‘સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ’ નવરાત્રીમાં માતાજીના ગરબા ગવાય તે પહેલાં માતાજીની માટલી મુકાય ત્યાં સાથિયા પુરવામાં આવે છે. સુરતમાં જૂના અંબાજીનો રથ જે શેરીમાંથી પસાર થાય તે શેરીના લોકો ઘરના આંગણામાં રંગોળી પુરે છે અને શેરીને શણગારવામાં આવે છે. આમ દિવાળી પર્વનો પ્રારંભ નવરાત્રીથી થઈ જાય. સુરતની શેરીઓમાં નવરાત્રીથી ઘરના આંગણામાં સાથિયા પુરવાની શરૂઆત થઈ જાય જે દિવાળી સુધી રંગોળી પુરવામાં આવે, પહેલાના સમયમાં સુરતના ઘરોમાં સંયુક્ત પરિવારમાં લોકો વસવાટ કરતા હતા.
એક ઘરમાં પાંચ સાત છોકરી વહુ હોવું સામાન્ય બાબત હતી. નવરાત્રીથી દરેક ઘરોના આંગણામાં સાથિયા પુરાતા હતા. દિવાળી પર્વમાં રમા એકાદશીએ ગાય દોરતા, વાઘ બારસે વાઘ, ધન તેરસે લક્ષ્મીજી, કાળી ચૌદશે મહાકાલીનું મુખ અને દિવાળીના દિવસે દીપમાલાના ચિત્રોની રંગોળી દોરતા હતા. જે ઘરોમાં જે છોકરી ચિત્રકામમાં નિપુણ હોય તે રોજ અલગ ચિત્રોની રંગોળી પુરતી. આજે પણ સુરતની શેરીઓમાં દિવાળીના પાંચ દિવસ અલગ અલગ રંગોળી પુરવામાં આવે છે. વર્ષ૧૯૭૦ માં આવેલી ફિલ્મ ‘જીવન જ્યોતિ’નું બિંદીયા ગોસ્વામી અભિનીત લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું ‘જીસ દ્વારેપે, ઘરકી બહુ રંગોળી સજાતી હૈ ઉસ દ્વારેપે ઘરકે અંદર લક્ષ્મી આતી હૈ…ગીત ભારતીય ઘરની સંસ્કૃતિની પરંપરાની યાદ અપાવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.