હડતાળ પૂર્ણ થતાં ગોડાઉન મેનેજર સક્રિય; દુકાનદારોએ અપૂરતા સ્ટોકની ફરિયાદ કરી, વિતરણ માટે નવો સ્ટોક આવવાની જોવી પડશે રાહ



વડોદરા શહેરની સસ્તા અનાજની દુકાનોમાં આખરે અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક પહોંચાડવાની કામગીરી શરૂ થવા જઈ રહી છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા હજારો ગ્રાહકોને રાહત મળશે. ગોડાઉન મેનેજરના જણાવ્યા મુજબ, હડતાલ સમેટાઈ ગઈ હોવાથી આગામી 10 દિવસમાં શહેરની 300 દુકાનોમાં ઘંઉ, ચોખા, મિઠું, ખાંડ, દાળ અને ચણાનો જથ્થો પહોંચાડી દેવામાં આવશે.
હડતાળને કારણે અટકેલો સ્ટોક હવે દુકાનો સુધી પહોંચાડવાની પ્રક્રિયા વેગ પકડશે, તેવી માહિતી ગોડાઉન મેનેજરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અગાઉ હડતાળના કારણે સ્ટોકનું વિતરણ અટક્યું હતું, પરંતુ હવે હડતાળ સમેટાઇ ગઈ છે. અમે ટૂંક સમયમાં જ તમામ 300 દુકાનોમાં આવશ્યક સામગ્રીનો સ્ટોક પહોંચાડવાનું શરૂ કરીશું.”
જોકે, સ્ટોક આવી રહ્યો હોવા છતાં, દુકાન સંચાલકો હજી પણ અપૂરતા સ્ટોક અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક દુકાન સંચાલકે જણાવ્યું હતું કે, “અમારી પાસે હાલમાં જે સ્ટોક છે તે પૂરતો નથી. નવો સ્ટોક આવશે પછી જ અમે ગ્રાહકોને તેનું વિતરણ શરૂ કરી શકીશું. અમને આશા છે કે સત્તાવાળાઓ પૂરતો જથ્થો મોકલે, જેથી કોઈ લાભાર્થી અનાજથી વંચિત ન રહે.”
લાભાર્થીઓ નિયમિત મળવાપાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે સ્ટોક આવવાની જાહેરાત સાથે, વિતરણ પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તે માટે વહીવટી તંત્ર પર દબાણ છે.
રાહતનો શ્વાસ: ગ્રાહકોની અપેક્ષા..
10 દિવસની સમયરેખા આપવામાં આવી છે, જેના પર અધિકારીઓ કેટલા ખરા ઉતરે છે તે જોવું રહ્યું. ગ્રાહકોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે હવે કોઈપણ પ્રકારના વિલંબ વિના તેમને પોતાનો હકનો જથ્થો મળી રહે.
“વડોદરામાં વ્યાજબી ભાવની દુકાનોમાં ઘંઉ, ચોખા, મિઠું, ખાંડ, દાળ અને ચણાનો સ્ટોક આગામી 10 દિવસમાં પહોંચાડવામાં આવશે.” – ગોડાઉન મેનેજર