હજુ પણ વર્ષાઋતુ વિદાય લેવાના મુડમાં નથી. લાભ પાંચમના દિવસે પણ ધમાકેદાર ઇનિંગ્સ રમીને વર્ષાઋતુએ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મજા બગાડી નાખી છે. આ કમોસમી વરસાદથી દરેક ક્ષેત્રમાં બહુ ભારી ખાનાખરાબી થઇ ગઇ છે. વિશેષ ખેડૂતોની ખેતીવાડીથી ચિંતા વધારી દીધી છે. લાખો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. તા. 26.10ના ‘ગુજરાતમિત્રે’ અખબારમાં કટાક્ષ રીતે નૂતન વર્ષાભિનંદનની વર્ષાની વરસાદી ઇનિંગ્સની વિશેષ સમજાય એ રીતે એની નોંધ લીધી છે. એક વાત હવે ચોક્કસ થઇ ગઇ છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ સીઝનની પહેલાંનાં વર્ષો જેવી વિશ્વસનીયતા રહી નથી. દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કરાવે છે. એની પાછળ આપણે સૌ કુદરતને દોષ દઇએ છીએ. પરંતુ એ વાત વ્યાજબી નથી. મોસમ બેઇમાન કહેતાં પહેલાં માનવી પોતે એ બાબત માટે ખરેખર જવાબદાર છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાની મુર્ખામી માનવીએ સૌથી પહેલાં કરી છે. એનું પરિણામ હવે ભોગવી રહ્યો છે. પ્રકૃતિએ મિજાજ બદલી નાખ્યો છે. એના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરવું પડશે. માનવીએ હવે જાગી જવાની જરૂર છે નહીં તો આના કરતાં ખતરનાક દિવસો જોવાની તૈયારી રાખવી પડશે એ વાત ચોક્કસ છે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.