Columns

ભારતના લોકો વધુ સોનું ખરીદી રહ્યા છે તે દેશના અર્થતંત્ર માટે ફાયદાકારક છે

ભારત જૂના કાળમાં સોનાની ચિડીયા તરીકે જાણીતું હતું. પહેલાં મુસ્લિમો અને પછી અંગ્રેજો ભારતમાંથી સ્ટીમરો ભરીને સોનું લઈ ગયા તે પછી પણ ભારતનાં લોકો પાસે એટલું સોનું વધ્યું છે કે તેના વડે ભારતનું બધું દેવું ચૂકવી શકાય તેમ છે. મોર્ગન સ્ટેનલીએ તાજેતરમાં એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે ભારતીય ઘરોમાં ૩૪,૬૦૦ ટન સોનું છે, જેનું મૂલ્ય આશરે ૩,૮૦૦ અબજ ડોલર છે. આ મૂલ્યાંકન ભારતના GDPના આશરે ૮૮.૮ ટકા જેટલું છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ પાસે જેટલું સોનું છે, તેના કરતાં પાંચ ગણું સોનું ભારતની પ્રજા પાસે છે.

રાજાઓ અને રજવાડાંઓના યુગ દરમિયાન રાજાની શક્તિ તેની પાસે રહેલા સોનાના જથ્થા દ્વારા નક્કી થતી હતી. સમય બદલાયો છે, વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે, પરંતુ સોનાનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી. ૧૯૭૧ સુધી અમેરિકાની સરકાર જેટલા ડોલર છાપતી હતી તેના મૂલ્યનું સોનું તેણે ફેડરલ રિઝર્વમાં અનામત રાખવું પડતું હતું. ૧૯૭૧માં અમેરિકાની સરકારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દીધું તે પછી સોનાની સરખામણીમાં ડોલરના મૂલ્યમાં સો ગણો ઘટાડો થયો છે.

હવે જો અમેરિકા તેના ડોલરને બચાવવા માંગતું હોય તો તેણે ફરી ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર જવું પડશે પણ અમેરિકાની સરકાર પાસે તેટલું સોનું જ નથી. સોનું પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી છે. એટલું શક્તિશાળી છે કે તે કોઈપણ દેશના ચલણને અસર કરી શકે છે, ફુગાવો વધારી શકે છે અને સરકારોને પણ ઉથલાવી શકે છે. ભારતમાં સોનું ફક્ત રોકાણના હેતુ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને પરંપરાગત હેતુઓ માટે પણ ખરીદવામાં આવે છે.

ભારતની ગરીબ પ્રજા પણ પોતાની બચત સોનામાં રોકતી આવી છે, જેની કિંમત સતત વધ્યા કરે છે, જ્યારે ચલણી નોટોની કિંમત સતત ઘટી રહી છે. એવું માનવામાં આવે છે કે સોનું કટોકટીની જરૂરિયાતના સમયે ઉપયોગી છે, જે તેને આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનાવે છે. ફુગાવા સામે સોનું શ્રેષ્ઠ બચવાનો ઉપાય માનવામાં આવે છે. બેંકમાં રાખવામાં આવતી ફિક્સ ડિપોઝીટની કિંમત ફુગાવા સાથે ઘટતી જાય છે પણ સોનાની કિંમત વધતી જાય છે. આ વર્ષની શરૂઆતથી સોનાના ભાવમાં ૬૨ ટકાથી વધુનો વધારો થયો છે. તેમ છતાં ભારતીયોના સોનાના ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.

દુનિયાનાં લોકોનો વિશ્વાસ પેપર કરન્સીમાંથી ઊઠી રહ્યો હોવાથી તેઓ સોનું ખરીદવા લાઈનમાં ઊભા રહે છે. સોનાના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ લગભગ ૪,૨૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. તેણે ૨૦૨૪ માં ૭૫ ટન સોનું ખરીદ્યું છે. આ સાથે ભારતનો સોનાનો ભંડાર આશરે ૮૮૦ ટન સુધી પહોંચી ગયો છે, જે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારના ૧૪ ટકા છે.

