સુરત : 315 કરોડનું માર્કેટ કેપ ધરાવતી સુરતની જાણીતી ઓનલાઈન ટ્રેડિંગ એન્ડ બ્રેકિંગ ફર્મના સુરત સ્થિત 4 સ્થળોએ અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સર્ચ કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતી શેર બ્રોકિંગ ફર્મના દેશભરના જુદા જુદા શહેરોમાં આવેલી ઓફિસો પૈકી સુરત અને પંજાબમાં અમૃતસરની ઓફીસોમાં તપાસ ચાલી રહી છે.
- અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સુરતમાં 4 સ્થળે સર્ચ
- આવકવેરા વિભાગની ટીમ મોટા શેર ટ્રાન્ઝેક્શન સાથેના કેટલાંક નાણાકીય વ્યવહારો અને શંકાસ્પદ ઓપ્શન ટ્રેડિંગની તપાસ કરવા સુરત આવી
- શેર બ્રોકિંગ ફર્મના દેશભરના જુદા જુદા શહેરોમાં આવેલી ઓફિસો પૈકી સુરત અને પંજાબમાં અમૃતસરની ઓફીસોમાં તપાસ
સુરત શહેરના પીપલોદ, રિંગરોડ, નાનપુરા, સિટી લાઇટ રોડ સહિત કુલ ચાર ઠેકાણે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આજે બપોરે અમૃતસર આવકવેરાની ટીમ આ 4 સ્થળોએ પહોંચી હતી. એ પછી આવકવેરા વિભાગના સ્થાનિક અધિકારીઓને બેક અપ માટે તેડાવવામાં આવ્યા હતા.
ઉચ્ચ અધિકારીના નેતૃત્વ હેઠળની એક ટીમ સીધી શેર બ્રોકિંગ કંપનીની પીપલોદમાં આવેલી મુખ્ય ઓફિસમાં પહોંચી હતી. સુરતમાં જે શેર બ્રેકિંગ ફર્મ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાના બોર્ડમાં છે. કંપની ઓનલાઈન ટ્રેડિંગ સેવાઓ આપી રહી છે. જેમાં ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ અને રોકાણ પ્લેટફોર્મ પૂરી પાડે છે.
અમૃતસરથી આવેલી આવકવેરા વિભાગની ટીમ મોટા શેર ટ્રાન્ઝેક્શન સાથેના કેટલાંક નાણાકીય વ્યવહારો અંગે માહિતી મેળવી રહી છે. વિશેષ રીતે અધિકારીઓને શંકા છે કે, કંપની દ્વારા જે ઓપ્શન ટ્રેડિંગ કરવામા આવ્યુ છે તેમાં કેટલીક બાબતો શંકાસ્પદ છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસનો રેલો પંજાબ અ્ને ગુજરાતમાં ફેલાયેલા બોલ્ટ સુધી પહોંચે એવી શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ અમૃતસર આવકવેરાની ટીમ દ્વારા અમદાવાદમાં નાના નાના રજિસ્ટર્ડ રાજકીય પક્ષોના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન શોધી કાઢવામા આવ્યું હતું. આ પાર્ટીના બે ત્રણ ગણતરીના ઉમેદવારો જ ચૂંટણી લડતા આવ્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા TDS કપાત પણ ખોટી રીતે મેળવવા મામલે અગાઉ તપાસ થઈ હતી.
આવકવેરા વિભાગે દિલીપ બિલ્ડકોન પર પડેલા દરોડાનો રેલો સુરત આવ્યો
અમૃતસર આવકવેરાની ટીમ દ્વારા ભોપાલ, અમદાવાદમાં મેટ્રો સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સ કરનાર દિલીપ બિલ્ડકોન પર દરોડા પાડ્યા હતાં. એ લિંકમાં સુરતમાં પણ તપાસ થઈ રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ચુનાભટ્ટી સ્થિત દિલીપ બિલ્ડકોન ગ્રુપના માલિક દિલીપ સૂર્યવંશીની ઓફિસની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બત્સલા ઝા, ડીજી ઇન્વેસ્ટિગેશન, આવકવેરા વિભાગ, ચંદીગઢ પ્રદેશ, પંજાબ, અમૃતસર આઇટી ટીમે એમપી એસએએફની મદદ લીધી છે. જોકે સુરતની શેર બ્રોકરેજ કંપની સાથે આ મામલાને શું લિંક છે એ બાબતે કોઈ ફોડ આવકવેરા અધિકારીઓએ પાડ્યો નથી.