આશ્રમમાં ગુરુજીએ બધાને ભક્તિ પર પ્રવચન આપ્યું તેના પ્રકાર સમજાવ્યા અને પછી પૂછ્યું, ‘શિષ્યો, તમે બધા જ કોઈને કોઈ રીતે ભક્તિ કરતા જ હશો.કહો કોણ કઈ રીતે ભક્તિ કરે છે.’ બધાએ પોતપોતાની ભક્તિની રીત જણાવી.કોઈકે કહ્યું ‘હું નદીએ જઈને સ્નાન કરી સંધ્યા પૂજા કરું છુ.’ કોઈકે કહ્યું, ‘હું વ્રત ઉપવાસ કરું છું.’ કોઈકે કહ્યું, ‘હું પૂજા-પાઠ કરું છું.’ અન્યે કહ્યું, ‘હું રોજ ધ્યાન કરું છું.’ કોઈક બોલ્યું, ‘હું સત્સંગ કરું છું.’ અન્ય કોઈકે કહ્યું, ‘હું રોજ વહેલી સવારે મંદિર જાઉં છું.’
ભક્તિ કરવાની અનેક રીતો છે એટલે જુદા જુદા જવાબ આવ્યા.અને હવે બધાના મનમાં એક છાનો પ્રશ્ન ઉભો થયો કે આટલી બધી ભક્તિ કરવાની રીતોમાંથી કઈ રીત શ્રેષ્ઠ ??? સર્વોતમ ભક્તિ કોને કહેવાય?? ગુરુજી જાણે બધાના મનની વાત પામી ગયા તેમ બોલ્યા, ‘શિષ્યો, ભક્તિ કોઈપણ રીતે કરો…દરેક રીત શ્રેષ્ઠ જ છે.ભક્તિ કરવી મહત્વની છે ..રીત કોઈપણ હોય પણ ભક્તિ કરનાર ભક્તના મનના ભાવ …અંતરમનની શ્રધ્ધા મહત્વના છે.’
એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી તો પછી સર્વોતમ ભક્ત કોને કહેવાય???’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, બરાબર પ્રશ્ન પૂછ્યો છે તે.બધા સાંભળો અને સમજો કે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે ઈશ્વરને ભજે છે..પ્રભુની સેવા કરે છે…સમાજની…જન જન ની સેવા કરે છે તે બધા જ ભક્ત છે.ભક્ત નાનો હોય કે મોટો…ભક્ત જ્ઞાની હોય કે અજ્ઞાની…ભક્ત નિયમિત હોય કે અનિયમિત…કે પછી ભક્તની કોઇપણ રીત હોય.સાચા ભક્ત માટે તેની અંતર મનની ભાવના જ મહત્વની છે.સંપૂર્ણ શ્રધ્ધા અને પૂર્ણ સમર્પણ સાચા ભક્તની ઓળખ છે.
ભક્ત પ્રભુની ભક્તિ કરે પણ પ્રભુને ચરણે બધું જ આપ્યા પછી …પ્રભુને પ્રાર્થના કર્યા પછી …જે ભક્ત પોતે કોઈપણ વાતની ચિંતા કરે તો તે સાચો ભક્ત નથી.શ્રેષ્ઠ ભક્તની એકમાત્ર નિશાની છે કે ‘કોઈપણ વાતની ; કોઈપણ પરિસ્થિતિની ચિંતા ન કરવી.’ કારણ કે જો આપણે પ્રભુને સર્વ શક્તિમાન ગણીને ભજીએ છો. આપણું જીવન આપણે ભગવાનને સમર્પિત કર્યું છે.કોઇપણ મુશ્કેલીના સમયે આપણે ઈશ્વરના શરણે જઈએ છીએ.
પણ જો એકવાર ઈશ્વરના ચરણે બધું સોંપી દીધા બાદ ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી રહેતો.પ્રભુને સોંપ્યા બાદ જો ચિંતા કરીએ તો તે ઈશ્વર પર શંકા કર્યા સમાન છે.કોઈપણ સંજોગોમાં જીવનમાં ઈશ્વર જે કરશે તે સારું જ કરશે તે મનોભાવ સાથે જે ભક્ત ચિંતા કર્યા વિના સારા કે ખરાબ સમયમાં એક સરખી ભક્તિભાવના… એક સરખી શ્રધ્ધા…સાથે સમતોલ રહી શકે છે.મનના ભાવ સંતુલિત રાખી…કોઈ શંકા વિના …કોઈ ચિંતા વિના સતત ભક્તિ ચાલુ રાખી શકે તે જ સર્વોતમ ભક્ત છે.’ ચિંતા કર્યા વિના પ્રભુની ભક્તિ કરો ઈશ્વર જે કરશે તે આપણા હિતમાં અને સારા માટે જ હશે.