આજકાલ આપણી આજુબાજુ આપણે જોઇએ તો ખૂબ વ્યસ્ત અને ભાગાદોડી કરતા લોકો જોવા મળે છે. બધાનું રૂટીન એટલું બીઝી અને સ્ટ્રેસફૂલ હોય છે કે મનને શાંત કરવા માણસ કોઇકને કોઇક પ્રવૃત્તિ શોધે છે. સંગીત, ભલે તે કોઇ પ્રકારે હોય એ પણ ખૂબ અસરકારક સ્ટ્રેસ બસ્ટર છે. સુરતમાં એવા ઘણા મ્યુઝિશ્યન્સ છે જે અનોખા કહી શકાય એવા વાદ્યો વગાડી લોકોને મનોરંજન આપે છે. જોકે તમે તબલા, ગિટાર, ઢોલ, શરણાઈ, વાંસળી, પિયાનો, હાર્મોનિયમ આ વાદ્યો વિશે જાણતા હશો પણ જો કોઈ તમારી સામે સંતૂરનો ઉલ્લેખ કરે તો તમે માથું ખંજવાળવા લાગશો કે સુરતમાં આવું વાદ્ય કોણ વગાડતું હશે, હેન્ડમેડ એકોર્ડીયનથી તો યંગ જનરેશન ખૂબ ઓછી પરિચિત હશે. તેને સુરતમાં કોણ વગાડતું હશે અને તેઓ આ વાદ્યો ક્યાંથી મેળવતા હશે તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આ ઉપરાંત પણ એવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને વગાડનારા સુરતમાં એકલ દોકલ જ મળશે. આવા રેર ઇન્સ્ટ્રુમેન્ટ સુરતમાં કોણ વગાડે છે, તેઓ આ વાદ્યો વગાડતા ક્યાંથી શીખ્યા, સુરતમાં તો આવા વાદ્યો મળતા રેર છે તો તે ક્યાંથી મેળવવામાં આવે છે, તે આ લેખના માધ્યમથી જાણીએ…
કચ્છપી વીણાના ધીર ગંભીર સાઉન્ડને કારણે તે વગાડવાનું ગમે

કચ્છપી વીણા, આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ બહુ ઓછા લોકો જાણતા હશે. આખા ગુજરાતમાં આ વાદ્ય વગાડનાર એક માત્ર વાદક છે સુરતના નિશાદ મિસ્ત્રી. કચ્છપી વીણા આ નામ પ્રાચીન છે તેને કછુઆ સીતાર કહેતા અને આ કછુઆ એટલે આ વાદ્યનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી એનું આવું નામ પડ્યું છે. મારા પરદાદા, દાદા, પપ્પા, કાકા બધા જ સિતાર વગાડનાર. મને કચ્છપી વીણાનો ધીર ગંભીર સાઉન્ડ ખૂબ અટ્રેક્ટ કરતો એટલે હું તે વગાડવા તરફ વળ્યો. તેને વગાડવાની સ્ટાઈલ સીતાર જેવી જ હોય. આ વાદ્ય બહુ જુજ મળતુ હોવાથી યંગ જનરેશન તે વગાડવા માટે ઉત્સુક નથી દેખાતી. શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં જ તે વગાડાય છે. મેં પણ હજી સુધી મંદિરમાં જ વગાડ્યું છે. અમે ચાર પેઢીથી મ્યુઝિકના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ. મારા માટે આ વીણા મારા ભાઈએ બનાવી છે.
એકોર્ડીયન 8થી 10 કિલો વજનનું હોય તેને ઊંચકીને વગાડે છે

રાજ કપૂરની મોટાભાગની ફિલ્મોમાં હીરો કે કોઈપણ અદાકાર ગીત ગાવાની સાથે એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા જોવા મળતો. આ ઇન્સ્ટ્રુમેન્ટને એકોર્ડીયન કહેવાય છે. આ વાદ્ય આખા ગુજરાતમાં બે મ્યુઝિશ્યન જ વગાડે છે તેમાં સુરતના 71 વર્ષના દિલીપ મિસ્ત્રીનો સમાવેશ થાય છે. દિલીભાઈએ જણાવ્યું કે મારા ફાધરની સંગીતના વાદ્યોની દુકાન હતી. હું 18-19 વર્ષનો હતો ત્યારે ગિટાર વગાડતો હતો પછી હેન્ડમેડ એકોર્ડીયન વગાડવાનું શરૂ કર્યું. અત્યારે રેરલી મળતું આ વાદ્ય 8 થી 10 કિલો વજનનું હોય છે. તે એક હાથથી પમ્પિંગ કરવાનું હોય અને બીજા હાથથી વગાડવાનું હોય. હું 71 વર્ષની ઉંમરે પણ આ વાદ્ય વગાડું છું. મારી પાસે આવા 8 એકોર્ડીયન્સ છે જે મેં કેનેડા, USA, કોલકાતાથી મેળવ્યા છે. હવે હું આ વાદ્ય ઓડિટોરિયમ કોન્સર્ટમાં અને મારા મિત્રો સાથે ગેટ ટુ ગેધર હોય ત્યારે તેને વન મેન શો ની જેમ વગાડું છું.
હેન્ડ પેન વગાડો એટલે મેડિટેટિવ સ્ટેજમાં પહોંચી જવાય છે

તુષાર રેવરી પાસે જે હેન્ડ પેન ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લગભગ એક લાખ રૂપિયાની કિંમતનું છે. તેમણે જણાવ્યું કે આ એક એવું વાદ્ય છે જેને વગાડવા માટે મ્યુઝીકલ બેકગ્રાઉન્ડની જરૂર નથી. તેનો મેલોડિયસ સાઉન્ડ મેડિટેટિવ છે અને એટલે જ હું આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા માટે આકર્ષાયો. આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડાય ત્યારે તે વગાડનાર અને તેને સાંભળનાર બંને મેડિટેટિવ સ્ટેજમાં પહોંચી જતાં હોવાનું ફિલ કરે છે. આ ટીનના ડબ્બામાંથી બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેની શોધ સ્વિર્ટઝરલેન્ડમાં એક કપલે કરી હતી. મારી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે મેં ઋષિકેશથી જ મેળવ્યું હતું. હું પોતે આ વગાડતી વખતે મેડિટેટીવ સ્ટેજમાં પહોં ચી જાઉં છું. હવે યોગના પ્રોગ્રામમાં હું તે વગાડું છું. યોગ પ્રેક્ટિસ દરમિયાન મેં જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું ત્યારે યોગ કરતી વ્યક્તિઓને તે ગમવા લાગ્યું અને પછી મેં તેના નાના નાના સેશન લેવાનું સ્ટાર્ટ કર્યું. તે સિતાર, હાર્મોનિયમ સાથે જુગલબંધીમાં સેટ થાય છે.
સંતૂર સુરતમાં નથી મળતું તે કોલકાતાથી મંગાવું પડે છે

સંતૂર વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સુરતના સંગીત જગતમાંથી એવું જાણવા મળે છે કે જમ્મુ કાશ્મીરનું આ પરંપરાગત લોક વાદ્ય વગાડનાર સુરતમાં કદાચ ઝાકીર હુસૈન ગાડાવાલા એકલા છે. ઝાકીર હુસૈન ગાડાવાલાએ જણાવ્યું કે મારા પિતા તબલા તો દાદા શરણાઈ વગાડતા હતાં. હું સારંગી પણ વગાડું છું અને સંતૂર પણ. વડોદરાની યુનિવર્સીટીમાંથી મેં વાયલીનમાં ડીગ્રી મેળવી છે. ત્યાં ઘણા આર્ટિસ્ટ મળ્યા અને ત્યાંથી જ હું આ 100 તારવાળું વાદ્ય વગાડવાનું શીખ્યો. અમદાવાદમાં મારા ગુરુ પાસેથી તેને વગાડવાની તાલીમ મેળવી. સંતૂરની ડિઝાઇન પણ અનોખી છે અને તેમાંથી નીકળતું સંગીત કર્ણપ્રિય હોય છે તે વગાડનાર અને સાંભળનાર બંનેને સ્ટ્રેસ ફ્રી કરી દે છે. અખરોટના લાકડામાંથી બનતું આ વાદ્ય સુરતમાં નથી મળતું મેં કોલકાતાથી મંગાવ્યું હતું. હું આ વાદ્ય શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામમાં, મેરેજમાં, કોર્પોરેટ પ્રોગ્રામમાં પણ વગાડું છું. જોકે યંગ જનરેશન તેને શીખવા માટે બહુ ઉત્સાહ નથી બતાવતી.