ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મોટી જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારમાં SIR ના સફળ અમલીકરણ બાદ SIR નો બીજો તબક્કો અન્ય પસંદગીના રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલીકરણનો સમાવેશ થશે. આ પ્રક્રિયા હેઠળ, દેશભરના અંદાજે 51 કરોડ મતદારોના નામ, સરનામા અને વિગતો ચકાસવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજ રાતથી આ રાજ્યોમાં મતદાર યાદીઓ સ્થિર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે SIR નો બીજો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે અમે બિહારમાં SIR શરૂ કર્યું. SIR ત્યાં સફળ રહ્યું. રાજ્યમાં તેના અંગે કોઈ ફરિયાદ મળી નથી.
આ રાજ્યોમાં SIR લાગુ થશે
અંદમાન નિકોબાર, છત્તીરગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને વેસ્ટ બંગાળમાં આજે રાત્રે 12 વાગ્યાથી SIR લાગુ થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર SIR 4 નવેમ્બરથી શરૂ થશે અને અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત થશે. આ પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ થશે. છાપકામ અને તાલીમ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 સુધી ચાલશે જ્યારે ઘરે ઘરે જઈને ગણતરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવશે. દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયા 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે અને સુનાવણી અને ચકાસણી પ્રક્રિયા 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે.
આ અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તેનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયાનો હેતુ લાયક મતદારોને યાદીમાં સમાવવાનો અને મતદાર યાદીમાંથી અયોગ્ય મતદારોને દૂર કરવાનો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લી ખાસ સઘન સુધારણા 21 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવી હતી અને હવે તેમાં ફેરફાર જરૂરી છે. ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે હવે કોઈપણ મતદાન મથકમાં 1,000 થી વધુ મતદારો નહીં હોય. પરિણામે ખાસ સઘન સુધારા પછી મતદાન મથકોની સંખ્યામાં પણ ફેરફાર થશે જેથી ક્યાંય મતદારોની ભીડ ન થાય.
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે BLO દરેક ઘરની ત્રણ વખત મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ મતદારો સાથે મુલાકાત કરશે અને યાદીમાં તેમના નામોની પુષ્ટિ કરશે અને તેમને મતદાર સમાવેશ ફોર્મ પૂરા પાડશે. જે લોકો તેમના ઘરની બહાર રહે છે અથવા દિવસ દરમિયાન ઓફિસમાં હાજરી આપે છે તેઓ તેમના નામ ઓનલાઈન ઉમેરી શકશે. પ્રથમ તબક્કામાં મતદારોએ નવી મતદાર યાદીમાં કોઈ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. તેમણે ફક્ત એ જણાવવાનું રહેશે કે તેમનું નામ 2003 ની મતદાર યાદીમાં હતું કે નહીં અને જો તેમનું નામ ખૂટે છે તો તેમના માતાપિતાના નામ શામેલ હતા કે નહીં. બધા રાજ્યોની 2003 ની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઇટ પર જોઈ શકાય છે.