નાનકવાડી ગુરુદ્વારા ખાતેથી ધર્મ અને ભક્તિનો માહોલ છવાયો; શીખ સમુદાય ઉલ્લાસમાં તરબોળ
વડોદરા : શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર વડોદરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગુરુ નાનક દેવજીએ સમાજમાં જ્ઞાન અને સમાનતાનો પ્રકાશ ફેલાવ્યો હતો.

શહેરના નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકોએ આ યાત્રામાં જોડાયા હતા અને ગુરુ પ્રત્યેની તેમની અતુટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તોએ સતત ‘સત નામ વાહેગુરુ’ના જાપ સાથે ભક્તિસભર ભજનો અને કીર્તન ગાયા હતા. યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત સમગ્ર સમુદાયના લોકો આ ધાર્મિક આયોજનમાં ઉત્સાહભેર જોડાયા હતા.

ગુરુ નાનક દેવજીએ સમાજને ‘નામ જપો, કિર્ત કરો, વંડ છકો’ એટલે કે ઈશ્વરના નામનું સ્મરણ કરો, મહેનતથી કમાણી કરો અને વહેંચીને ખાઓ, એવા ત્રણ મુખ્ય ઉપદેશો આપ્યા હતા. તેમની જન્મજયંતિને પ્રકાશ પર્વ એટલા માટે કહેવામાં આવે છે કે તેમણે ધર્મના નામે ફેલાયેલા અંધકાર અને અંધશ્રદ્ધાને દૂર કરીને માનવતા, સમાનતા અને એકતાનો પ્રકાશ ફેલાવ્યો હતો. વડોદરાના શીખ સમુદાયે આ દિવસે લંગર નું પણ આયોજન કરીને ગુરુના વહેંચીને ખાઓ ના સંદેશને જીવંત કર્યો હતો.
