શહેરના ગોડાદરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા ક્રમાંક 342 અને 351માં નોનવેજની પાર્ટીનું આયોજન થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વિવાદ થતાં હવે શિક્ષણ સમિતિ એક્શનમાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યો છે. શિક્ષણ સમિતિ સમગ્ર મામલે એક નિવેદન પણ બહાર પાડ્યું છે.
રવિવારે તા. 12 ઓક્ટોબરના રોજ ગોડાદરામાં આવેલી સરકારી શાળા 342 અને 351માં 1987થી 1991 બેચના સ્ટુડન્ટ માટે એક ગેટ ટુ ગેધર ફંક્શનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સ્કૂલના પરિસરમાં જ મહેમાનોને ચિકન અને મટન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સ્કૂલના આચાર્ય દ્વારા કરાયું હતું. જેમાં નોનવેજ પીરસાતું હોવાનો વીડિયો પણ બહાર આવ્યો હતો.
માતા સરસ્વતીના ધામ એવી સ્કૂલોમાં નોનવેજ પીરસાતું હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. નોનવેજ પાર્ટી દરમિયાન સરસ્વતી માતાની પ્રતિમાનો ચહેરો ચૂંદડીથી ઢાંકી દેવાયો હતો.
પાર્ટી મામલે સ્કૂલના આચાર્ય પ્રભાકર એલિગેટિને લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે પૂર્વ સ્ટુડન્ટ, ટીચર્સ અને પ્રિન્સપલોનું ગેટ ટુ ગેધર આયોજિત કરાયું હતું. કાર્યક્રમમાં ચિકન પીરસાયુ એ ભૂલ છે.
આ વીડિયોને પગલે હંગામો મચ્યો હતો. મામલો શિક્ષણ સમિતિ સુધી પહોંચ્યો હતો. શિક્ષણ સમિતિએ તાકીદના ધોરણે આચાર્યને સસ્પેન્ડ કર્યા હતા. સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું કે, કોઈ પણ મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નોનવેજ પીરસવાનું કૃત્ય કરાયું તે અયોગ્ય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે.
શું છે મામલો?
ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે, જેમાં 12 ઓક્ટોબરે સ્કૂલના 1987થી 1991ના ધોરણ-7ના વિદ્યાર્થીઓનું ગેટ-ટુ ગેધર રવિવારના દિવસે સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ-ટુ ગેધર યોજાયું હતું. આ ગેટ-ટુ ગેધરમાં ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી. આ ગેટ-ટુ ગેધરમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા.