Columns

વ્યર્થ ચિંતા

રોહનનો નાનો પરિવાર હતો. માતા–પિતા,પત્ની, બે બાળકો અને નાની બહેન. બધાંની જવાબદારી તેના ઉપર હતી. તે સતત મહેનત કરતો પણ ખર્ચા ઘણા હતા. માતાની બિમારી અને બહેનના લગ્નની ચિંતા હતી.વળી તેના ઘરે મહેમાનો પણ માતા પિતાને મળવા આવતાં. તેનો બધો જ વખત ખર્ચા પૂરા કરવામાં નીકળી જતો. રોહન સતત ચિંતામાં રહેતો કે અનેક જવાબદારીઓ તેણે નિભાવવાની છે, કોઈ મદદ કરનાર નથી, ભવિષ્ય માટે બચત તે કરી શકતો નથી. એક દિવસ રોહન સતત ચિંતામાં હતો અને માતાએ કહ્યું, ‘‘કાલે કાકા-કાકી ત્રણ દિવસ રોકવા આવવાના છે.’’એટલે વળી તે ત્રણ દિવસમાં વધી જનાર ખર્ચનું વિચારવા લાગ્યો. તેની ચિંતા વધી. રોહનનો આઠ વર્ષનો દીકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, ‘‘પપ્પા આજે મને તમારે હોમવર્ક કરાવવું પડશે.’’

રોહને પોતાના મનનો ભાર ગુસ્સા રૂપે નાનકડા દીકરા સોહમ પર ઠાલવ્યો. એક લાફો મારી, હડસેલી મૂકતાં કહ્યું, ‘‘મને બહુ કામ છે, પરેશાન નહિ કર, જા જાતે જઈને હોમવર્ક કર…’’ સોહમ આંખોમાં આંસુ સાથે જતો રહ્યો. રાત્રે જમ્યા બાદ રોહનને પોતાના વર્તન પર પસ્તાવો થયો કે પોતે ચિંતામાં છે તેમાં દીકરાનો શું વાંક હતો? નકામો તેની પર ગુસ્સો કર્યો. રોહન સોહમ શું કરે છે તે જોવા ગયો. સોહમ પોતાની હોમવર્ક બુક બાજુમાં રાખી સૂઈ ગયો હતો. રોહને જઈને તેના માથે હાથ ફેરવ્યો અને હોમવર્ક બુક ખોલીને જોઈ તો તેની આંખો ભીની થઈ ગઈ.

હોમવર્ક બુકમાં હોમવર્ક હતું. મારા પપ્પા અને રોહનનો સરસ ફોટો લગાડેલો હતો. નીચે‘આઈ લવ યુ ડેડી’ લખ્યું હતું. સામેના પાને સોહમે લખ્યું હતું કે ‘‘મારા પપ્પા મને બહુ ગમે છે. આજે હોમવર્કમાં  તેમની સાથે આખો દિવસ પસાર કરી શું કર્યું તે લખવાનું હતું પણ પપ્પા ગુસ્સે થઇ ગયા અને મને ખીજાયા એટલે મેં તેમને કંઈ કહ્યું નથી.પપ્પા આજે ગુસ્સે થયા પણ મારા પપ્પા મારા માટે નવાં કપડાં લાવે છે. મને ફરવા લઇ જાય છે, મમ્મીથી છુપાઈને ચોકલેટ અપાવે છે. હું માંગું તે રમકડાં મને લાવી આપે છે. મારા પપ્પા મને બહુ ગમે છે. ભલે આજે ગુસ્સો કર્યો પણ હું નસીબદાર છું કે મારી પાસે બહુ  પ્રેમ કરવાવાળા અને થોડું ખીજાતા પપ્પા છે. મારા દોસ્ત રાજુ પાસે તો પપ્પા જ નથી.’

રોહન આ વાંચીને વિચારમાં પડ્યો. દીકરાને બહુ વ્હાલ કર્યું અને ખાસ છેલ્લી લિટી વાંચીને તે વધુ વિચારવા લાગ્યો કે દીકરાએ સાચી વાત લખી છે…હું માતાની બીમારીના ખર્ચથી પરેશાન છું પણ મારી પાસે ચિંતા કરતી મા તો છે…બહેનના લગ્નની મને ચિંતા છે પણ રાખડી બાંધતી બહેન તો છે. મારી પાસે …મારે ઘરખર્ચની બહુ ચિંતા રહે છે પણ પ્રેમાળ પરિવાર તો છે. મારી પાસે …દર વખતે મહેમાનોના આવવાથી અણધાર્યો ખર્ચ વધે છે પણ મારા ઘર આંગણે સ્વજનો પ્રેમથી આવે તો છે. હું બધી વાતનો ભાર માથે લઇ વ્યર્થ ચિંતા કરું છું પણ હું સકારાત્મક બાજુ જોતો નથી કે હું કેટલો સદ્ભાગી છું.

Most Popular

To Top