Columns

દુનિયાની પહેલી AI એક્ટ્રેસ ટિલી નોર્વુડ

AI એક્ટ્રેસનું ડેમોન્સ્ટ્રેશન થયું એ પછી દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જામી છે. આ ક્રિએટિવ ફીલ્ડમાં AIનો ઉપયોગ ન થવો જોઈએ એવી માગણી ઉઠી છે. AI એક્ટ્રેસ ટિલીને એવી રીતે ડિઝાઈન કરી છે કે એનો દેખાવ હોલિવૂડની અભિનેત્રી સ્કાર્ટલેસ જોહન્સન જેવો લાગે છે.
AIની માનવજીવન પર બહુ જ ઘેરી અસર થઈ રહી છે. કેટલાય ક્ષેત્રોમાં AI એજન્ટ્સનો છૂટથી ઉપયોગ શરૂ થયો છે. AI એજન્ટ્સ ડોક્ટર્સને મદદ કરી રહ્યા છે, તો નર્સિંગનું કામ પણ સંભાળી રહ્યા છે. AI શિક્ષકો તો જગતભરમાં પોપ્યુલર થઈ રહ્યા છે. કેટલીય ટીવી ચેનલોમાં AI એન્કર ન્યૂઝ રીડ કરે છે. સંશોધક બનીને AI એજન્ટ્સ લેબમાં ગોઠવાઈ ગયા છે. એચઆરની ભૂમિકામાં આવેલા AI એજન્ટ્સથી ભરતીની પ્રક્રિયા કેટલીય કંપનીઓએ શરૂ કરી છે. કંપનીઓને લાગે છે કે તેનાથી ભરતી પ્રક્રિયામાં વધારે પારદર્શીતા આવશે.


