલ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ પ્રશ્નો ઉભા થયા કે આવું કેમ થયું.

જોકે, 5 નવેમ્બરના રોજ જ્યારે ટીમ ઈન્ડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર લોક કલ્યાણ માર્ગ પર પહોંચી ત્યારે ફોટો સેશન દરમિયાન પ્રતિકા મેડલ સાથે જોવા મળી. આનાથી પ્રશ્ન થયો કે તે કોનો મેડલ હતો. શું કોઈ ટીમના સાથીએ તેને તે આપ્યો હતો? પરંતુ હવે પ્રતિકાના પિતા પ્રદીપ રાવલે આ બાબતમાં સ્પષ્ટતા કરી છે.

પ્રતિકાના પિતા પ્રદીપ રાવલ તેમના સમયમાં એક સારા ક્રિકેટર હતા. તેઓ ક્લબ સ્તરે પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ એક ફાસ્ટ બોલર અને હાર્ડ-હિટિંગ બેટ્સમેન હતા. તેઓ હાલમાં દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) માટે BCCI-પ્રમાણિત લેવલ II અમ્પાયર છે.

પ્રદીપે રાવલે કહ્યું, “મને ICC ચેરમેન જય શાહ તરફથી એક પર્સનલ મેસેજ મળ્યો. ત્યાર બાદ પ્રતિકાએ મેડલ મળ્યો. આ જ કારણ છે કે પ્રતિકાએ મેડલ પહેરીને પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.” જ્યારે પ્રદીપ રાવલને કેટલાક અહેવાલો વિશે પૂછવામાં આવ્યું કે પ્રતિકાએ કોઈ બીજાનો મેડલ પહેર્યો છે ત્યારે તેમણે સ્પષ્ટતા કરી “અમે બીજા કોઈનો મેડલ કેમ પહેરીએ? દિલ્હીમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા પ્રતિકાને તેનો પોતાનો મેડલ મળ્યો હતો.”

પ્રતિકાના મેડલ માટે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠ્યો
ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક વર્લ્ડ કપ જીત પછી પ્રતિકા રાવલ સૌથી વધુ ચર્ચામાં રહેલી ખેલાડી હતી. ગ્રુપ સ્ટેજમાં સાત મેચ રમી હોવા છતાં તેને કોઈ મેડલ મળ્યો ન હતો. સોશિયલ મીડિયા પર એવા અવાજો ઉઠ્યા કે તેણીને વિજેતા તરીકે પણ સન્માનિત કરવી જોઈએ. બીજા જ દિવસે તેણીનો એક ફોટો સામે આવ્યો જેમાં તેણીએ તેના ગળામાં મેડલ પહેરેલો દર્શાવ્યો હતો. આનાથી પ્રશ્ન ઉભો થયો: “16મો મેડલ ક્યાંથી આવ્યો?”

જય શાહના હસ્તક્ષેપના લીધે પ્રતિકાને મેડલ મળ્યો
હકીકતમાં, ICC ના નિયમો અનુસાર વર્લ્ડ કપ વિજેતા ટીમના ફક્ત 15 ખેલાડીઓને જ વિજેતા મેડલ આપવામાં આવે છે. ટુર્નામેન્ટ દરમિયાન ઘાયલ અને બદલાયેલા ખેલાડીઓને મેડલ આપવામાં આવતા નથી. પ્રતિકા રાવલ સેમિફાઇનલ પહેલા ઘાયલ થઈ ગઈ હતી અને તેના સ્થાને ટીમમાં એક નવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે, નિયમો અનુસાર તેણીને ‘વિજેતાઓની યાદી’માં સામેલ કરવામાં આવી ન હતી. પરંતુ હવે જય શાહના હસ્તક્ષેપ પછી પ્રતિકાને મેડલ મળ્યો છે.

પ્રતિકા રાવલનું વર્લ્ડ કપ 2025માં પ્રદર્શન
25 વર્ષીય પ્રતિકા રાવલે સાત વર્લ્ડ કપ મેચોમાં 51.33 ની સરેરાશથી 308 રન બનાવ્યા. 2024માં ODI ડેબ્યૂ કર્યા પછી, તેનું બેટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેણે 24 મેચોમાં 23 ઇનિંગ્સમાં 1,110 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 154 છે. પ્રતિકાએ આ રન 50.45 ની સરેરાશ અને 82.83 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે.

Most Popular

To Top