ભારતની રિઝર્વ બેંકની જેમ દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પોતાની પાસેના ડોલર વેચીને સોનું ખરીદી રહી છે, જેને કારણે ડોલરની ઇન્ડેક્સમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. સોનાના વધતા ભાવ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે અને તેની સીધી અસર ચલણ પર પડે છે. દેશની આવકનો નોંધપાત્ર હિસ્સો તે દેશમાં ઉત્પાદિત ચીજોના વેપારમાંથી આવે છે. દેશની સૌથી મોટી નિકાસ અન્ય દેશોની આયાતની તુલનામાં વધુ આવક ઉત્પન્ન કરે છે. આ જ સિદ્ધાંત સોનાની નિકાસ અને આયાત પર લાગુ પડે છે. જો કોઈ દેશ વધુ સોનાની નિકાસ કરે છે, તો તેનું ચલણ મજબૂત બને છે. ભારત સોનાનો નોંધપાત્ર આયાતકાર છે, તેથી જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે છે, ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટે છે.

સોનાના ભાવમાં અનેક પરિબળોને કારણે વધઘટ થાય છે, જેમાંથી એક સૌથી મહત્ત્વપૂર્ણ છે સોનાની આયાત અને નિકાસ. સોનાની આયાતમાં વધારાની સીધી અસર ફુગાવાના સ્વરૂપમાં જોઈ શકાય છે. સોનાની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ભારતે વિદેશથી સોનું આયાત કરવું પડશે. આ સોનાની કિંમત ચૂકવવા માટે ભારતે વધુ ચલણી નોટો છાપવી પડશે અને આ રૂપિયાના મૂલ્યને અસર કરશે. પરિણામે દેશમાં ફુગાવો વધવાની શક્યતા રહેશે.

આ વખતે જ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે તેવું નથી. ૧૯૩૦ અને ૧૯૭૦-૮૦ ના દાયકામાં પણ સોનામાં આવી જ તેજી જોવા મળી હતી. ૧૯૭૮ અને ૧૯૮૦ ની વચ્ચે વિશ્વભરમાં સોનાના ભાવ ચાર ગણા વધીને ઔંસ દીઠ ૨૦૦ ડોલરથી વધીને લગભગ ૮૫૦ ડોલર પ્રતિ ઔંસ થયા હતા. નિષ્ણાતોએ આ વધારાને વૈશ્વિક ફુગાવો, ઈરાની ક્રાંતિ અને અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાને આભારી ગણાવ્યો હતો. તે સમયે ભારતમાં સોનાની આયાત કાયદેસર રીતે નિયંત્રિત હતી, પરંતુ આંકડા દર્શાવે છે કે ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧૯૭૯માં ૯૩૭ રૂપિયાથી વધીને ૧૯૮૦માં ૧,૩૩૦ રૂપિયા થયો હતો, જે ભાવમાં ૪૫ ટકાનો વધારો દર્શાવે છે. પરંતુ તે પછી, યુએસ ફેડરલ રિઝર્વના તત્કાલીન ચેરમેન પોલ વોલ્કરે ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરોમાં ભારે વધારો કર્યો હતો, જેના કારણે વોલ્કર શોક નામનો અનુભવ થયો હતો, જેના પરિણામે સોનાના ભાવ ટોચના સ્તરથી ૫૦ ટકા ઘટી ગયા હતા.

