દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નવી સૂચના અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું કડક પાલન કરવાના હેતુથી દિવાળીમાં રાત્રે 8 થી 10 એમ બે જ કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો આદેશ આવકારદાયક છે પરંતુ આ અગાઉ પણ ફટાકડા ફોડવા અંગે નિયંત્રણ રાખવા અંગે સત્તાધીશોએ અપીલો કરી હતી પરંતુ પરિણામ આપણે જોયું જ છે અને જોઈશું. સરકાર ફટાકડા વિક્રેતાઓ પર લગામ લગાડવાની વાત કરે છે. હવે એ અંગે પણ વાસ્તવિકતા આપણે આવનારા દિવસોમાં પ્રત્યક્ષ નિહાળશું.
મોટામંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દીપાવલીનો હરખ
સામાન્યત: પ્રત્યેક તહેવારનો હરખ ભિન્ન ભિન્ન હોય. લાંબામાં લાંબો તહેવાર એટલે દિવાળી. આ વર્ષે તો સરકાર સુધ્ધાં પ્રજા પર વરસી ગઇ. પગાર, બોનસ, પેન્શન સુધ્ધાં વહેલું અપાશે. દાઝી જવાય એવા સોનાન ચાંદીના ભાવ. મધ્યમ વર્ગ નાનો વર્ગ ખરીદવાનો વિચાર જ નહિ કરે. બજારમાં ઊભા રહો એટલે કોઇ પણ ચીજ વસ્તુના ભાવ આસમાને જ. તેમાં રાહત મળી ખરી. પણ કેવી? એક વાર સૂર્યને અભિમાન આવ્યું કે મારા ગયા પછી આ પૃથ્વીનું શું થશે? ત્યારે કવિ રવીન્દ્રનાથ ટાગોરે કલ્પના કરી કોડિયું કહે મારાથી શકય હશે એટલા પ્રદેશમાં અજવાળું પાથરીશ. સાવ અંધારું ન રહેવા દઉં. આ વિચાર, કોડિયાનો હરખ અજવાળું બરફ સમી ઠંડક આપી ગયો. આગ, અકસ્માત, ખૂન, ચોરી, લૂંટફાટ અટકે તો માનું કે આવી દિવાળી. સામાન્ય આમજનતાનો ‘દિ’વળી જાય તેનું નામ દિવાળી. એક અકસીર ઔષધ તહેવાર દિવાળી. જીવન જીવવાની જડીબુટ્ટી અલબત્ત આનંદ એક સારું ટોનિક છે.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.