ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ કેનબેરા મેદાન પર રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં એક મોટી સિદ્ધી હાંસલ કરી. સૂર્યાએ T20I માં 150 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે સૂર્યા એક સ્પેશિયલ ક્લબમાં જોડાઈ ગયો છે.
ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 150 થી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
- 205 રોહિત શર્મા
- 187 મોહમ્મદ વસીમ
- 173 માર્ટિન ગુપ્ટિલ
- 172 જોસ બટલર
- 150 સૂર્યકુમાર યાદવ
સૂર્યાની સિદ્ધિનું બીજું મહત્વનું પાસું એ છે કે ફક્ત મોહમ્મદ વસીમે સૂર્યા કરતાં ઝડપી તેનો 150મો છગ્ગો (86 ઇનિંગ્સ, 1649 બોલ) ફટકાર્યો છે. વસીમે 66 ઇનિંગ્સ અને 1543 બોલમાં 150 છગ્ગા ફટકાર્યા હતા. આજે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં સૂર્યા ટચમાં દેખાઈ રહ્યો છે.
આ ઇનિંગ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનું બેટ લાંબા સમયથી શાંત હતું. જ્યારથી સૂર્યાએ રોહિત શર્મા પાસેથી T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી મેદાન પર તેનો ઉત્સાહ અકબંધ રહ્યો છે, પરંતુ તેની બેટિંગમાં કોઈ ખાસ દમ દેખાતો નહોતો. એશિયા કપ દરમિયાન પણ તેનું બેટ શાંત રહ્યું હતું.
નોંધનીય છે કે આ મેચ પહેલા, સૂર્યકુમાર યાદવે સતત 14 T20I ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી ન હતી. આ તેમની કારકિર્દીનો સૌથી લાંબો ડ્રાય સ્પેલ છે.
કેનબેરા ટી-20 મેચ વરસાદને લીધે બીજીવાર અટકી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (29 ઓક્ટોબર) કેનબેરામાં પહેલી ટી20 મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેના કારણે ઓવરની સંખ્યા 18 કરવામાં આવી હતી.
ભારતીય ટીમ હાલમાં બેટિંગ કરી રહી છે. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે. વરસાદને કારણે મેચ ફરી એકવાર રોકાઈ ગઈ છે. ભારતનો સ્કોર (9.4/18 ઓવર) 97/1 છે. ભારતની પહેલી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી.