Comments

મુખ્ય ન્યાયમૂર્તિ પર જોડું ફેંકાયું એ કૃત્ય બદલ તંત્ર જાતે ફરિયાદી બની કાર્યવાહી ન કરી શક્યું હોત?

સુપ્રીમ કૉર્ટમાં વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ ગવઈ પર કોઈક અવિચારી માણસે જૂતું ફેંક્યું. આપણે સહિષ્ણુતાનું કેટલું દેવાળું કાઢ્યું છે, એનું આનાથી વરવું ઉદાહરણ ભાગ્યે જ બીજું મળી શકત. પેલો કહેવાતો વકીલ ખજુરાહોમાં વિષ્ણુની તૂટી ગયેલી મૂર્તિ પુનઃસ્થાપિત કરવા માગતો હતો. આ કામ ન્યાયપાલિકાનું નથી, પુરાતત્ત્વ ખાતાનું છે એટલે આમેય ચીફ જસ્ટિસની કૉર્ટમાં ધા નાખવાનો કોઈ અર્થ નહોતો પણ આજકાલ ધર્મ અને તે પણ સનાતન ધર્મના નામે જાતજાતના મેઢકવૃંદ સમૂહગાન કરવા માંડ્યાં છે. સનાતન ધર્મ એટલે તો ‘આનો ભદ્રા કૃતવો યન્તુ વિશ્વતઃ’ એટલે કે વેદની ઋચા જ કહે છે, ‘દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવે.’

સનાતન ધર્મ એટલે –
સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્ ।
અર્થાત્ આ વિશ્વના બધા જ જીવોનું કલ્યાણ થાય, બધા જ સુખી થાય, કોઈને પણ દુઃખ ના વેઠવું પડે એ ભાવના.
ઘટનાની વિગતો જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં સવારની સુનાવણી ચાલતી હતી તે દરમિયાન આ વ્યક્તિએ ચીફ જસ્ટિસ બીઆર ગવાઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ વ્યક્તિને પકડી તરત જ કોર્ટ રૂમની બહાર લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે થોડી મિનિટો માટે કાર્યવાહી અટકી ગઈ હતી, ત્યાર બાદ સુનાવણી ફરી શરૂ થઇ હતી. સૂત્રોના કહેવા મુજબ, વકીલ મુખ્ય ન્યાયાધીશની ખુરશી નજીક ગયો હતો અને પોતાનાં જૂતાં ઉતારીને જજ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. હાજર વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટ રૂમની બહાર લઈ જતી વખતે, તે વ્યક્તિએ બૂમો પાડી હતી, ‘હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં’. આ વ્યક્તિએ વકીલનો ડ્રેસ પહેર્યો હતો.

આમ, સાવ ભળતાં જ કારણસર ન્યાયતંત્રની સર્વોચ્ચ બંધારણીય વ્યવસ્થાને ગાલે મેંશ ઘસવાનો પ્રયાસ થયો. ચીફ જસ્ટીસ શ્રી ગવઈએ આ આખાય કૃત્યની નોંધ પણ ના લીધી અને પેલા માણસ પર કોઈ કાર્યવાહી પણ ના કરી, કદાચ એ વ્યક્તિગત રીતે ચીફ જસ્ટિસ ગવઈની સહિષ્ણુતા અને ગરિમાપૂર્ણ વ્યવહારનું ઉદાહરણ બની રહેશે. બાર કાઉન્સિલે આ વકીલને સસ્પેન્ડ કર્યો. નિલંબિત (સસ્પેન્ડ) કરેલ વ્યક્તિ તો ગમે ત્યારે પાછો લઈ શકાય છે. બાર કાઉન્સિલે એની આપાતકાલીન બેઠક બોલાવી આ વકીલને બરતરફ કરવો જોઈતો હતો, તો દાખલારૂપ કાર્યવાહી થઈ ગણાત. ખેર, આ બધું હવે ઇતિહાસ બની ગયું. આજે બીજા મુદ્દે વાત કરવી છે.

આ સમગ્ર બનાવ સર્વોચ્ચ અદાલતની એક નંબરની કૉર્ટમાં બન્યો. ત્યાં સલામતી જાળવવા માટે સલામતી અધિકારીઓ હશે, પોલીસ પણ હશે, આ જોડો ચીફ જસ્ટિસ પર ફેંકાયો છે, એટલે કે દેશના ન્યાયતંત્રની સર્વોચ્ચ વ્યવસ્થા પર ફેંકાયો છે, ચીફ જસ્ટિસ ગવઈએ મોટું મન રાખીને ગુનેગારને માફ કરી દીધો પણ કાયદો અને વ્યવસ્થાનું તંત્ર પોતાની રીતે કામ કેમ ન કરે? સંબંધિત પોલીસ અધિકારીએ જાતે ફરિયાદી બની કેસ કેમ ના નોંધાવ્યો? જો આવું થયું હોત તો એક દાખલો બેસત, તે કાયદાનો ભંગ કરનાર ગમે તે હોય, એના ઉપર યોગ્ય કાનૂની કાર્યવાહી થાય જ.

