
ભારતની લગભગ 145 કરોડની વસતિ ભેગી મળીને વર્ષદહાડે લગભગ ચાર ટ્રિલિયન બસ્સો અબજ (4200 અબજ) ડૉલરની કમાણી કરે છે. ચાર ટ્રિલિયન વધીને પાંચ ટ્રિલિયન બની જાય તો ભારત જર્મનીને ઓવરટેક કરીને દુનિયાની ત્રીજા ક્રમની ઇકોનોમી બની જાય. પરંતુ એ ચારમાંથી પાંચ ટ્રિલિયન બનવામાં ખૂબ આયોજનો, પરિશ્રમો થઇ રહ્યા છે. તેની સામે અમેરિકાની એક એવી કંપની છે જેની મારકેટ કેપ અથવા વેલ્યુ થોડા મહિનાઓ અગાઉ ચાર ટ્રિલિયન ડૉલરથી થઇ હતી અને હમણાં પાંચ ટ્રિલિયન ડૉલરને આંબી ગઇ. ચારમાંથી પાંચ ટ્રિલિયન ડૉલરનું કદ માત્ર બે-ત્રણ મહિનામાં જ થઇ ગયું. કંપનીનું નામ છે. ‘એનવિડિયા’ (Nvidia) અમેરિકા પાસે ટ્રિલિયનોમાં સ્પર્ધા કરતી ઘણી કંપનીઓ છે, પરંતુ એનવિડિયાની મારેકટ કેપ જ્યારે ત્રણ ટ્રિલિયન અને ત્યારબાદ ચાર ટ્રિલિયન ડૉલર પહોંચી હતી ત્યારે ત્રણ ટ્રિલિયનનું અને ત્યારબાદ ચાર ટ્રિલિયનનું આ સ્ટેટસ અથવા મૂલ્યાંકન પ્રાપ્ત કરનારી તે દુનિયાની પ્રથમ કંપની બની હતી અને હવે તે પાંચ ટ્રિલિયન મૂલ્યની પણ પ્રથમ કંપની બની છે.
એક દેશની જીડીપી સાથે અન્ય દેશની કંપનીની નેટવર્કની સરખામણી કરવી તે આર્થિક દૃષ્ટિએ તાર્કિક નથી, પરંતુ ચાર અને પાંચ ટ્રિલિયન ડૉલર એટલે કેટલા? તેની પ્રચંડતા દર્શાવવા આ સરખામણી કરી છે. એક આખું વર્ષ ભારતના ગરીબો, તવંગરો, કારખાનાના કામદારો, કારખાનેદારો, કિસાનો વગેરે મળીને જે કમાણી ભારતમાં વર્ષે દહાડે કરે છે તેના કરતા અમેરિકાની આવી એક-એક કંપનીની નેટવર્થ વધુ છે.
અમેરિકન કંપનીઓમાં આગળ નિકળી જવાની સ્પર્ધા જામી છે. ગઇ નવ જુલાઈના રોજ એનવિડિયાએ ચાર ટ્રિલિયનનો ઊંબર પાર કર્યો હતો. કંપની ત્રણ ટ્રિલિયનની નેટવર્થ પ્રાપ્ત કરનારી પ્રથમ કંપની બની ત્યારબાદ ડીપીસીક નામક ચાઈનીઝ AI કંપનીએ પોતાનું AI મોડેલ બજારમાં ઊતારીને અન્ય કંપનીઓની નેટવર્થ ઘટાડી દીધી હતી. ત્યારે એનવિડિયાની નેટવર્થમાં પણ 600 અબજ ડૉલરનું મોટું ગાબડું પડ્યું હતું. લાર્જ લેંગ્વેઝ મોડેલ (એલએલએમ) અર્થાત કૃત્રિમ બુદ્ધિમતા ક્ષેત્રમાં અનેક કંપનીઓ હરણફાળ ભરી રહી છે, પરંતુ એનવિડિયા આટલી હદે આગળ નિકળી જશે તેની અપેક્ષા તેના મહામહેનતુ અને બુદ્ધમતામાં વરિષ્ઠ એવા ચીની મૂળના જેન શુંગ હુઆંગે પણ નહીં રાખી હોય. એ અમેરિકામાં જેન્સેનના નામથી પણ જાણીતા છે. આવું એટલા માટે લાગી રહ્યું છે કે એમણે બીજ રોપીને વટવૃક્ષ બનાવેલી આ કંપનીમાં એમનો પોતાનો શેર પ્રમાણમાં ઘણો ઓછો છે. એનવિડિયથી પણ નાના કદની સિલિકોન વેલીની કંપનીઓના સ્થાપકો કે CEOની ગણના આજે દુનિયાના પ્રથમ પાંચ શ્રીમંતોની યાદીમાં થાય છે. જ્યારે જેન્સેન લગભગ 150 અબજ ડૉલરની માલિકી સાથે આઠમા કે નવમા ક્રમે છે. કંપની ઘણી મોટી પણ વ્યક્તિગત હિસ્સો ઘણો નાનો.
