સુપ્રીમ કોર્ટે શિક્ષકોની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે જો સમાજમાં શિક્ષકોને સન્માનજનક પગાર મળી રહ્યો નહીં હોય તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગાવું એ બેકાર અને નિરર્થક છે. કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોના ઓછા પગારને લઈને સુપ્રીમ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દ્વારા જણાવવામાં આવ્યું કે શિક્ષકો આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નિર્ધારિત કરે છે. તેઓની સાથે જ આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. સમાન કામ અને સમાન વેતનના સિદ્ધાંતનું પાલન કરવા અંગે હાઇકોર્ટના આદેશને પડકારતી ગુજરાત સરકારની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ગુજરાત રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રેગ્યુલર પ્રોફેસરો વચ્ચે પગારના મોટા તફાવત અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની અછતને કારણે પણ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને ગંભીર અસર થઈ રહી છે. શિક્ષકો સાથે ખરાબ વર્તન અને અન્યાયના કારણે દેશની વિદ્વતા પર મોટી અસર પડે છે. એમ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. શિક્ષણની કથળતી જતી ગુણવત્તા સંદર્ભે સરકાર દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે એવી સૌ કોઈની માંગ છે. આપણે આપણા દેશને વિશ્વ ગુરુ બનાવવો હોય તો સૌથી વધારે શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે તો જ વિશ્વમાં આપણા દેશનો ડંકો વાગી શકશે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક