Charchapatra

વડીલોની અવગણના

જીવન આખું જેમની પાછળ ખર્ચી નાખ્યું હોય એવા સંતાનો દ્વારા વડીલોની અવગણના કરવામાં આવે તે ખૂબ જ આઘાતજનક છે. જીવનભરની કમાણીમાંથી ભેગી કરેલી મિલકત સિફતપૂર્વક પોતાના નામ પર કરાવીને જ્યારે સંતાનો પોતાના મા-બાપને રસ્તે રઝળતા કરી દે ત્યારે વૃદ્ધાશ્રમોનો આશરો લેવો પડે છે. ઉંમર વધવાની સાથે કેટલીક બીમારીઓ પણ સાહજિક રીતે આવી જતી હોય, આવા સંજોગોમાં વયસ્ક વ્યક્તિ થોડા ચીડિયા બની જાય એવું બને. ખૂબ જ નિષ્ઠા અને સેવાથી વ્યવસાયમાં કે સમાજમાં જેમણે મોભાદાર સ્થાન મેળવ્યું હોય એવાં વડીલો પણ વ્યસ્ક થતાં પ્રવૃત્તિ-નિવૃત્ત થઈ ઘરે બેસે ત્યારે એમના જ સંતાનો, પુત્ર-પૌત્ર-પ્રપૌત્રો જ્યારે બોલો દાદા..

જે વાત હોય તે ટૂંકમાં પતાવો. તમને આમાં સમજ નહીં પડે. આવું કહી એમની અવગણવા કરે ત્યારે અમને કેટલું માઠું લાગતું હશે? આદર્શ દીકરા શ્રવણની સંસ્કૃતિ ધરાવનાર આપણા દેશમાં નવી પેઢી દ્વારા વડીલોનું જે અવમૂલ્યન થાય છે તે ખરેખર ખૂબ જ દુઃખદ છે. ઘર બહાર ગયેલ વ્યક્તિને જો ઘરે આવવામાં વ્હેલુંમોડું થાય તો ઘરના વડીલ સતત ચિંતા કરી એમના વિશે પૃચ્છા કરે તે પણ હવે નવી પેઢીને નથી ગમતું. આવા વ્યસ્કો જાણે ઘરમાં ખીલો ખોદાયો હોય અને બીજા બધાને એમને કારણે બંધાય રહેવું પડતું હોય એવું લાગે છે. ઘડપણ કાળાંતરે સૌને આવવાનું જ છે એવું સમજી એનો સન્માન સ્વીકાર કરવો જોઈએ, એવી દરેક સંતાનની સમજણ હોવી જોઈએ.
કીમ, સુરત        – પ્રકાશ પરમાર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top