જસ્ટિસ ગવઈએ પેલા વકીલને માફ કર્યો એ લાગણીવેડામાં વહીવટીતંત્ર તણાય એ વાત જ ખોટી. ઊલટાનું આને કારણે તો સર્વોચ્ચ કક્ષાએથી એક દૃષ્ટાંત ઊભું થઈ ગયું કે ચાલુ કૉર્ટમાં ન્યાયમૂર્તિ ઉપર જોડું ફેંકી શકાય અને એમણે જસ્ટિસ ગવઈના આદર્શ દાખલાને અનુસરીને આ જોડું ફેંકનારને માફ કરી દેવાનો. બીજા અર્થમાં કહીએ તો ન્યાયની સર્વોચ્ચ સંસ્થામાં અથવા અન્ય ન્યાયપાલિકાઓમાં ક્યાંય પણ ન્યાયમૂર્તિ ઉપર હુમલાનો પ્રસંગ બનશે ત્યારે પોલીસ તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતાં અચકાશે અને સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપર જોડું ફેંકનાર આ વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ હોત તો એના રીમાન્ડ મેળવી આની પાછળનાં પરિબળો કદાચ કોઈ બીજાં જ હોત તો એ પણ સપાટી પર લાવી શકાયું હોત, જે ગુનેગારને મુખ્ય ન્યાયમૂર્તિએ માફ કર્યા એટલે વહીવટીતંત્ર પણ માફ કરી દે એ એક ખોટા દાખલાને પરિણામે ઊભી થયેલ પરિસ્થિતિ ખરેખર આ વ્યક્તિની પાછળ બીજાં કોઈ પરિબળો છે કે કેમ અને મુખ્ય ન્યાયમૂર્તિ ઉપર જોડો ફેંકવાનું આ અંતિમવાદી પગલું લેવાય તે પહેલાં આ વ્યક્તિની આખીયે ભૂમિકા સમજવાની મોટી તક સુરક્ષા તંત્ર દ્વારા નહીં નોંધાવાયેલી ફરિયાદના કારણે વેડફી નાખવામાં આવી છે એવું પ્રથમ દૃષ્ટિએ લાગે છે.

પોલીસ ઇન્વેસ્ટીગેશન અને કસ્ટડીમાં પૂછપરછ સાવ નકામાં નથી જતાં. ક્યારે એના કારણે તરણા ઓથે છુપાયેલો ડુંગર પણ નહીં ધારેલી રીતે નજરે ચઢી જતો હોય છે. એ સંયોગોમાં ચીફ જસ્ટિસ ગવઈ દ્વારા મોટું મન રાખીને ભલે આ બનાવની નોંધ ન લેવાઈ પણ સુપ્રીમ કૉર્ટમાં જે સરકારી તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતું હોય તેણે તે આવા કિસ્સામાં જે કંઈ કરવા સરખું હોય તે કરવું જ જોઈએ.

આમ કરવાનો બીજો એક મનોવૈજ્ઞાનિક લાભ એ છે કે, ભવિષ્યમાં કોઈ અંગત પ્રસિદ્ધિ મેળવવા ખાતર થઈને અથવા પોતાની વિચારધારાની બહોળી પ્રસિદ્ધિ અર્થે આવી કોઈ કુચેષ્ટા કરતું હોય તો એના ઉપર એક દાબ આવે જે આ પ્રકારની હરકત કરનારાઓની માનસિકતા સામે એક મોટું અવરોધક પરિબળ બને અને લાંબા ગાળે ન્યાયપાલિકાઓ અથવા અન્ય બંધારણીય સંસ્થાઓમાં મર્યાદાભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ આવું કરતાં અચકાય અથવા સાત વાર વિચાર કરે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આ તર્કને આધારિત વિચારીએ તો સુપ્રીમ કૉર્ટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે કોઈ સરકારી તંત્રની હોય તેણે જાતે ફરિયાદી બની અને દાખલો બેસે તેવી કાર્યવાહી આ કિસ્સામાં કરવી જોઈતી હતી એવું લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top