આજના સમયની લોકશાહીમાં લોકોને દર પાંચ વર્ષે એક વાર મોકો આપવામાં આવે છે કે હવેનાં પાંચ વર્ષ તેમણે કોની ગુલામી કરવાની છે તે નક્કી કરે અને આ ઘટનાને “ચૂંટણી” કહેવામાં આવે છે. ગુજરાતની પ્રજાની કમનસીબી જુવો કે તે છેલ્લાં ત્રીસ વર્ષથી પક્ષ નથી બદલતી અને તે પક્ષ જ્યારે મનમાં આવે ત્યારે મુખ્યમંત્રીથી માંડીને આખું મંત્રીમંડળ બદલી નાખે છે. હમણાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના પક્ષ પ્રમુખની નિમણૂક થઇ. આપણાં છાપાં અને ચેનલો તેના કવરેજ અને ચર્ચામાં એવાં લાગ્યાં જાણે આ કોઈ મોટી ઐતિહાસિક અને પ્રજાજીવનમાં બદલાવ લાવનારી ઘટના હોય. અલ્યા ભાઈ, આ પાર્ટીનો આંતરિક મામલો છે. આની આટલી ચર્ચા શાને? થોડા સમયમાં પાર્ટીએ મંત્રીમંડળમાં ફેરફાર કર્યા અને પાછા બધા ચર્ચામાં લાગ્યા પણ કોઈ આ ચર્ચામાં એ ના બોલ્યું કે ભાઈ, પ્રજાને તો પૂછો. શું લોકો મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છતા હતા? લોકોએ કોઈ માટે અણગમો અને કોઈ માટે આગ્રહ કર્યો હતો?
આ અચાનક બદલાવ શા માટે? ઉપર શરૂઆતમાં લખી તે મજાક એ આપણી વરવી વાસ્તવિકતા છે. ચૂંટણીમાં મત મળી ગયા પછી સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ કોઈ પ્રજાને તો પૂછતું જ નથી. લાચાર લોકોએ માત્ર તમાશો જોવાનો અને લાચારી માત્ર આ સત્તાનાં સમીકરણમાં નથી, બધે જ છે. પ્રજાને લાઈટ બીલમાં રાહત જોઈએ છે અને સરકાર જાહેર રસ્તાઓ ઉપર શણગારના નામે મહિનાઓ સુધી વીજળી બાળે છે. આપણે કહી નથી શકતા કે સાહેબ, આ મફતમાં વીજળી બાળવા કરતાં ગરીબોને સો યુનિટ મફત આપોને! થોડા મહિના પહેલાં એક જૂનો પુલ તૂટી પડ્યો અને સરકારે તાત્કાલિક બધા જ પુલની તપાસ કરાવી. મોટા ભાગના નબળા લાગ્યા. કેટલાકને તાત્કાલિક બંધ કરવા પડ્યા. આજે છ મહિના થઇ ગયા પણ ના તો આ પુલનું સમારકામ ચાલુ થયું છે. ના લોકોને આવવા-જવાના વૈકલ્પિક માર્ગ બન્યા છે.
ખરેખર, મોડી રાત સુધી ફટાકડા ફૂટ્યા કરે, આપણે લાચાર, જાહેર રસ્તા પર ફટાકડા ફૂટે, આપણે લાચાર, કાન ફાડી નાખતા ડી. જે. વાગે. આપણે લાચાર, એરપોર્ટમાં મુસાફરને લેવા મૂકવા જવામાં પંદર મિનીટ સુધી ચાર્જ લાગતો, તો હવે માત્ર આઠ જ મીનીટ પછી લાગે છે. આવું કેમ? કોઈ પૂછતું નથી કારણકે સૌ લાચાર છે. શહેરમાં પોલીસ મન ફાવે ત્યાં વન-વે જાહેર કરી દે, પ્રજા લાચાર! કોઈ નેતાના રોડ શો થી ફિલ્મફેર જેવા વ્યાવસાયિક કાર્યક્રમ માટે આખા વિસ્તારો બંધ કરી દેવામાં આવે અને સ્થાનિક નેતાઓથી માંડીને આગેવાન લેખકો, વક્તાઓ એક વાક્ય સુધ્ધાં ના બોલે તે લાચારી નહિ તો બીજું શું?
સ્કુલની ફીથી માંડીને દવાખાનાની ફી સુધી ક્યાંય સામાન્ય પ્રજાનો મત અને સ્થિતિ કોઈ પૂછતું જ નથી. મલ્ટીપ્લેક્ષમાં કોરો નાસ્તો પણ લઇ જઈ શકાતો નથી. આ તો આ વખતે દિવાળીમાં કોઈ મોટા સ્ટાર કે બેનરની ફિલ્મ ન હતી માટે પ્રેક્ષકોને અનેક ફિલ્મમાં પસંદગીના વિકલ્પ મળ્યા, બાકી દિવાળી હોય કે ઈદ બધા જ સિનેમા સ્ક્રીનમાં એક જ ફિલ્મ હોય, ફિલ્મ જોવી જ હોય તો આ જ જુવો નહીં તો ના જુવો! પ્રેક્ષકો લાચાર, એટલે મૂળ વાત અપૂર્વ હરીફાઈવાળાં બજાર અને રાજકારણમાં લોકશાહી એ તો માત્ર કહેવાની વાત છે. ક્યાંય સામાન્ય પ્રજાનો મત કોઈ પૂછતું નથી. અર્થશાસ્ત્રની રીતે આ પુરવઠા બાજુનું અર્થકારણ છે અને રાજનીતિમાં આદેશો મુજબ ચાલતું તંત્ર છે.
બજાર જે ઢગલો કરે છે તેમાંથી તમારે ખરીદવાનું છે અને સરકાર જે માથે મારે તે સહન કરવાનું છે અને ભારત જ નહીં અડધી દુનિયામાં લોકશાહી એ માત્ર એક આદર્શ વ્યવસ્થા છે, અવધારણા છે, જે પુસ્તકોમાં છે, પાંચ છ સમજદાર રાષ્ટ્ર સિવાય ક્યાંય લોકમતનું મહત્ત્વ નથી. ઈઝરાઈલ કે યુક્રેન કે રશિયા કે કોરિયાનાં પ્રજાજન શું ઈચ્છે છે તે રાષ્ટ્રપ્રમુખને કાંઈ નથી પડી. હવે કહેવાતી સ્વતન્ત્રતાના હામી અમેરિકામાં પણ પ્રજા લાચારીનો અનુભવ કરી રહી છે. ગુજરાતમાં તો કુદરત સામે પણ આપણે લાચાર છીએ કે શિયાળાની શરૂઆતમાં વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. સૌરાષ્ટ્રના રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યું છે. ખેડૂતોના આંસુઓ વહી રહ્યા છે કે આપણી લાચારી તે જ નક્કી કરવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે