Charchapatra

પુષ્ટિમાર્ગની શ્રેષ્ઠતા

સનાતન ધર્મના અનેક સંપ્રદાયો હવે ભગવાનને ભૂલી ભક્તોને ભગવાન બનાવી રહ્યા છે. મૂળ ઈશ્વરના સ્વરૂપને કેન્દ્રસ્થાને રાખી મંદિરો અને ભક્તિ હોવી જોઈએ તેના બદલે સંપ્રદાયોના સંતોનો જયકારો કરાય છે. જે હિન્દુ ધર્મના પતનનું એક કારણ છે. પરંતુ પુષ્ટિમાર્ગીય સંપ્રદાય આજે પણ ભગવાનને મધ્યમાં રાખી તેમની ભક્તિ આરાધના કરે છે અને ગીતા-રામાણયનું ગાન કરે છે.  પુષ્ટિ માર્ગના સ્થાપક પૂ.વલ્લભાચાર્ય મહારાજશ્રીએ સંપ્રદાયનાં મંદિરોમાં ભગવાન કૃષ્ણની ભક્તિને મહત્ત્વ આપ્યું છે. અનેક સ્તોત્ર રચી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરાયું છે. જ્યારે બીજા સંપ્રદાયોએ ભગવાનને બાજુએ રાખી ભક્તોનાં મંદિરો બનાવી ધર્મનો વેપાર શરૂ કરી સનાતન ધર્મને હાનિ પહોંચાડી છે.
વલ્લભવિદ્યાનગર- જગદીશ ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પર્વનો અનોખો મર્મ
પુન: દિવાળી આવી પહોંચી છે. આપણી વૈદિક પરંપરામાં અગિયારસથી લઇ અમાસે દિવાળી અને પછી નૂતન વર્ષની ઉજવણીની આખી એક સીડીની રચના કરવામાં આવી છે અને જુઓ તો ખરા પ્રત્યેક પગથિયાનું એક હાર્દ હોય છે જે જીવનને ઉજાગર કરતું રહે છે. જેમકે અગિયારસ પવિત્ર દિન ગણાય છે તેથી ઉપવાસથી શરૂઆત કરી તન મનને પવિત્ર કરવાનું હોય છે. વાક્ બારસે મા સરસ્વતીનું પૂજન કરી જ્ઞાનપ્રાપ્તિની પ્રાર્થના કરાય છે. ધનતેરસે મા લક્ષ્મીનું પૂજન વડે ધનનો મહિમા સમજાવાય છે. કાળી ચૌદશે મહા શકિતની ઉપાસના કરી શકિતની આવશ્યકતા પણ સમજવી પડે છે અને અમાસ દિવાળીએ જીવનમાં વ્યાપક અંધકારને દૂર કરવા દીવડાઓ પ્રગટાવી પ્રકાશ રેલાવી પ્રકાશનો મહિમા થાય છે. અને પછી જીવનનો નૂતન વર્ષમાં પ્રવેશ કરાવાય છે. આમ સમજો તો વૈદિક પરંપરામાં દિવાળી પર્વનો પણ મર્મ અનોખો જ બની રહે છે.
નવસારી           – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top