Columns

મારો ભગવાન મારી સાથે છે

એક ભિખારી મંદિરની બહાર જ ફૂટપાથ પર જ રહે.ત્યાં જ સૂએ, ત્યાં જ બેસે, આખો દિવસ ત્યાં ભીખ માંગે, જે મળે તે ખાઈ લે અને જો ન મળે તો પાણી પી ને ત્યાં ફૂટપાથ પર જ સૂઈ જાય. ફૂટપાથ જ તેનું ઘર. તે ફૂટપાથ છોડીને મંદિરની અંદર પણ ન જાય.બહાર બેઠો બેઠો આવતાં જતાં ભક્તોને દુઆ આપી ભીખ માંગતો રહે. એક દિવસ રોજ મંદિરે દર્શન કરવા આવતા કાકાએ ભિખારીને પૂછ્યું, ‘‘ભાઈ, ઘણાં વર્ષોથી તને અહીં જ ભીખ માંગતો જોઉં છું. તું આ ફૂટપાથ છોડીને ક્યાંય જતો નથી. શું તને અફસોસ નથી થતો કે તારી પાસે માથું છુપાવવા એક નાનકડું ઝૂંપડું પણ નથી.’’

ભિખારી બોલ્યો, ‘‘ના મને કોઈ દુઃખ નથી. હું તો ભગવાનની નજીક આ ફૂટપાથ પર ઠાઠથી જીવું છું. અહીં રહેવાનો અનોખો ઠાઠ છે. ચારે બાજુ નાનકડા ઝૂંપડાની બંધિયાર દીવાલ કરતાં આ કોઈ દીવાલ વિનાની આઝાદી મને ગમે છે. આખો દિવસ ભગવાનની પાસે રહું છું. ભગવાનનું નામ લઉં છું. ભગવાનના નામે પહેલાં સાચી દુઆ આપી પછી માંગું છું અને તમારા જેવા જેના હૈયામાં ભગવાન વસે છે અને મારો ભગવાન જે રીતે પ્રેરણા કરે છે એ રીતે લોકો મને ભીખ આપે છે. જે મળે તે સ્વીકારી લઉં છું.

પેટ ભરવા જેટલું મળે તે ખાઈ લઉં છું, ન મળે તો ભૂખ્યો સૂઈ જાઉં છું અને જો વધારે મળે તો જરૂર પૂરતું રાખી બાકીનું બધું આજુબાજુમાં બીજાં ભિખારીઓને જરૂર હોય તેમને આપી દઉં છું. હું તો મજાથી જીવું છું. જે મળે તે ભગવાનની મરજી ગણી સ્વીકારું છું. હું તો એમજ માનું છું કે મારો ભગવાન પણ મારી સાથે જ અહીં જ રહે છે અને જો ભગવાન સાથે જ રહેતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે રાખતો હોય તો પછી દુઃખ શું કામ કરવું?’’  ઉપરની વાતમાં એક ભિખારીની જે સમજણ છે તેવી સમજણ આપણે બધાએ રાખવાની જરૂર છે.

ભિખારી મંદિરની બહાર ભીખ માંગે છે અને આપણે બધા મંદિરની અંદર જઈને પ્રભુ પાસે કૈંક તો માંગીએ જ છીએ. પ્રભુની મરજી હોય તો આપે છે નહિતર રાહ જોવડાવે છે. આપણે બધા જ આ ભિખારી જેવી સમજ રાખીએ કે આપણે જ્યાં છીએ ત્યાં ભગવાન આપણી સાથે છે. તેની ઈચ્છા પ્રમાણે જ આપણું જીવન ચાલે છે. તે ઈચ્છે છે તેમ જ થાય છે. બસ, આ સમજ રાખી જે મળે તે સ્વીકારીએ અને બનતી મદદ અન્યને કરીએ તો આપણે જ્યાં છીએ ત્યાં આનંદ અને ઠાઠથી રહી શકાશે. બસ, વિશ્વાસ રાખવો, હું જ્યાં છું ત્યાં મારો ભગવાન મારી સાથે છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top