રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્તમાન મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. દરમિયાન નવા મંત્રી મંડળના શપથ સમારોહના ઈન્વિટેશન કાર્ડ છપાઈ ચૂક્યા છે.
આવતીકાલે મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. તે માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા માટે ખાસ ચૂરમાના લાડુ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત વાલનું શાક, ફ્રાયમ્સ, ફૂલવડી, પુરી, છાશ, બટાટા, વટાણા, ટમેટાનું શાક, ગુજરાતી દાળ, તજ-લવિંગનો ભાત પીરસવામાં આવશે.
શપથ સમારોહમાં અંદાજે 10 હજાર લોકો હાજરી આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. તેને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. મહાત્મા મંદિરમાં રાજકીય મહેમાનોના આગમનની પુરી તૈયારીઓ કરાઈ છે. અમિત શાહ, જેપી નડ્ડા સહિતના નેતાઓ પધારશે.
રાજ્યપાલનો વતન પ્રવાસ ટૂંકાવાયો
ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો.