સંજયનો આજે મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતો. મનમાં થોડી ધકધક હતી અને થોડી ખુશી પણ હતી કે જો આ મોટી કંપનીની નોકરી મળી જશે તો હું મોટા શહેરમાં મમ્મી-પપ્પાની કટ કટથી દૂર રહેવા જતો રહીશ.રોજ સવારે મમ્મી કટ કટ શરૂ થઈ જાય કે ચાદર સરખી કર. બરાબર બાથરૂમ સાફ કર. પાણીનો નળ બરાબર બંધ કર. પાણીની બોટલ ભર અને પપ્પા કહે કે લાઈટ બંધ કર. બધા સર્ટિફિકેટ ને બધું ફાઇલિંગ બરાબર કરીને રાખ. ટેબલ પર સરખું ગોઠવ.
આવી કંઈ કેટલી કટ કટ રોજે રોજ સંજયના માથા પર થતી રહેતી અને સંજય માતા પિતાની આ કટકટથી કંટાળ્યો હતો.સંજય ઈન્ટરવ્યુ આપવા કંપનીની ઓફિસ પર પહોંચ્યો. દિવસનો સમય હતો તો પણ બધી જ લાઈટો ચાલુ હતી. દાદરની લાઈટ ચાલુ હતી અને આદત મુજબ પપ્પાનો જાણે કાનમાં અવાજ ગૂંજ્યો, ખોટી લાઈટોનો વેડફાટ શું કામ?લાઈટનું સ્વિચ ગોતીને સંજયે લાઈટ બંધ કરી દીધી. ઉપર ગયો. હોલમાં ખુરશીઓ આડી અવળી પડી હતી તે સરખી ગોઠવી અને એક ખુરશી પર શાંતિથી બેસીને પોતાનો નંબર આવે તેની વાટ જોવા લાગ્યો. તેની નજર વોટર કુલર પર ગઈ. તેમાંથી પાણી ટપકતું હતું. તે ઊભો થયો. તેણે વોટર કુલરનું પાણી ટપકતું બંધ કર્યું.
થોડી વારમાં તેનું નામ બોલાયું. તેને અંદર બોલાવ્યો. પોતાની ફાઈલ તેણે ઇન્ટરવ્યુ લેનારને આપી, ફાઈલ ખોલ્યા વિના જ ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, ‘‘ યુ આર અપોઇન્ટેડ… ક્યારથી જોઈન્ટ કરી શકો છો?’’ આ સાંભળીને સંજયને બહુ જ નવાઈ લાગી કે હજી ઇન્ટરવ્યૂમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. મારા સર્ટિફિકેટની ફાઈલ ખોલીને જોઈ નથી અને મને નોકરી આપી દીધી! તેના મોઢા પરના અચંબાના ભાવ જોઈને ઇન્ટરવ્યુ લેનાર બોલ્યા, ‘‘આજે અમે કોઈનો ઈન્ટરવ્યુ લઈ નથી રહ્યા પણ સીસીટીવી કેમેરાથી જોઈ રહ્યા છીએ પ્રવેશદ્વારથી બહાર વેટિંગ હોલ સુધી તમે જે જે કર્યું તે અમે જોયું લાઈટ બંધ કરી, પાણી ટપકતું બંધ કર્યું, ખુરશીઓ સરખી મૂકી. એના પરથી તમારી પસંદગી થઈ છે કારણ કે તમારા સિવાય બીજા કોઈ કેન્ડીડેટે આવું કંઈ જ કર્યું નથી.’
સંજય નોકરી મેળવીને બહુ જ ખુશ થયો પણ પોતાનાં માતા પિતા પ્રત્યેના વર્તન અને વિચારોથી ખૂબ જ દુઃખી થઈ ગયો. તે જલ્દીથી ઘરે પહોંચી મમ્મી પપ્પાને પગે લાગી, મમ્મી પપ્પાને ભેટી પડ્યો અને કહ્યું, ‘‘ આજે મને આ મોટી કંપનીમાં નોકરી મળી છે તે માત્ર અને માત્ર તમારે કારણે મળી છે.’’ અને પછી તેણે બધી વાત કરી માતા-પિતાને ખૂબ ખૂબ થેન્ક્યુ કહ્યું. માતા-પિતા જે કંઈ પણ નાની મોટી સલાહ આપતા હોય છે…એકની એક વાત ઘડી ઘડી કહેતા હોય તે પણ તમે ધ્યાનથી સાંભળજો તેનો અમલ કરજો. તેને ક્યારેય નહીં ભૂલતા. તેમની સલાહ અને સંસ્કારો તમારા વ્યક્તિત્વને ઘડે છે અને તમને સમાજમાં પણ એક અનોખું સ્થાન અપાવે છે.