Comments

સબ કા સાથ, કુછ હી લોગોં કા વિકાસ

કહેવું કંઈક અને કરવું કંઈક એ મોટા ભાગની સરકારોની પ્રકૃતિ હોય છે. વિવિધ સરકારી કાયદા કે યોજનાઓમાં સૌથી છેતરામણો શબ્દ હોય છે ‘વંચિત, ગરીબ અને શ્રમિકોના લાભાર્થે’. કાગળ પર આમ હોવાનું જણાવતી અનેક યોજનાઓ, જોગવાઈઓ અને કાયદા બનતા રહે છે, જેમાં લાભ કોઈક ત્રીજું જ ખાટી જાય છે, કેમ કે, મોટા ભાગના કિસ્સામાં જે વર્ગના હિતાર્થે આ કાયદા બનાવેલા છે, એ વર્ગને એના વિશે ભાગ્યે જ જાણ હોય છે.

ગુજરાત સરકારે ભારે વિરોધ વચ્ચે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક’ વિધાનસભામાં પસાર કર્યું અને એને કાનૂનનું સ્વરૂપ આપ્યું. એ મુજબ શ્રમિકો માટે કામના કલાકોની મર્યાદા વધારીને રોજના બાર કલાકની કરવામાં આવી છે. ગત સપ્તાહે વડોદરાસ્થિત ‘પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્‍ટર’ (પી.ટી.આર.સી.) દ્વારા રાજ્ય સરકારના સામાજિક સુરક્ષાના કાયદાના અમલીકરણ બાબતે, ‘સીરામીક કેપિટલ’ તરીકે ઓળખાવાતા મોરબીમાં હાથ ધરેલા અભ્યાસની કેટલીક વિગતો જણાવાઈ હતી. હજી આ અભ્યાસની કેટલીક વિગતો જાણવા જેવી છે. (આ પુસ્તિકા મંગાવવા માટે ઈ-મેલ: jagdish.jb@gmail.com)

કુલ બે હજાર કામદારો પૈકી 63, એટલે કે 3.15 ટકા કામદારોએ ટી.બી.ની સારવાર લીધી હતી, જેમાંના 62 સીરામીક ક્ષેત્રના હતા. અન્ય ઉત્પાદન ક્ષેત્રના એક પણ કર્મચારીએ ટી.બી.ની સારવાર લીધી નહોતી. આ પરિણામને ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (ડબલ્યુ. એચ.ઓ.)ના અહેવાલ સંદર્ભે જોઈએ તો 2023માં પ્રતિ એક લાખ વ્યક્તિએ 195 કેસ ટી.બી.ના હતા, જેનું પ્રમાણ 0.195 ટકા કહેવાય. આની સરખામણીએ મોરબીનાં શ્રમિકોનો 3.15 ટકા દર ઘણો ઘણો ઊંચો ગણાય.

મૂળ તો આ અભ્યાસ સિલિકોસીસથી પીડિત કામદારો અને તેમને મળતા રાજ્ય સરકારના કાયદાના લાભની ચકાસણી માટે હાથ ધરાયેલો. એમાં જણાયું કે બે હજાર પૈકીના કુલ પાંચ લોકો સિલિકોસીસનો ભોગ બનેલા છે અને એ સૌ સીરામીક ક્ષેત્ર સાથે સંકળાયેલાં હતાં. તેમની વય અનુક્રમે 29, 32, 40, 45 અને 47 છે. આમાંના એકેયને ઈ.એસ.આઈ.કાયદા કે પી.એફ.કાયદા હેઠળ આવરી લેવાયા નથી. વધુમાં આ પાંચમાંના એક પણ નહોતા ઈચ્છતા કે પોતાને સિલિકોસીસ હોવાની જાણ પોતાના માલિકને થાય, નહીંતર તેમને નોકરીમાંથી કાઢી મૂકાશે. આમાં એ ખ્યાલ આવે છે કે સિલિકોસીસ કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે છે. ત્રણથી લઈને ચૌદ વર્ષ જેટલા અરસાથી આ કામદારો આ ક્ષેત્રે કાર્યરત છે.

