Columns

મારિયા કોરીના મચાડોને દેશદ્રોહ બદલ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે?

નોબેલ શાંતિ પુરસ્કાર મેરિટ ઉપર આપવામાં આવ્યો હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. મહાત્મા ગાંધીને નોબેલ પ્રાઇઝ ન મળ્યું પણ મધર ટેરેસાને મળ્યું, જેના પરથી કહી શકાય કે નોબેલ પ્રાઇઝ એક ચોક્કસ એજન્ડાના ભાગરૂપે જ આપવામાં આવે છે. જે કૈલાસ સત્યાર્થીને ભારતમાં પણ કોઈ ઓળખતું નહોતું, તેમને ૨૦૧૪નું નોબેલ પ્રાઇઝ મળ્યું, કારણ કે તેઓ ભારતમાં બાળમજૂરી સામે ઝુંબેશ ચલાવતા હતા. ભારતમાં બાળમજૂરી સામે જે ઝુંબેશ ચાલે છે તે ભારતનાં બાળકોનું કલ્યાણ કરવા માટે નથી ચાલતી, પણ કેટલીક વિદેશી કંપનીઓના લાભાર્થે ચાલે છે, જેઓ ભારતમાં સસ્તી મજૂરીને કારણે ભારતના માલ સાથે સ્પર્ધા કરી શકતી નથી. ભારતમાં જે સંસ્થાઓ બાળમજૂરી સામે ઝુંબેશ ચલાવી રહી છે. તેમને વિદેશોથી કરોડો રૂપિયાનું ભંડોળ મળે છે.

કૈલાસ સત્યાર્થીની સંસ્થા પણ તેમાંની એક છે. તેવી જ રીતે જે રાજકારણીઓ પોતાના દેશમાં સરમુખત્યારશાહી સામે લડતા હોય અને લોકશાહીની ઝુંબેશ ચલાવતા હોય તેમને પણ ઘણી વાર નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવતાં હોય છે. મ્યાનમારમાં આંગ સાન સ્યુ કીને ૧૯૯૧માં શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, કારણ કે તેઓ મ્યાનમારના લશ્કરી શાસકો સામે લડતાં હતાં અને વર્ષો સુધી જેલમાં રહ્યાં હતાં. હવે આ જ આંગ સાન સ્યુ કી મ્યાનમારના લશ્કર સાથે મળીને ચાલતી સરકારનું નેતૃત્વ કરે છે. તેવી જ રીતે ૨૦૨૫નું નોબેલ પીસ પ્રાઇઝ વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ અમેરિકાની દાદાગીરી સામે વેનેઝુએલાનાં હિતોનું રક્ષણ કરનારી સરકાર સામે લડતાં હતાં અને તેને નબળી પાડવા માટે પ્રયત્નો કરતાં હતાં.

હકીકતમાં તેઓ અમેરિકા જેવા દેશોની કઠપૂતળીની ભૂમિકા ભજવે છે, જેનો ઇરાદો વેનેઝુએલા પર નિયંત્રણ મેળવીને તેની ખનિજ તેલ જેવી સંપત્તિની લૂંટ ચલાવવાનો છે. આ ઝુંબેશમાં તેમને વિદેશી સહાય પણ મળતી હતી. જો ભારતનો કોઈ વિપક્ષી નેતા વિદેશી સહાય લઈને દેશના હિતમાં કામ કરતી સરકારને નબળી પાડવાની કોશિશ કરે તો આપણે તેને દેશદ્રોહી જ કહીશું. મારિયા કોરીના મચાડો હકીકતમાં વેનેઝુએલાના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધમાં કામ કરી રહ્યાં છે, જેના માટે તેમને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

વેનેઝુએલાનાં લોકશાહી કાર્યકર્તા મારિયા કોરિના મચાડોને ૨૦૨૫ નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયા બાદ એક વિવાદ ઊભો થયો છે. મારિયાના ટીકાકારોએ ધ્યાન દોર્યું હતું કે તેમણે ગાઝા પર ઇઝરાયલના બોમ્બમારાનું સમર્થન કર્યું હતું અને તેમના દેશમાં સરકારને ઉથલાવી પાડવા માટે વિદેશી હસ્તક્ષેપની પણ હાકલ કરી હતી. ટીકાકારો ગાઝામાં નરસંહારને ટેકો આપવા બદલ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીને સમર્થન આપતી મારિયાની જૂની પોસ્ટો શેર કરી રહ્યા છે.

૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના આશ્ચર્યજનક હુમલા પછી તેમણે ઇઝરાયલ સાથે એકતા દર્શાવી હતી. વર્ષોથી તેમની પોસ્ટો પુષ્ટિ આપે છે કે તેઓ નેતન્યાહૂના સાથી છે. તેમના ટીકાકારો દ્વારા જે પોસ્ટોનો વિરોધ કરવામાં આવ્યો છે તેમાં તેમણે કહ્યું હતું કે વેનેઝુએલાનો સંઘર્ષ ઇઝરાયલનો સંઘર્ષ છે. બે વર્ષ પછી તેમણે ઇઝરાયલને સ્વતંત્રતાનો સાચો સાથીદાર ગણાવ્યો હતો. માચાડોએ તો વચન પણ આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ વેનેઝુએલાના દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમ ખસેડશે.

