SURAT

SMCમાં દિવાળી પહેલાં આ તારીખે પગાર કરી દેવાશે

સુરત: શહેરના વિકાસમાં અવિરત સેવા આપી રહેલા મનપાના કર્મચારીઓને આ વર્ષે દિવાળીના તહેવાર પહેલાં ખુશખબર મળી છે. સુરત મનપાના કર્મચારીઓને દિવાળીની ખરીદી સહિતના ખર્ચ કરવા માટે એડવાન્સ પગાર ચૂકવવામાં આવશે, જે માટે શાસકોએ સોમવારે મળેલી સ્થાયી સમિતિમાં મંજૂરી આપી છે.

  • 21 હજાર કર્મચારીઓ અને 11500 પેન્શરોને 147 કરોડ ચૂકવાતા દિવાળીની ખરીદીમાં તેજી દેખાશે

તા.18 ઓક્ટોબરથી દિવાળીનો તહેવાર શરૂ થઈ જતો હોય, એડવાન્સમાં 16 ઓક્ટોબર સુધીમાં પગાર ચૂકવણી કરી દેવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે પેન્શનરોને પણ 16 તારીખ સુધીમાં પેન્શન ચૂકવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના કુલ 21,586 કર્મચારીને 116 કરોડ, કુલ 11,500 પેન્શનરને 31 કરોડ એડવાન્સમાં ચૂકવાશે.
દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો આ તહેવાર માટે અતિ ઉત્સાહ સાથે ખરીદી કરતા હોય છે.

ઘર પરિવારની જવાબદારી સાથે તહેવારો નજીક આવતા જ ખર્ચ વધી જતો હોવાથી તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડે છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી પહેલાં ખાસ કરીને વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપે છે.

આ વર્ષે પણ મનપા દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી પહેલાં બોનસ રૂપે કુલ રૂ.8.63 કરોડની ચૂકવણી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 12,495 કર્મચારીને રૂપિયા 8.63 કરોડ જેટલું બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બોનસ મુજબ દરેક કર્મચારીને રૂ.6,908 જેટલી રકમ મળશે. પ્રતિ વર્ષ મનપા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે બોનસ ચૂકવતી હોય છે. સુરત મનપાના વર્ગ-4ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે.

Most Popular

To Top