ગઇ 29 ઓક્ટોબરે એનવિડિયા પાંચ ટ્રિલિયનની નેટવર્થ પર પહોંચી તે માટે જગતના AI ટેકનોલોજી ક્ષેત્રમાં જે બૂમ મચી છે. અભૂતપૂર્વ ધમધમાટ જોવા મળે છે તે કારણરૂપ બન્યો છે. કંપની અગાઉ એક ગ્રાફિક-ચીપ ડિઝાઈનર હતી, પરંતુ હવેતે AI ક્ષેત્રની એક કરોડરજ્જૂ સમાન બની છે. માલિક જેન્સેન હુઆંગ સિલિકોન વેલીના નવા આઈકોન બન્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે અદ્યતન ચીપ્સના નિર્માણ બાબતે સ્પર્ધા પણ વધી છે અને આયાત-જકાત અર્થાત ટેરીફ બાબતનો કલહ પણ વધ્યો છે. આ પાશ્રાદભૂમિમાં એનવિડિયાનાં મહત્ત્વ અને કિંમત વધી ગયાં છે. વર્ષ 2022માં ચેટજીટીપી લોન્ચ થયું ત્યારબાદ એનવિડિયાની નેટવર્થમાં અર્થાત શેર્સની કિંમતોમાં બાર ગણો અભૂતપૂર્વ વધારો થયો છે. આટલી ઝડપથી આટલી સડસડાટ કિંમતો વધી છે. ત્યારે ઘણાને લાગી રહ્યું છે કે AI ટેક કંપનીના શેર્સની કિંમતોનો પરપોટો રચાયો છે જે હવે પછી ફૂટવાની શક્યતા રહે છે. તાજેતરમાં જેન્સેન હુઆંગે જાહેર કર્યું કે AI ચીપ્સ પૂરી પાડવાનો એનવિડિયાને પાંચસો અબજ ડૉલરનો ઓર્ડર મળ્યો છે અને કંપની અમેરિકન સરકાર માટે સાત નવા સુપર કોમ્પ્યૂટરો ડેવલપ કરશે. હવે સર્વત્ર પૂછાઈ રહ્યું છે કે આ જેન્સેન હુઆંગ કોણ છે?
બિઝનેસના ઉપયોગી પાઠ શિખવા હોય તો જેન્સેન હુઆંગ પણ છે. 17 ફેબ્રુઆરી 1963માં તાઇવાનના એક મધ્યમ વર્ગીય પરિવારનું બાળપણ પિતાની નોકરી સાથે તાઇવાન અને થાઇલેન્ડમાં વિત્યું. પિતા કેમિકલ એન્જીનીઅર હતા અને તેલ રિફાઇનરીમાં નોકરી કરતાં હતા. માતા શિક્ષિકા હતા. એ માતા બે પુત્રોમાંથી નાના જેન્સેનને રોજ નવા દસ અંગ્રેજી શબ્દો શિખડાવતા. સાઠના દશકમાં એક અમેરિકન કંપીનમાં તાલીમ લેવા માટે જેન્સેનના પિતા અમેરિકાના ન્યુયોર્ક ગયા હતા. પાછા ફરીને એમણે નક્કી કર્યું કે બંને દીકરાઓને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકવવા. જેન્સેનના કાકા અને કાકી થોડા સમય અગાઉ અમેરિકાના વાશિગ્ટન રાજયમાં સેટલ થયાં ગતા. 1973માં થાઇલેન્ડની આથિર્ક અને સામાજિક સ્થિતિ નબળી હતી તેથી બંને ભાઇઓને કાકા અને કાકીને ત્યાં અમેરિકા મોકલી દેવાયા. આ ખર્ચ ઉઠાવવા માટે જેન્સેના માતા-પિતાએ જે જમીન જાયદાદ હતે તે વેચી નાખ્યાં હતા.