AIના કારણે દુનિયાભરમાં નોકરીઓ ખતરમાં આવી જશે એવી દહેશત તો છેલ્લાં દોઢ-બે વર્ષથી છે. UNએ આ ચિંતાના પગલે બ્રિટનમાં પહેલી AI સમિટ પણ યોજી હતી અને એમાં AIનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ એવી હિમાયત થઈ હતી. દરેક દેશમાં AIને નિયંત્રિત કરવાની પૉલિસી બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
AIના દુરુપયોગ પણ વધ્યા છે. ડીપફેક જેવી બદી AIની સાઈડઈફેક્ટ છે. સિન્થેટિક મીડિયાના કારણે સાચાં-ખોટાંના પારખા મુશ્કેલ બન્યાં છે. AIની મદદથી તો મૃત સ્વજનોને વર્ચ્યુઅલી જીવંત કરી શકાય છે. હમણાં અભિનેતા સુશાંત સિંહ રાજપુતનો અવાજ આ રીતે જીવંત કરાયો હતો અને તેમના ચાહકોએ સુશાંત હયાત હોવાની અનુભૂતિ કરી હતી, પરંતુ સુશાંત સિંહના પરિવારના વિરોધ પછી આ પ્રવૃત્તિ અટકી હતી.
AI સતત આપણી વચ્ચે નવા નવા રોલમાં જોવા મળે છે અને એવો જ નવો રોલ હશે ફિલ્મોમાં. જી હા, ફિલ્મોમાં AI અભિનેતા કામ કરે એ દિવસો સાવ ઢૂંકડાં આવી ગયા છે. એમ કહો કે એની શરૂઆત થઈ ચૂકી છે. સ્વિટ્ઝર્લેન્ડના મ્યૂનિકમાં યોજાયેલી ટેકનોલોજી સમિટમાં પહેલી AI એક્ટ્રેસ ટિલી નોર્વુડનું ડેમોન્સ્ટ્રેશન થયું હતું એ સાથે જ એક્ટિંગની દુનિયામાં હાહાકાર મચી ગયો. ટિલી દુનિયાની પ્રથમ AI એજન્ટ એક્ટ્રેસ છે, જેમ AI થી ચેટબોટ સહિતના એજન્ટ બનાવી શકાય છે તેમ પહેલી વખત ઝિકોઈયા નામની કંપનીએ આ અભિનેત્રીનું સર્જન કર્યું છે. આ એક્ટ્રેસ હોલિવૂડની ફિલ્મોમાં કામ મેળવી શકે તે માટે ફિલ્મ એજન્ટ સાથે વાત ચાલી રહી હોવાનું પણ કંપનીએ કહ્યું ત્યારથી જો ગ્લોબલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એની ચર્ચા જામી પડી છે. SAG-AFTR એ નામના કલાકારોના સંગઠને ઓનલાઈન વિરોધ શરૂ કર્યો છે.
મ્યૂનિકમાં ટેકનોલોજી સમિટમાં આ AI એક્ટ્રેસનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. એક કોમેડી સ્કેચ AI કમિશનરમાં ટિલીએ એક્ટિંગ કરી. એક દૃશ્યમાં તેણે કરેલી એક્ટિંગની પ્રશંસા થઈ હતી. એ કોમેડી સીનમાં ટીવીના ભવિષ્યને રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવ્યું હતું ને એમાં ટિલી કોઈ સાચુકલી એક્ટ્રેસની જેમ અભિનય કરી રહી છે. જો ધ્યાનથી જોવામાં ન આવે તો દર્શકો એને સાચી એક્ટ્રેસ માની બેસે એટલી બારીકીથી એની ડિઝાઈન પર કામ થયું છે.
જોકે, આ AI અભિનેત્રીની વાત જાણ્યા પછી લોકોમાં ચર્ચા જાગી હતી. અભિનયના ક્ષેત્રમાં રોજગારીને ફટકો પડશે એવી વાતો ચાલી હતી. એટલું જ નહીં, ક્રિએટિવ ફીલ્ડને AIથી બાકાત રાખવું જોઈએ એવું લોકોએ કહ્યું હતું. કેટલાય અભિનેતા-અભિનેત્રીઓએ પણ આ AI એક્ટ્રેસ સામે સવાલો ખડા કર્યા હતા. ઘણાંએ લખ્યું કે એનાથી કામ મળવાનું નથી, પરંતુ જેમને મહેનત કરવી છે એનું કામ ચોક્કસ લેવાઈ જશે. લોકોના અભિપ્રાય પછી કંપનીએ બચાવમાં કહ્યું હતું કે આ AI એક્ટ્રેસ ખરેખર તો AIનું એક વિશિષ્ઠ સર્જન છે. એનાથી AIના નવા પરિમાણો ખૂલશે. કંપનીના કહેવા પ્રમાણે આ એક્ટ્રેસ માણસને રિપ્લેસ કરશે નહીં, પરંતુ AI પણ કહાની કહેવાની નવી રીત છે. કઠપુતળી વગેરેની ગરજ સારવામાં એની ભૂમિકા મહત્ત્વની રહેશે. લોકોએ એનો વીડિયો જોઈને હોલિવૂડની જાણીતી અભિનેત્રી સ્કાર્ટલેટ જોહન્સન સાથે તેની સરખામણી કરી હતી.
એ પછી બીજી ચર્ચા એવીય થઈ રહી છે કે કોઈ કંપની જીવતી જાગતી વ્યક્તિથી પ્રેરિત થઈને AI એક્ટર બનાવે તો શું કરવું? હવે તો હોલિવૂડ-બોલિવૂડમાં અભિનેતા-અભિનેત્રીઓ પોતાની પર્સનાલિટીનો કાયદાકીય અધિકાર મેળવવા લાગ્યા છે, પરંતુ એમાંય છીંડા તો છે જ. જો કોઈ અભિનેતા-અભિનેત્રીને મળતા AI એજન્ટ્સ બનવા માંડશે તો શું થશે? દલીલ એવી થઈ રહી છે કે ક્રિએટિવિટી માનવ કેન્દ્રીય હોવી જોઈએ.

Most Popular

To Top