પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની પ્રતિષ્ઠિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે સંકળાયેલા એક યુવાન ડોક્ટરના મૃત્યુનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મૃતક ડોક્ટરની ઓળખ આરજી કર હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત શુભજીત આચાર્ય તરીકે થઈ છે.
આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બની હતી જ્યાં ડૉ. આચાર્ય મધ્યમગ્રામના શિશુ કુંજ વિસ્તારના રહેવાસી હતા. અહેવાલો અનુસાર ડૉ. શુભજીત આચાર્યને રવિવારે રાત્રે ગંભીર હાલતમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હૃદયના ધબકારા ઘટાડવા માટે દવા લઈ રહ્યા હતા
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ડૉ. આચાર્ય હૃદયના ધબકારા ઘટાડવા માટે ચોક્કસ દવાઓ લઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં શંકા છે કે દવાના ઓવરડોઝથી તેમના શરીરમાં ઝેર ફેલાયું હતું જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક ડોક્ટર શુભજીત આચાર્યના મૃતદેહને બારાસત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.