શિક્ષણ મેળવવા માટે બંને ભાઇઓને કેન્ટકીની એક ધાર્મિક બોડીંગ સ્કૂલમાં દાખલ કરાયા. ત્યાં ડોર્મીટરીમાં રહીને કામ કરવું પડતું. વાસ્તવમાં આ સંસ્થા એક બાળ સુધાર ગૃહ જેવી હતી. જેમાં મોટા ભાઇને બાજુના તંબાકુના ખેતરમાં મજૂરી કરવી પડતી હતી અને નાના ભાઇ જેન્સેનને પ્રાઇમરી સ્કૂલમાં દાખલ કરાયો કેન્ટકીના ઓનૈડોમાં એલિમેન્ટરી સ્કૂલમાં નાના કદ કાઠીના લાંબા વાળવાળા એ બરાબર અંગ્રેજી ઉચ્ચારી નહીં શકતાં જેન્સેને દબંગ વિદ્યાર્થીઓ માર મારતા અને બુલિંગ કરતાં. હુઆંગ જેન્સેન પાસે રોજ શાળાના ટોઇલેટ સાફ કરાવવામાં આવતાં પણ ખંતીલો અને પ્રતિભાવાન જેન્સેન શાળામાં ટેબલ ટેનિસ તેમ જ સ્વિમિંગ શિખ્યો અને ‘સ્પોટ્સ ઇલસ્ટે્ટેડ’ના આ પાનાઓ પર ચમક્યો. ઓનૌડાની શાળામાં દાખલ થયા પછીના બે વર્ષ બાદ જેન્સેનના મા-બાપ કાયમ માટે અમેરિકા આવી ગયા અને તેઓ ઓરેગોનના બીવસ્ટોન ખાતે સ્થાયી થયા. હુઆંગે ત્યાંની પ્રસિદ્ધ અલોહા હાઇસ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. હોશિયાર હોવાથી એક સાથે બબ્બે ધોરણ પસાર કરીને એ સોળ વર્ષે સ્કૂલ ગ્રેજ્યુએટ થયો. અમેરિકામાં નેશનલ રેન્કના ટેબલ ટેનિસ પ્લેયર બનવાની સાથે અલોહાની ગણિતશાસ્ત્રી, કોમ્પ્યુટર અને સાયન્સ ક્લબ મેમ્બર પણ બન્યો. ભણવાની સાથે એણે 1978 થી 1983 સુઘી ‘ડેની ઝ’ નામક રેસ્ટોરાંમાં રાત્રિપાળીમાં ડિશવોશર અને વેઇટર તરીકે કામ કર્યુ. ઓરેગોન સ્ટેટ યુનિવસિર્ટીમાં એ વીસ વર્ષની ઉંમરે 1984માં બીએસસી થયો. હવે એ છે કે કોલેજમાં હું એક નાના બાળક જેવો દેખાતો હતો.
બાદમાંએ સિલિકોન વેલીમાં માઇક્રો ચીપના ડિઝાઇનર તરીકે એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસીઝ કંપનીમાં જોડાયો અને સાથે સાથે પ્રસિદ્ધ સ્ટેટફોર્ડ યુનિવસિર્ટીમાં પણ સ્નાતક થયા. બાદમાં એસએલઆઇ લોજિક કંપનીમાં જોડાયા જ્યાં એમને ક્રિસ માલાચોસ્કી અને કટીંસ પ્રીએમ નામના બે એન્જીનીઅરો સાથે મિત્રતા બંધાઇ. જેન્સેન દિમાગથી ગુસ્સેવાળા છે પરંતુ ધંધામાં ઠાવકા છે. ચીપ ડિઝાઇન બાબતમાં ક્રિસ સાથે એક વખત મોટો ઝગડો થઇ ગયો અને બંનેએ એક મેક પર ટુલ્સના ઘા ફેક્યા. આ એસએલઆઇ લોજિક કંપની સન માઇક્રોસ્ટિરમ નામક કંપની માટે કામ કરતી હતી. ત્રણેય મિત્રોએ મળીને ‘જીએક્સ ગ્રાફિક એન્જીન નામનું ગ્રાફિક એન્જીન તૈયાર ર્કયું. તેને ખૂબ સફળતા મળી. સન કંપનીનું રેવન્યુ અઢી ગણી વધી ગયું.
ત્યારબાદ ત્રણેય મિત્રોએ રાજીનામા આપી પીસી ગેમ્સ માટેની ગ્રાફિક ચીપ્સ બનાવવા માટે ‘એનવિઝન’ નામક કંપની શરૂ કરી. પરંતુ જેન્સેને તે નામ બદલાવીને લેટીન નામ ‘એનવિડિયા’ રાખ્યું. એટલા માટે કે એનવિડિયાનો અર્થ ‘ઇર્ષ્યા’ થાય છે. એને જેન્સેન ઇચ્છતા હતા કે એવું કામ કરવું કે એમના હરીફો ઇર્ષ્યાથી આગમાં લાલ-લીલા થઇ જાય. જે ડેનીઝ રેસ્ટોરાંમાં જેન્સેને ડીશો સાફ કરી હતી. ત્યાં ત્રણેય મિત્રો સાંજે મળતાં અને ત્યાં એક બિઝનેસ પ્લાન ઘડીને એ રેસ્ટોરાંમાં જ એનવિડિયાનું ઉદ્દઘાટન કર્યું. જેન્સેન એના ઇરાદામાં સફળ થયા છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, એપલના ટીમ કૂક એમેઝોનના બેઝોસ વગેરે માટે ‘એનવિડિયા’ કદાચ ઇર્ષ્યાનું અને ઇર્ષ્યાનું નહીં તો અચરજનું કારણ બની શકે.
- વિન્સી મરચન્ટ