બે વિરોધાભાસી ઘટનાઓ ફિલ્મજગતમાં જોવાઈ છે, તેના મોખરાના કસબીઓનાં લગ્નજીવનની વિસંગતતા જોવા મળે છે. ઐશ્વર્યારાય અને અભિષેક બચ્ચનના ઘરસંસારની વિશાળ ફલક પર નોંધ લેવાઈ અને એ સેલિબ્રિટીઓનાં સંતાનો અંગે પણ સમાચારો પ્રગટ થતા રહ્યા અને હવે તેમના દામ્પત્યજીવનમાં તિરાડો પડ્યાની ચર્ચા થવા લાગી છે. બીજી તરફ વિશ્વવિખ્યાત ફિલ્મી સંગીતકાર એ.આર. રહેમાન અને તેની પત્ની સાયરાના બે દાયકા જૂના લગ્નજીવન બાદ છૂટાછેડાના સમાચાર આવ્યા. આ બંને ઘટનાઓમાં ધ્યાન ખેંચે એવી વાત એ છે કે સમજણ અને ગૌરવ જાળવણીમાં રહેમાન દંપતી સફળ રહ્યું.
તલાક પછી પણ સાયરાએ પતિ રહેમાન પ્રત્યે ઉચ્ચ આદરભાવ ધરાવે છે, તો બીજી તરફ બચ્ચન પરિવાર કૌટુંબિક પ્રતિષ્ઠા જાળવવા પ્રયાસો કરે છે, દંપતીની સંયુક્ત છબિઓ પ્રગટ કરાવે છે. એક બીજી સાયરાની પણ નોંધ લેવા જેવી છે. દિલીપકુમારની ધર્મપત્ની સાયરાબાનુ વિખ્યાત હિન્દી ફિલ્મી તારિકા હતી અને પાછલા જીવનમાં તે માત્ર પતિને સમર્પિત રહી. વિજ્યા દેશમુખ એટલે કે ફિલ્મ અભિનેત્રી સંધ્યા પણ એ જ રીતે મહાન ફિલ્મસર્જક શાંતારામજીને વફાદાર રહી અને પતિની પૂર્વ પત્નીઓનાં સંતાન ઉછેર કાજે પોતે નિ:સંતાન રહી. નરગીસજી પણ પતિ સુનીલ દત્તને સમર્પિત રહી ફિલ્મ કારકિર્દી ત્યજી દીધી. સુરૈયા, દેવ આનંદને મનથી વરી ચૂકી હોવાથી મૃત્યુપર્યંત અવિવાહિત રહી, તો નિષ્ફળ પ્રેમી અને મહાન ગીતકાર સાહિર લુધિયાનવી અમૃતા પ્રીતમને ઝંખતા રહી કુંવારા રહ્યા.
સુરત – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.