વિરાટ કોહલી આગામી તા. 19 ઓક્ટોબરથી શરૂ થનારી ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા વિરાટ કોહલી ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરે ગયો હતો. અહીં તેણે ગુરુગ્રામ સ્થિત મિલકત તેના ભાઈ વિકાસ કોહલીને ટ્રાન્સફર કરી દીધી.
હકીકતમાં મંગળવારે બપોરે કોહલી ગુરુગ્રામના વઝીરાબાદની તાલુકા કચેરીમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે ગુરુગ્રામમાં તેના મોટા ભાઈ વિકાસ કોહલીની મિલકત માટે GPA (જનરલ પાવર ઓફ એટર્ની) તેના ભાઈ વિકાસ કોહલીને ટ્રાન્સફર કરી હતી.
આ સમય દરમિયાન વિરાટ કોહલીએ તાલુકામાં કામ કરતા કર્મચારીઓ સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા અને ઓટોગ્રાફ પણ આપ્યા. નોંધનીય છે કે વિરાટ કોહલી તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે ઇંગ્લેન્ડ સ્થળાંતર થયો છે. પરિણામે વિરાટ કોહલીએ પોતાની મિલકત સંબંધિત કાનૂની અધિકારો પોતાના ભાઈને સોંપી દીધા છે.
જનરલ પાવર ઓફ એટર્ની (GPOA) એ એક કાનૂની દસ્તાવેજ છે જે વ્યક્તિ ને તેના વતી વિવિધ પ્રકારના કાનૂની અને નાણાકીય કાર્યો કરવા માટે અધિકૃત કરે છે. તે એજન્ટને બેંકિંગ, મિલકત વ્યવસ્થાપન, કરાર પર હસ્તાક્ષર કરવા અને અન્ય ઘણી નાણાકીય બાબતો સહિત ઘણા ક્ષેત્રોમાં નિર્ણયો લેવાની સત્તા આપે છે, જ્યાં સુધી તે રદ ન થાય અથવા પ્રિન્સિપાલનું મૃત્યુ ન થાય.
કોહલીની વાત કરીએ તો તે T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે આ વર્ષે 10 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલી આ વર્ષે ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. હવે તે 19 ઓક્ટોબરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં રમતા જોવા મળશે.