Editorial

અમેરિકન રાષ્ટ્રપતિએ સમજવું જોઇએ કે નોબેલ પ્રાઇઝ માંગવાની નહીં આપવાની વસ્તુ છે

મારિયા કોરિના મચાડો વેનેઝુએલાનાં મુખ્ય વિપક્ષી નેતા છે. ગત વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, ત્યારે મારિયાનાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. આ સાથે જ એવું કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણી નિષ્પક્ષ નથી. ગત વર્ષે કારાકાસમાં ચૂંટણી દરમિયાન જોવા મળ્યું  હતું કે તેમના ઉમેદવાર એડમુંડો ગોંજાલિઝની રેલીમાં રસ્તાઓ પર ભારે ભીડ ઉમટતી હતી. આ ભીડે નિકોલસ માદુરોની સરકારને ચોંકાવી દીધી હતી. મારિયા દેશનાં મોટાં વિપક્ષી નેતા છે, જેઓ રસ્તા તથા મતદાનકેન્દ્રો પર હજારો લોકોની ભીડ એકઠી કરવાની ક્ષમતા ધરાવે છે.ગત વર્ષે ચૂંટણી દરમિયાન પોલ્સમાં મારિયાની પાર્ટીનો વિજય નિશ્ચિત મનાતો હતો, પરંતુ માદુરો ત્રીજી વખત ચૂંટણી જીત્યા. જોકે, કેટલાક ચૂંટણી નિરીક્ષકોને ચૂંટણીપ્રક્રિયામાં ગેરરીતિઓ જણાઈ આવી હતી.

એક મતદાન કેન્દ્રની બહાર બળજબરીપૂર્વક કલાકો સુધી લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ દેશના અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શન થયાં, પરંતુ સરકારે તેને કચડી નાખ્યાં. મચાડો હાલમાં ક્યાં રહે છે, તેના વિશે કોઈને ખબર નથી. જાન્યુઆરી મહિનામાં માદુરોની શપથવિધિ દરમિયાન વિરોધપ્રદર્શન થયાં, ત્યારે તેઓ જાહેરમાં દેખાયાં હતાં. મારિયાની થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર નોબલ કમિટીએ કહ્યું, “વેનેઝુએલાના લોકો માટે લોકશાહીના અધિકારોને પ્રોત્સાહન આપવા તથા ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્વક રીતે સરમુખત્યારશાહીનો સામનો કરવા માટે અને લોકશાહીના સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના શાંતિ માટેના નોબલ પુરસ્કારની જાહેરાતની ખૂબ જ રસપૂર્વક રાહ જોવાઈ રહી હતી, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત આને માટે પોતાની દાવેદારી કરી હતી. ટ્રમ્પ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમણે દુનિયામાં અનેક ક્ષેત્રોમાં સશસ્ત્ર સંઘર્ષોને શાંત કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તાજેતરમાં ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે પ્રથમ તબક્કાના સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. નોબલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે વર્ષ 2025નો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર “એવાં મહિલાને અપાઈ રહ્યો છે કે જેમણે ગાઢ અંધકારની વચ્ચે લોકશાહીનો દીપક પ્રજ્વલિત રાખ્યો.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે નોબલ માટેનો શાંતિ પુરસ્કાર જીતનારાં મારિયા કોરિના મચાડો તાજેતરના સમયમાં લેટિન અમેરિકામાં સાહસનાં અસાધારણ ઉદાહરણો”માંથી એક છે. કમિટીના ચૅરમૅનના કહેવા પ્રમાણે, મચાડો એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ છે. નિવેદનમાં લખ્યું છે, “ભલે આપણે અસહમત હોઈએ, પરંતુ લોકપ્રિય શાસનના સિદ્ધાંતોની સુરક્ષા કરવીએ એ આપણી લોકશાહીની ઇચ્છાનો મૂળમંત્ર છે. લોકશાહી જોખમમાં હોય, ત્યારે અન્ય તમામ બાબતો કરતાં તેનું સંરક્ષણ કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી બની રહે છે.

તેમના અંગત જીવન પર નજર કરીએ તો મારિયા મચાડોનો જન્મ 7 ઓક્ટોબર 1967ના રોજ વેનેઝુએલાના કારાકાસમાં થયો હતો. તેઓ ટોરોના 3જી માર્ક્વિસ, સેબેસ્ટિયન જોસ એન્ટોનિયો રોડ્રિગ્ઝ ડેલ ટોરો વાય એસ્કેનિયો (1739-1787) ના વંશજ છે. તેમણે એન્ડ્રેસ બેલો કેથોલિક યુનિવર્સિટીમાંથી ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં ડિગ્રી અને કારાકાસમાં ઇન્સ્ટિટ્યુટો ડી એસ્ટુડિયોસ સુપિરિયર્સ ડી એડમિનિસ્ટ્રેશન (IESA) માંથી ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

તેઓ ત્રણ બાળકના માતા છે અને 1992માં તેમણે  ફંડાસિઓન એટેનિયા (એટેનિયા ફાઉન્ડેશન) શરૂ કર્યું, જે એક ફાઉન્ડેશન છે જે અનાથ અને ગુનેગાર કારાકાસના શેરી બાળકોની સંભાળ માટે ખાનગી દાનનો ઉપયોગ કરે છે. તેમણે ઓપોર્ટુનિટાસ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીયોની વાત કરીએ તો 1913માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો હતો. 1930માં ભૌતિક શાસ્ત્ર માટેનો એવોર્ડ સી.વી.રમનને મળ્યો હતો.

તેવીજ રીતે 1979માં શાંતિ માટેનો એવોર્ડ મધર ટેરેસાને મળ્યો હતો. 1989માં શાંતિ માટેનો એવોર્ડ દલાઇલામાને અને 2014માં શાંતિ માટેનો એવોર્ડ કૈલાશ સત્યાર્થીને એનાયત કરવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો એવોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો. X પરની પોતાની પોસ્ટમાં તેમણે વેનેઝુએલા માટેની લડાઈમાં સમર્થન આપવા બદલ યુએસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો. મારિયાએ કહ્યું હતું કે વેનેઝુએલાના સંઘર્ષને માન્યતા આપવામાં આવી છે.

આ આપણને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- “નોબેલ પુરસ્કાર મેળવનારી વ્યક્તિએ આજે ​​મને ફોન કરીને કહ્યું, ‘હું તમારા સન્માનમાં આ એવોર્ડ સ્વીકારી રહી છું, કારણ કે તમે આ સન્માનના ખરેખર લાયક છો’… જોકે મેં એવું નહોતું કહ્યું, ‘આ અવોર્ડ મને આપી દો.’ મને લાગે છે કે તેમણે એ પ્રકારનું કામ કર્યું હશે. હું તેમને શક્ય એટલી મદદ કરી રહ્યો છું. હું ખુશ છું, કારણ કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે…’

Most Popular

To Top