લુણાવાડા : મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને સજા ફટકારેલ છે. પરંતું લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામનો કોઈ એક જ ગુનામાં પોલીસને માર મારવાના કેસમાં એક સાથે બાવીસ આરોપીઓને સજા ફટકારવામાં આવી હોય તેવો જિલ્લાનો પ્રથમ જ કિસ્સો નોંધાતા સનસનાટી મચી જવા પામેલ છે.
સમગ્ર કેસની પ્રાપ્ત વિગતોનુસાર લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામે ૨૩ માર્ચ ૨૦૧૬ના રોજ પોલીસ તથા હોમગાર્ડના જવાનો હોળી, ધુળેટીના બંદોબસ્તની કાયદેસરની ફરજ હતા તે રાત્રિ દરમ્યાન આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તેમાંના કેટલાકે પોતાના હાથમાં લાકડીઓ દંડા જેવા મારક હથિયારો ધારણ કરી તમામ આરોપીઓએ પોલીસ તથા હોમગાર્ડના જવાનો સાથે ઝઘડો કરી અહીં કેમ આવ્યા છો, અમારે અહીં પોલીસની જરૂર નથી તેમ કહી ફરજ ઉપરના જવાનો ઉપર હુમલો કરી ગાળો બોલી તેઓને સખત ગડદાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી.
જેમાં એ.એસ.આઇ.દેવેન્દ્રસિંહને લાકડીઓ વડે હાથે પગે સખત માર મારી ફેકચર કરી નાંખી ગંભીર ઈજાઓ કરી સરકારી ફરજમાં અડચણ કરી ખુનની કોશીષ કરી ગુન્હો કરવાના ઉપયોગમાં લીધેલ લાકડીઓ સળગતી હોળીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરી મહેરબાન જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેનો વિવિધ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યા અંગેની ફરીયાદ કુલ પ૬ આરોપીઓ સામે લુણાવાડા પોલીસ મથકે નોંધાઈ હતી.
જે કેસ મહીસાગર જીલ્લા ન્યાયાલય ખાતે ચાલી જતાં કોર્ટ સમક્ષ રજુ થયેલ પુરાવા તથા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.આર.ડામોરની દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય જિલ્લા ન્યાયાધિશ અને સેશન્સ જજ એચ.એ.દવેએ પ૬ પૈકીના રર આરોપીઓને વિવિધ કલમ હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવી અલગ-અલગ ગુનાઓની સજા ફરમાવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સજા, પામેલા દરેક આરોપીઓને કુલ પાંચ વર્ષની કેદ તથા અલગ – અલગ કલમો હેઠળ કુલ મળીને દરેક આરોપીઓએ રૂા.૨૦,૫૦૦/-નો દંડ ભરવાની સજા ફટકારી છે અને જો દંડ ન ભરે તો વધુ સજા ગાળવાનો હુકમ કર્યો છે.