ગઈકાલે તા. 17 ઓક્ટોબરે રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રીમંડળના શપથ વિધિ સમારોહ બાદ આજે ધનતેરસના શુભ દિવસે મંત્રીઓ ચાર્જ સંભાળ્યો છે. બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં રિવાબા જાડેજાએ મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો. આ પ્રસંગે ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી પણ હાજર રહ્યાં હતાં.
આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળવાનો આરંભ કર્યો છે. સવારે સૌ પ્રથમ આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. આવતીકાલથી 26 ઓક્ટોબર સુધી દિવાળીનું વેકેશન રહેશે. તેથી સચિવાલય બંધ રહેશે. આથી આજે ધનતેરસે મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. સરકાર તરફથી મંત્રીઓને સાંજે ગાંધીનગર છોડી પોતાના વિધાનસભા વિસ્તારમાં લોકો વચ્ચે જવાની સૂચના અપાઈ છે. બપોરે ચાર્જ સંભાળ્યા બાદ સાંજે મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં પહોંચી જશે.
દરમિયાન આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે.
નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC
નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ હતી. હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવાયા છે. આ પહેલાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.