પ્રદેશથી માયાબેન કોડનાની અને વિવેક પટેલ વડોદરા આવશે, નવેમ્બર અંત સુધીમાં સંગઠનમાં બાકી નિમણૂકો પૂર્ણ કરાશે
વડોદરા શહેર ભાજપ સંગઠનમાં સેન્સ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. આ પ્રક્રિયાની શરૂઆત પ્રદેશ સ્તરથી કરવામાં આવશે. સેન્સની શરૂઆત સાથે જ શહેર તથા જિલ્લા પ્રમુખો પાસેથી સંગઠનની સત્તા અસ્થાયી રીતે પ્રદેશની દેખરેખ હેઠળ આવી ગઈ છે. આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશમાંથી માજી ધારાસભ્ય માયાબેન કોડનાની અને વિવેક પટેલ આવતીકાલે વડોદરા પહોંચશે. બંને નેતાઓ વડોદરામાં રહી અપેક્ષિતો સાથે બેઠક કરીને સેન્સ પ્રક્રિયાને આગળ વધારશે. માહિતી મુજબ નવેમ્બર મહિનાના અંત સુધીમાં સેન્સ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી વડોદરા શહેર અને જિલ્લા ભાજપ સંગઠનની બાકી રહેલી નિમણૂકો પૂર્ણ કરવામાં આવશે. સંગઠનની નવી માળખાકીય રચના અને મહત્વના પદોની નિમણૂક માટેની ચર્ચા પણ આ પ્રક્રિયા દરમિયાન હાથ ધરાશે. સંગઠન સ્તરે શરૂ થતી આ પ્રક્રિયા આગામી ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે નવા પદાધિકારીઓની પસંદગી અને જવાબદારીઓના વહેચાણ પછી ભાજપ ચૂંટણી તૈયારીમાં લાગી જશે.