ત્યાર બાદ બે દાયકા સુધી સોનાના ભાવો મોટા ભાગે યથાવત્ રહ્યા હતા. ૧૯૩૦ના દાયકામાં સોનાની ચમક ઝાંખી પડી ગઈ હતી. અમેરિકન સરકારે લોકોના સોનાને જપ્ત કરતો કાયદો ઘડ્યો હતો. રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ૧૯૩૩માં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેને ઓર્ડર નંબર ૬૧૦૨ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓર્ડરમાં દરેક અમેરિકનને સરકાર પાસે તેમનું સોનું જમા કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિ ઔંસ ૨૦.૬૭ ડોલરની કિંમત નક્કી કરવામાં આવી હતી. જે ​​લોકો ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા તેમને દંડ અને કેદની સજા ફટકારવામાં આવી હતી.

૧૯૩૪માં ગોલ્ડ રિઝર્વ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો , જેમાં પ્રતિ ઔંસ ૩૫ ડોલરની કિંમત નક્કી કરવામાં આવી હતી. અમેરિકન પ્રજાનું બધું સોનું ઝૂંટવી લીધા પછી સરકારે સોનાની કિંમતમાં વધારો કરી દીધો હતો. ૧૯૩૦ના દાયકામાં સોનાના ભાવમાં વધારો મુખ્યત્વે નીતિગત નિર્ણયોને કારણે હતો, જ્યારે ૧૯૮૦માં વધારો મુખ્યત્વે ફુગાવાના કારણે હતો. તે સમયે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનાની ખરીદીની દોડમાં સામેલ નહોતી. આજના સમયમાં સોનાના ભાવમાં વધારાનું એક કારણ કેન્દ્રીય બેંકોની ખરીદી પણ છે. રિઝર્વ બેંકે પોતે જ તેના સોનાના ભંડારને આશરે ૮૮૦ ટન સુધી વધારી દીધો છે.

ઘણા નિષ્ણાતો માને છે કે ભારત સહિત ઘણા દેશો ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવાની વ્યૂહરચના તરીકે તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ વિશ્વભરના દેશોને તેમની વ્યૂહરચના ફરીથી ઘડવાની ફરજ પાડી છે. બ્રિક્સ દેશો સહિત ઘણાં અન્ય રાષ્ટ્રો ડી-ડોલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે. વાસ્તવમાં, જ્યારે કોઈ દેશ ડોલરથી દૂર જાય છે અથવા તેનાથી દૂર જાય છે, ત્યારે તેને ડી-ડોલરાઇઝેશન કહેવામાં આવે છે. દેશો ઘણી વાર તેમના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ડોલર અથવા યુએસ બોન્ડ રાખે છે અને તેમાં સતત વધારો કરે છે કારણ કે તેમને ક્રુડ તેલ અથવા અન્ય માલની આયાત માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. ડોલરના સંદર્ભમાં આ વલણ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. તાજેતરનાં વર્ષોમાં અમેરિકાની નીતિઓએ ઘણા દેશોમાં ડોલર અંગે ચિંતા પેદા કરી છે.

૨૦૧૬ પછી અમેરિકાએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદ્યા હતા અને તેના ડોલરમાં રહેલા ફોરેક્સ રિઝર્વને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી કેટલાક દેશો ડોલર વેચી રહ્યા છે. ભારતમાં પણ સોનાની ખરીદીની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઘરેણાંને બદલે ઘણાં લોકો હવે સોનાના બિસ્કિટમાં રોકાણ કરી રહ્યાં છે. ઝવેરાતના વેચાણમાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સિક્કા અને શુદ્ધ સોના-ચાંદીના વેચાણમાં વધારો થયો છે. ભારતભરમાં લોકો મોટી સંખ્યામાં સોનું ખરીદી રહ્યા છે. નાનાં શહેરો અને નગરો મોટાં શહેરો કરતાં વધુ સોનું ખરીદી રહ્યાં છે. આનાથી બેંકિંગ સિસ્ટમમાં નાણાં અને ધિરાણ માટે ઉપલબ્ધ રકમમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. જોકે ભારતના લોકો સોનાની ખરીદી વધારશે તો સરવાળે ભારત વધુ સમૃદ્ધ જ બનશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top