ગુજરાતમાંથી ચોમાસુ હજુ વિદાય લેવાના મૂડમાં જણાઈ રહ્યુ નથી. હવામાનના વિભાગના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વિલન બનશે. હવે નવરાત્રીની જેમ દિવાળીમાં પણ મેઘરાજા માવઠાનો માર વરસાવશે.
સામાન્ય રીતે નવરાત્રી આવતા સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેતુ હોય છે. પરંતુ રાજ્યમાંથી મેઘરાજા હાલ વિદાય લેવાના મૂડમાં જરા પણ દેખાઈ રહ્યા નથી. નવરાત્રીના છેલ્લા 3, 4 નોરતાને ધોઈ નાખ્યા બાદ હવે દિવાળીમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
દિવાળીનો તહેવાર સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હિંદુઓનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ત્યારે જો બરાબર દિવાળીના સમયે વરસાદ વરસે તો તહેવારોની મજા બગડી શકે છે.
જો કે માવઠા સ્વરૂપે આવતો આ વરસાદ ન માત્ર તહેવારોની મજા બગાડે છે પરંતુ ખેડૂતોને પણ નુકસાન સહન કરવુ પડે છે. આ માવઠાની આગાહીએ ખેડૂતોની પણ ચિંતા વધારી છે અને દિવાળી પર જો વરસાદ આવશે તો ખેડૂતોને બેવડો માર સહન કરવો પડશે.
હવામાન વિભાગે તા. 16 થી 19 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ચોમાસાની વિદાય પછી પણ વરસાદની અસર
રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. છતાં પવનની દિશા બદલાવાના કારણે માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 118 ટકા વરસાદ નોંધાયો છે પરંતુ હવામાનમાં આ અચાનક ફેરફારે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને થોડું ચિંતિત કરી દીધા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું કે તા. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
તારીખવાર વરસાદની શક્યતા
તા.16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
તા.17 થી 19 ઓક્ટોબર દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.