અમેરિકા સ્થિત મુસ્લિમ નાગરિક અધિકાર સંગઠન કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે મારિયાને નોબેલ પ્રાઇઝ આપવાના અવિવેકી નિર્ણયની ટીકા કરી હતી. નોબેલ સમિતિને ઉદ્દેશીને લખેલી ઓનલાઈન પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે નોબેલ સમિતિએ તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, કારણ કે તે તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના શાસન વિરુદ્ધના તેમના અભિયાનમાં વિદેશી હસ્તક્ષેપની હાકલ કરવા બદલ મચાડોને પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૦૧૮માં તેમણે તેમના દેશમાં શાસન પરિવર્તન માટે ઇઝરાયલ અને આર્જેન્ટિના પાસેથી સમર્થન માંગતો પત્ર લખ્યો હતો. તેમણે પત્રની એક નકલ ઓનલાઈન શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે આજે હું આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ @mauriciomacri અને ઇઝરાયલના વડા પ્રધાન @netanyahu ને પત્ર મોકલી રહી છું, જેથી તેઓ વેનેઝુએલાના શાસનને તોડી પાડવા માટે તેમની શક્તિ અને પ્રભાવનો ઉપયોગ કરે, જે ડ્રગ હેરફેર અને આતંકવાદ સાથે ગાઢ રીતે જોડાયેલું છે.

અહીં એ વાતનો ઉલ્લેખ જરૂરી બની જાય છે કે વેનેઝુએલામાં સાઉદી અરેબિયા પછી ખનિજ તેલના સૌથી મોટા ભંડારો છે. અમેરિકાની નજર ખનિજ તેલના આ ભંડારો પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ નિકોલસ માદુરો પર સતત દબાણ કરી રહ્યા છે કે આ ખનિજ તેલના કૂવાઓનો કોન્ટ્રેક્ટ અમેરિકાની કંપનીઓને આપવામાં આવે, જેવું સાઉદી અરેબિયા કરી રહ્યું છે. નિકોલસ માદુરો આ દાદાગીરીનો સતત પ્રતિકાર કરી રહ્યા છે, કારણ કે તેનાથી વેનેઝુએલાને આર્થિક નુકસાન જાય તેમ છે. વેનેઝુએલાને બદનામ કરવા ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પર ડ્રગ્સનો આરોપ મૂકી રહ્યા છે. હકીકતમાં વેનેઝુએલાથી ડ્રગ્સની દાણચોરી કરવામાં અમેરિકાની જાસૂસી સંસ્થાઓનો હાથ છે.

મારિયા કોરિના મચાડોનો જન્મ ૧૯૬૭માં થયો હતો. ૨૦૦૨ માં તેમણે વોટ મોનિટરિંગ ગ્રુપ સુમેટની સ્થાપના કરી અને તેઓ વેન્ટે વેનેઝુએલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેમણે ૨૦૧૧થી ૨૦૧૪ સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાનાં સભ્ય તરીકે સેવા આપી હતી. ૨૦૧૮માં તેમને બીબીસીની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓ અને ૨૦૨૫ માં ટાઇમ મેગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કરવામાં આવ્યા હતા. નિકોલસ માદુરો સરકારે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

૨૦૨૩માં તેમની ગેરલાયકાત હોવા છતાં, તેમણે ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષીય પ્રાથમિક ચૂંટણી જીતી હતી, પરંતુ બાદમાં તેમના સ્થાને કોરિના યોરિસ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી લડવામાં આવી હતી, જેમાં તેમની હાર થઈ હતી. મારિયા કોરિના મચાડો વેનેઝુએલાની સરકાર સામેના સંઘર્ષમાં અમેરિકાને એક મહત્ત્વપૂર્ણ સાથી તરીકે જુએ છે. તેમણે નિકોલસ માદુરોના શાસન સામે ડોનાલ્ડ ટ્રમ્પના ટેકા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ મારિયા કોરીના જેવાં રાજકારણીઓની મદદ લઈને નિકોલસ માદુરોની સરકારને ઉથલાવી પાડવા માગે છે, પણ તેમાં તેમને સફળતા મળતી નથી. નોબેલ પ્રાઇઝ કમિટિ મારિયા કોરીના જેવા ગદ્દાર નેતાને નોબેલ શાંતિ પુરસ્કાર આપીને તેમની તાકાત વધારવાની કોશિશ કરી રહી છે.

નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની જાહેરાત પછી મારિયા કોરીનાએ કહ્યું કે તે વેનેઝુએલાના હેતુને ટેકો આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર સમર્પિત કરે છે. આ ઉપરથી પણ ખ્યાલ આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેકાથી મારિયા કોરીના વેનેઝુએલાની ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન વેનેઝુએલાના શાસક પક્ષના કાયદા નિર્માતાઓએ આ પુરસ્કારને શરમજનક ગણાવ્યો છે અને મારિયા મચાડો પર રાજકીય અસ્થિરતા ભડકાવવાનો અને વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકન મુસ્લિમ નાગરિક અધિકાર જૂથ કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR) એ આ નિર્ણયની નિંદા કર્યા પછી અને નોબેલ સમિતિને પુરસ્કાર પાછો ખેંચવાની હાકલ કર્યા પછી વિવાદ વધુ ઘેરો બન્યો છે. CAIR એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે માચાડો ઇઝરાયલની લિકુડ પાર્ટીનાં એક મુખ્ય સમર્થક છે અને તેમણે યુરોપમાં મુસ્લિમવિરોધી ફાસીવાદી નેતાઓ, જેવા કે ગીર્ટ વાઇલ્ડર્સ અને મેરી લે પેનની પરિષદમાં હાજરી આપી છે અને પંદરમી સદીમાં સ્પેનિશ મુસ્લિમો અને યહૂદીઓની વંશીય સફાઇ રિકોનક્વિસ્ટાના વિવાદાસ્પદ કાર્યોને સમર્થન આપ્યું છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં લિકુડ પાર્ટીના છે. સ્પેનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ પાબ્લો ઇગ્લેસિયસે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે વર્ષોથી પોતાના દેશમાં બળવો કરાવવાનો પ્રયાસ કરી રહેલાં કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો એ હિટલરને મરણોત્તર ઇનામ આપવા જેવું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top