આજે સમાજમાં સ્ત્રીઓના આદરની વાતો ઘણી થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આદર ખરેખર જીવંત છે કે ફક્ત બોલવા સુધી સીમિત? દરેક સ્ત્રી પોતાના જીવનમાં અનેક ભૂમિકાઓ ભજવે છે – માતા, બહેન, પત્ની, મિત્ર અને સૌથી પહેલા એક માનવી તરીકે, છતાંય ઘણી વખત તેનો આદર દેખાવ માટે થાય છે, ભાવથી નહીં. જ્યારે કોઈ દિવસ વિશેષ ઉજવાય ત્યારે સમાજ સ્ત્રીઓને વખાણે છે, પરંતુ એ જ સમાજ રોજિંદા જીવનમાં સ્ત્રીઓની સમસ્યાઓ અવગણે છે. શબ્દોમાં આદર છે, પરંતુ વર્તનમાં અણસમજ. આ જ છે કપટનો સૌથી મોટો ચહેરો.
સ્ત્રીને ઉપકારની નથી, પરંતુ સમાનતાની જરૂર છે. સાચો આદર એ છે જ્યારે આપણે સ્ત્રીઓને નિર્ણય લેવાની સ્વતંત્રતા, શિક્ષણની સમાન તક અને કામના ક્ષેત્રે સમાન પ્રતિષ્ઠા આપીએ. એ દિવસ જ સાચો “સ્ત્રીદિન” ગણાશે જ્યારે સમાજ તેને “દેખાડા” માટે નહીં, “વિશ્વાસ” માટે માન આપશે. સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે પુરુષ અને સ્ત્રી બંનેને સમાન માન મળે. સ્ત્રીઓની શક્તિ કોઈ ઉપકાર નથી -એ તો માનવજાતનું અસ્તિત્વ જાળવી રાખતી આધારશિલા છે. આદર બોલવામાં નહીં, વર્તનમાં દેખાવવો જોઈએ. સ્ત્રીઓને ઉપકાર નથી જોઈએ – ન્યાય જોઈએ. અને એ ન્યાય આપવાનો સમય હવે આવી ગયો છે.
સુરત – ગીરશે યશ દિલીપસિંહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.