એક બહુ જ સફળ વેપારી હતા. જીવનમાં સુખ- સંપત્તિ- સફળતા બધું જ ભરપૂર મેળવી લીધું હતું અને હજી પણ ઈશ્વરકૃપાથી મળતું જતું હતું. વેપારમાં જે સોદો કરે તેમાં તેમને સફળતા મળતી અને દરેકે દરેક સફળતાની સાથે વધુ ને વધુ પૈસા અને મોટપ….એમને જીવનમાં ધન- પદ- પ્રતિષ્ઠા- નામના- બધું જ મળી ગયું હતું. છતાં પણ આ વેપારીને રોજ રાત્રે મનથી ખાલીપણું મહેસુસ થતું હતું. આ ખાલીપણાનો અનુભવ તેમની બધી જ સુખ સંપત્તિની ખુશીને મારી નાખતો હતો. એક દિવસ વેપારીને કોઈકે કહ્યું કે હિમાલયની તળેટીમાં એક સાધુ રહે છે. તે દરેકે દરેક સમસ્યાનો ઉકેલ આપે છે. વેપારી તરત પોતાના મનની વાત લઈને તે સાધુ પાસે પહોંચી ગયા અને સાધુને કહેવા લાગ્યા કે, ‘ મારા જીવનમાં ભરપૂર સુખ સમૃદ્ધિ સંપન્નતા છે પણ સાચી શાંતિ નથી મળતી. મને અંદરથી બહુ જ ખાલી ખાલી લાગે છે.
બધું જ હોવા છતાં ક્યારેય મનથી સાચી ખુશી મહેસુસ થતી નથી. મારું મન શાંત રહેતું નથી. સાધુ હસ્યા અને પોતાના પ્રાર્થનાકક્ષમાં જઈને બે દીપક લઈને આવ્યા અને વેપારીના હાથમાં આપ્યા અને વેપારીને કહ્યું, આ દીપક રોજ પ્રગટાવજો અને હું કહું તેમ વિચારજો અને બોલજો. તમને બહુ જલદી શાંતિનો અનુભવ થશે. આમાંથી એક દીપક સંતોષનો દીપક છે અને બીજો દીપક સંતુલનનો દીપક છે. આ બંને દીપક રોજ જીવનમાં પ્રગટાવજો પછી જોજો કેવી શાંતિનો અનુભવ થાય છે. વેપારીએ કહ્યું, ‘‘એટલે હું એકદમ સુખી તો છું જ પણ મને જે ખાલીપણાનો અનુભવ થાય છે તે દૂર થઈ જશે.’’
સાધુ હસ્યા અને બોલ્યા, ‘‘આ દીપક પ્રગટાવીને જોજો પછી ખબર પડશે.’’ આટલું કહીને સાધુએ વેપારીના હાથમાં સંતોષનો દીપક આપ્યો અને શું બોલવું તે કાનમાં કહ્યું અને પછી સંતુલનનો દીપક આપી શું બોલવું તે પણ કાનમાં જણાવ્યું. વેપારીએ ઘરે જઈને સાધુના કહ્યા પ્રમાણે સંતોષનો દીપક પ્રગટાવ્યો અને કહ્યું કે—‘‘મારી પાસે જે છે તે ઘણું ઘણું છે, પર્યાપ્ત છે અને આજે હવે મને કશું જ નવું મેળવવાની ચાહ નથી અને સાચે જ જેમ આવું વિચાર્યું અને આ દીપક પ્રગટાવ્યો અને તેના મનમાં પહેલી વાર એક નાનકડી શાંતિની લકીર ઉપસી આવી. બીજે દિવસે તેમણે બીજો સંતુલનનો દીપક પ્રગટાવ્યો કે ‘‘કોઈ મારી પ્રશંસા કરે કે કોઈ મારી આલોચના કરે. પ્રશંસાથી હું ખુશીથી ઉછળી નહિ પડું અને આલોચના કરશે તો દુઃખી નહીં થઈ જાઉં.
વેપારમાં સોદો પાર પડે કે સોદો પાર ન પડે હું સ્થિર જ રહીશ અને ધીરે ધીરે સાચે જ તેમનું મન રોજ રોજ આ વિચારીને દીપક પ્રગટાવવાથી સ્થિર થતું ગયું અને ધીરે ધીરે વેપારીનું મન શાંત થતું ગયું. સાચી ખુશીનો અનુભવ થવા લાગ્યો અને પ્રાપ્ત લક્ષ્મીની સંપન્નતા વધતી ગઈ અને તેનો પણ તેમણે સદુપયોગ કર્યો એથી ખુશી વધતી ગઈ. જીવનમાં દરેક સ્થિતિમાં સંતોષ અને સંતુલન રાખવાથી મન શાંત રહે છે અને સાચી ખુશીનો અનુભવ ચોક્કસ થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.