વધુ એક હકીકત જોઈએ. જે બે હજાર શ્રમિકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એમાંના 1121, એટલે કે અડધાથી વધુ યાનિ 56 ટકાથી વધુ સ્થળાંતરિત શ્રમિકો હતાં. એટલે કે બાકીના 879 શ્રમિકો સ્થાનિક હતાં. સ્થાનિકો પૈકી 107 લોકો, એટલે કે 12.17 ટકા લોકોના ઈ.એસ.આઈ.નું યોગદાન તેમના વેતનમાંથી કપાત થતું હતું. તેની સરખામણીએ, 1121 સ્થળાંતરિત શ્રમિકોમાંના ફક્ત 40, એટલે કે કેવળ 3.57 ટકા લોકોનું જ ઈ.એસ.આઈ. યોગદાન વેતનમાંથી કપાત થતું હતું. આ આંકડા દર્શાવે છે કે મૂળભૂત રીતે શોષણ અને ભેદભાવ સમગ્રપણે આચરવામાં આવે છે, પણ એમાંય સ્થળાંતરિત શ્રમિકોએ  એનો ભોગ વધુ બનવાનું આવે છે. તેઓ અન્ય રાજ્યોમાંથી આવેલાં હોવાથી તેમની આર્થિક ગરજ પારખીને શોષણ કરવામાં આવે છે.

મતલબ સાફ છે. સરકાર કાયદા બનાવે છે ખરી, પણ એના અમલ બાબતે ખાસ કશું થતું નથી. એટલે કે એનું પાલન ન થાય તો પણ સરકારની વૃત્તિ એ તરફ આંખ આડા કાન કરવાની હોય છે. એ વિના કોઈ પણ કાનૂનનું પાલન ન કરવા જેટલી હિંમત નોકરીદાતા લાવી શકે ખરા? ‘સબકા સાથ, સબકા વિકાસ’ કેવળ એક પોકળ સૂત્ર છે, જે હકીકતમાં ‘સબકા સાથ, કુછ લોગોં કા વિકાસ’ જેવું બની રહ્યું છે. અલબત્ત, એક સરકારી અહેવાલ અનુસાર ભારતમાં સામાજિક સુરક્ષા મેળવનારા કામદારોની સંખ્યામાં ઘણો વધારો થયો હોવાનું જણાવાયું છે, જ્યારે આ અહેવાલ તેનાથી સાવ વિપરીત જણાય છે.

કામદારોને સલામતી આપવા માટે અમલી કાયદાની આ સ્થિતિ હોય, ત્યાં હવે સરકાર કામના કલાકો વધારવાના નવા કાયદા લાવી છે. કહેવાની જરૂર છે ખરી કે એનો અમલ તરત થઈ જશે! પોતાને મળતા લાભ બાબતે કામદારોને શિક્ષિત કરવાની જવાબદારી ઈ.એસ.આઈ.કોર્પોરેશને નિભાવવી જોઈએ, તેમજ નોકરીદાતા દ્વારા કાયદાનો અમલ ન થતો હોય તો તેમની પર યોગ્ય પગલાં લેવાની ફરજ પણ ઈ.એસ.આઈ.કોર્પોરેશનની છે. કાયદાનો અમલ ન થતો હોય ત્યાં કામદારો દ્વારા ફરિયાદ નોંધાવવાને અને નોકરીદાતાઓ દ્વારા કામદારોને પૂરા લાભ આપવાને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમની ગોપનીયતાની ખાતરી પણ રાખવી જોઈએ. તેને બદલે આવાં ઔદ્યોગિક એકમો કામદારોનું બરાબર શોષણ કરે છે.

ગરજના માર્યા કામદારો એને થવા દે છે અને છેવટે જીવલેણ બિમારીનો ભોગ બનીને પોતાના જીવનથી હાથ ધોઈ બેસે છે. આ બધું છતે કાયદે, ખુલ્લેઆમ જોવા છતાં સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’નું ગાણું ગાયે રાખે છે. આ અભ્યાસ એક ચોક્કસ વિસ્તારમાંનાં કેટલાંક ઔદ્યોગિક એકમોનો હતો. એના વ્યાપને વિસ્તારવામાં આવે તો હજી અનેક ચોંકાવનારી અને કરુણ વિગતો જાણવા મળે એ શક્યતા પૂરેપૂરી છે. રૂડારૂપાળા દેખાતા આર્થિક વિકાસના ચિત્રની પાછળ રહેલી વરવી વાસ્તવિકતા ભયાનક છે, જેમાં કેટલીય આશાસ્પદ જિંદગીઓ હોમાતી રહે છે. કોઈ ઔદ્યોગિક દુર્ઘટનામાં જાનહાનિ થાય એ હજી અખબારોમાં આંકડા તરીકે ચમકે છે, પણ ધીમા મોતે મરતાં રહેતાં આવાં કામદારોના જીવન વિશે ભાગ્યે જ વાત થાય છે. ‘પી.ટી.આર.સી.’ જેવી વધુ સંસ્થાઓની આપણને જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top